Business

અફઘાનિસ્તાનના મુદ્દે સ્વાર્થ સાધવા હવે USA ને જોઇએ છે ભારતનો સાથ

ગરજવાન પોતાનો સ્વાર્થ સાધવા કોઇ પણ સ્તરે જઇ શકે અને તેનું મોટામાં મોટું ઉદાહરણ છે અમેરિકા. યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, વિશ્વની મહાસત્તા, લોકશાહી રાષ્ટ્રના ઇન્ટેલિજન્સ અધિકારીઓએ દિલ્હીના આંટાફેરા શરૂ કરી દીધા છે.  અફઘાનિસ્તાનમાંથી બિસ્તરાં -પોટલાં ઉપાડીને નીકળી ગયેલા USAએ અત્યાર સુધી પોતાના સ્વાર્થ ખાતર મિડલ ઇસ્ટર્ન દેશોનો કચ્ચરઘાણ વાળ્યો. હવે અફઘાનિસ્તાન સાથે બદલેલાં સમીકરણમાં તેમને ભારતની સોબત કરવી છે. USAએ બહુ સિફતથી, હળવાશથી એવા સંકેત આપ્યા છે કે તેમને ભારતના એર ફિલ્ડ્ઝની જરૂર છે જેથી તે અફઘાનિસ્તાન અને તેની આસપાસના પ્રદેશોમાં આતંકીઓ પર એરિયલ સર્વેઇલન્સ રાખી શકે અને જરૂર પડે તો હુમલા પણ કરી શકે. વિશ્વની મહાસત્તા ગણાતા આ રાષ્ટ્રને જાતની રક્ષા કરવી છે અને એ માટે તે કોઇ પણ હદે કોઇનો પણ ઉપયોગ કરી શકે છે.

વિજ્ઞાનમાં ભણાવતા કે અમુક પ્રકારની વેલમાં ક્લોરોફિલ ન હોય એટલે તે ઝાડને વિંટળાય અને આ પ્રકારના સજીવોને પેરાસાઇટ અથવા તો પરાવલંબી કહેવાય. USA પાસે કંઇ ન હોય એવી શક્યતા તો નથી પણ અફઘાનિસ્તાન પર નજર રાખવા માટે તેમને ભારતના આકાશનો ટુકડો જોઇએ છે. આમ કરવામાં તેમણે પાકિસ્તાન સાથેના પોતાના સંબંધોનું પુનઃઅવલોકન કરવું પડશે. 24મી સપ્ટેમ્બરે વડા પ્રધાન મોદીની અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડન સાથે ક્વૉડ સમિટમાં મુલાકાત થાય તે પહેલાં જ યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટોની બ્લિન્કને આ સંકેતો આપ્યા. આ અંગે હજી કોઇ ચોખવટ નથી થઇ, કોઇ પણ જાહેરાત વિસ્તૃત રીતે નથી કરાઇ.

USAના ઇરાદા કંઇ પણ હોઇ શકે પણ એક રીતે તો અફઘાનિસ્તાનને કારણે અમેરિકા અને ભારત વચ્ચેની વ્યૂહાત્મક ખાઇ છતી થઇ ગઇ છે. જો બાઇડને જ્યારે ‘અફઘાનિસ્તાન સાથેનું યુદ્ધ હવે પૂરું થયું છે’ની જાહેરાત કરી ત્યારે તેમણે આ પગલાં પાછળની ચોખવટ કરતા એમ કહ્યું હતું કે તેઓ ચીન સાથે રસાકસીની સ્પર્ધામાં છે તો બીજી તરફ રશિયા સાથેના તેમના પડકારો પણ બહુસ્તરીય છે. આ સંજોગોમાં USA હજી એકાદ દાયકા સુધી જો અફઘાનિસ્તાનમાં રહે તો ચીન અને રશિયાને તો ભાવતું મળે પણ હવે એવું થવાનું નથી.

તાલિબાનના તાબામાં રહેલા અફઘાનિસ્તાનને કારણે USA પર આતંકી હુમલાઓની તલવાર તો તોળાવાની જ અને એવામાં અફઘાનિસ્તાનમાંથી નીકળી જઇ રશિયા અને ચીન સાથેના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની આ અમેરિકન વ્યૂહરચના કેટલી નક્કર છે તે કહેવું આસાન નથી. આવામાં જો રશિયા અને ચીન ચાલાકીથી પાકિસ્તાનની મદદ લઇને અફઘાનિસ્તાનમાં સ્થિરતા લાવશે તો આ આખી ત્રિરાશીમાંથી અમેરિકાનો છેદ જ ઊડી જાય, જે ભૌગોલિક વ્યૂહરચનાની દ્રષ્ટિએ એશિયાના મોટા હિસ્સામાંથી અમેરિકાની બાદબાકી સાબિત થાય. અમેરિકા માટે એ પચાવવું સ્વાભાવિક રીતે જ અઘરું હોય. બીજી બાજુ જો અમેરિકા કોઇ પણ ભોગે અફઘાનિસ્તાનમાં સ્થિરતા લાવવામાં નિષ્ફળ જાય તો આતંકવાદનો પડકાર તેઓ કલ્પી ન શકે તે હદે વિસ્તરી જશે.

USAની ઇન્ડો-પેસિફિક વ્યૂહરચનામાં ભારતનો અગત્યનો ફાળો છે અને ભારત જાણે છે કે USAનું અફઘાનિસ્તાનમાંથી નીકળવું તેને માટે પણ સંજોગો પેચીદા બનાવશે. અત્યાર સુધી તો US અને અમેરિકા એ ભારતની પૂર્વને મામલે 95% જેટલા એક કેન્દ્રમાં હતા અને પાકિસ્તાન-અફઘાનિસ્તાન એટલે કે ભારતની પશ્ચિમે 5% જેટલા એકમત હતા. પાકિસ્તાનીઓને ખુશ રાખવા માટે અમેરિકન્સે ભારતને અફઘાનિસ્તાનને મામલે કોઇ મોટાં પગલાં લેવા નથી દીધાં. સુરક્ષાને મામલેે તો ભારત માટે જાણે ‘નો એન્ટ્રી’ જ હતી.

અત્યાર સુધી જરૂર પડે ભારત પાસેથી અમેરિકન અધિકારીઓએ અફઘાનિસ્તાન માટે ચેક પર સહી કરાવી છે પણ તે સિવાય અફઘાનિસ્તાનમાં ભારતનો કોઇ પણ પ્રકારનો પ્રભાવ નથી પડવા દીધો કારણ કે જો એમ થાય તો પાકિસ્તાનીઓને વાંકું પડે અને એ અમેરિકાને પોસાય તેમ નથી. ભારતીય સરકારે આ ખેલ જેમ હતો એમ ચાલવા દીધો કારણ કે અફઘાનિસ્તાનમાં અમેરિકાની હાજરી હતી જેને કારણે આતંકવાદનું તાંડવ ખાસ્સું એવું કાબૂમાં હતું પણ હવે સંજોગો સાવ બદલાઇ ગયા છે. હવે ભારત અને USA ભૌગોલિક રીતે ભારતની પૂર્વ દિશામાં જેટલા ઓવરલૅપ થાય છે તેટલો જ સમાવેશ USA અને ભારતનો પશ્ચિમ દિશામાં થાય તે પણ જરૂરી છે.

અફઘાનિસ્તાનને મામલે ભારત શાહમૃગ નીતિ નહીં અપનાવી શકે, જે દેશ સાવ બાજુમાં છે તે નથી અથવા તો ત્યાંના સંજોગોથી આપણને ફેર નથી પડતો અને USA જોઇ લેશે વાળો અભિગમ આપણને હવે નહીં પોસાય. વીસ વર્ષના યુદ્ધ પછી સ્વાર્થી USAએ તો જાણે અફઘાનિસ્તાન તેમને માટે કોઇ મહત્ત્વ જ નથી ધરાવતું એવી અવગણના કરીને ત્યાંથી પોતાની જાતને અલગ કરી લીધી. કલ્પના કરો કે ચીન, પાકિસ્તાન અને તાલિબાનના તાબા હેઠળનું અફઘાનિસ્તાન ભારત માટે કેટલું જોખમી સાબિત થઇ શકે છે. વળી તાલિબાનના શાસનમાં તો ભારતે થર્ડ ફ્રંટની ચિંતા પણ કરવાની.  અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને પૈસા આપીને છૂટી જવાની અમેરિકાની આદત ભારતને ભારે પડશે. USAનું ક્લાઉટ, તેનો પ્રભાવ ભારતના ફાયદા માટે પણ વપરાય તે જરૂરી છે. 

USAનો ઇતિહાસ એટલો પુરાણો નથી કે તે પોતાના ભૂતકાળમાંથી શીખીને, સમજીને આગળ વધે. USA જે છે તે એટલા માટે છે કે તેને માટે પોતાનાથી ઉપર કશું નથી હોતું, આ સ્વાર્થ સાધવામાં USA મોટેભાગે સફળ રહ્યું છે પણ તેમની રોટલી શેકવામાં આપણું ઘર બળે નહીં તેની તકેદારી આપણે રાખવી જ રહી. ઇઝરાયેલ, ઇરાક, અફઘાનિસ્તાન જેવા કેટલાય મિડલ-ઇસ્ટર્ન દેશો USAની સત્તાભૂખમાં બેહાલ થયા છે. USAની નીતિ તેને પોતાને માટે તો ખરાબ નથી જ પણ તેમનો આ સલામત રહેવાનો અને સશક્ત રહેવાનો સ્વાર્થ બીજાં રાષ્ટ્રોને પાંગળા કરી ગયો છે તે પણ એક વાસ્તવિકતા છે.

બાય ધ વેઃ USAની ચકાચોંધમાં આપણે કુંડાળામાં પગ ન મૂકી દઇએ તે જરૂરી છે કારણ કે નહીંતર આપણી સુરક્ષા એવી જોખમાશે કે સંભાળવાનું મુશ્કેલ થઇ શકે છે. USAનો જે અભિગમ રહ્યાો છે કે કાં તો તમે અમારી સાથે છો અથવા તો સામે છો – એવો જ અભિગમ ભારતે USA સાથે અપનાવવો પડે એવી નોબત પણ આવી શકે છે. પૂર્વમાં USA ભારતતરફી કામ કરે અને પશ્ચિમમાં ભારતવિરોધી અને એ સમાધાન આપણે એક રાષ્ટ્ર તરીકે ચલાવીએ તો એ તો આપણે કુહાડી પર જઇને કૂદકો માર્યો એમ કહેવાય.

Most Popular

To Top