ખુલ્લી ગટરોનું શહેર વડોદરા: મ્યુનિસિપલ તંત્રની બેદરકારી સામે ફરી સવાલો, વિપુલ ઝાલાના મોત પછી પણ આંખ ન ખુલી
વડોદરા | પ્રતિનિધિ
વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં ફરી એકવાર મ્યુનિસિપલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલી ખુલ્લી ગટર/કુંડીમાં ગાય પડી જતા ફાયર વિભાગે આગવી રીતે ગાયને રેસ્ક્યૂ કરી હતી. ઘટનાના દ્રશ્યો સામે આવતા જ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે, કારણ કે થોડા સમય પહેલાં આવી જ ખુલ્લી ગટરમાં પડી જવાથી વિપુલ ઝાલા નામના યુવાનનું મોત થયું હતું. છતાં વડોદરા મ્યુનિસિપલ તંત્ર આજે પણ કોઈ બોધપાઠ લેવા તૈયાર નથી.

વિપુલ ઝાલાના મોત બાદ તંત્રે મોટી મોટી વાતો કરી, તપાસના આશ્વાસનો આપ્યા, પરંતુ હકીકતમાં જમીન પર કંઈ બદલાયું નથી. શહેરમાં આજે પણ અનેક જગ્યાએ ખુલ્લી ગટરો, ઢાંકણ વિનાની કુંડીઓ અને અંધારામાં દેખાય નહીં તેવી ખતરનાક ખાડીઓ છે. તંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે નાગરિકો જીવના જોખમે રસ્તાઓ પર ચાલવા મજબૂર છે.
ગાયને બચાવી, માણસ માટે કોણ?
લોકોમાં હવે ખુલ્લેઆમ સવાલ ઊભો થઈ રહ્યો છે—“ગાયને બચાવવા રેસ્ક્યૂ થાય છે, તો માણસ માટે પહેલાથી સુરક્ષા કેમ નહીં?” જો આ ગટરમાં ગાયની જગ્યાએ કોઈ બાળક, મહિલા કે વધુ એક યુવાન પડ્યો હોત તો જવાબદારી કોની? શું ફરી કોઈ વિપુલ ઝાલાનો બલિ લેવાશે ત્યારબાદ જ તંત્ર જાગશે? વડોદરા મ્યુનિસિપલ તંત્રની આ બેદરકારી હવે માત્ર નિષ્ફળતા નહીં, પરંતુ નાગરિકોની જિંદગી સાથેની ક્રૂર મજાક બની ચૂકી છે. નાગરિકો માંગ કરે છે કે તાત્કાલિક તમામ ખુલ્લી ગટરો બંધ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય—નહીંતર આ મૌન પણ ગુનામાં ભાગીદારી ગણાશે.