બાઇકને ટક્કર મારી મિનિટ્રક ગટરમાં ઉતરી ગઇ
(પ્રતિનિધિ) આણંદ તા.9
ઉમરેઠના અહીમા – સાવલી રોડ પર પુરપાટ ઝડપે જતી મિનિટ્રકે વળાંકમાં બાઇકને હડફેટે લેતા તેના પર સવાર 41 વર્ષિય યુવકનું મોત નિપજ્યું હતું. આ અંગે ખંભોળજ પોલીસે મિનીટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
નડિયાદના મોઘરોલી ગામમાં રહેતા વિપુલસિંહ રંગીતસિંહ સોલંકીનો નાનો ભાઇ નરેશ હાલોલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને તે બાઇક નં.જીજે 17 એસી 1410 પર અપડાઉન કરો છે. દરમિયાનમાં 8મી એપ્રિલના રોજ સવારના દસેક વાગ્યે વિપુલસિંહ ઘરે હતાં તે સમયે તેમને જાણવા મળ્યું કે, નરેશને કોઇ મિનિટ્રક ગાડી સાથે અહીમા – લાલપુરા રોડ પર અકસ્માત સર્જાયો છે. આથી, વિપુલ તુરંત ઘટના સ્થળે પહોંચ્યાં હતાં. તેઓએ જોયું તો અહીમા ગામ પસાર કરી આગળ વળાંક નજીક આવતા બે મિનિટ્રક પડી હતી. જ્યારે રોડની બાજુમાં બાઇક પડેલું હતું. જ્યારે નરેશ વિક્રમસિંહ સોલંકી (ઉ.વ.41)નો મૃતદેહ પડેલો હતો. આ અંગે આસપાસમાં પુછતાં જાણવા મળ્યું હતું કે, બે મિનીટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં સાવલી તરફથી આવતી મિનિટ્રક નં.જીજે 23 એટી 6188 રોડની ગટરમાં પડી હતી. જ્યારે અહીમા ગામ તરફથી રોંગ સાઇડમાં આવી બીજી મિનિટ્રક નં.જીજે 9 એયુ 7458 ગાડી સાથે અથડાયેલી હતી. મિનિટ્રક નં.જીજે 9 એયુ 7458ના ચાલકે ગફલતભરી રીતે રોંગ સાઇડમાં હંકારી નરેશની બાઇકને ટક્કર મારી પાડી દેતા ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં નરેશનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ મિનિટ્રકનો ચાલક ભાગી ગયો હતો. આ અંગે ખંભોળજ પોલીસે મિનિટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.