Comments

બાંક્ડાનો પ્રેમાળ પત્ર..!

HTML Button Generator

એવો એક પણ ઇસમ ના હોય કે, જે બાંકડો જોયા વગરનો રહી ગયો હોય! બાંકડો નિર્જીવ છે, પણ સજીવને પણ જ્ઞાન આપે એવો ઋષિમંત પણ છે! એના ખોળે બેસનારને ક્યારેય એણે જાકારો નથી આપ્યો. એને રૂમાલથી ઝાટકો કે, એના ઉપર લાંબા થઈને આડા પડો, તોયે એ ભલો ને એનો ઋષિભાવ ભલો. કોઈ પ્રતિભાવ નહિ કે, ચઢેલું મોંઢું નહિ! સાવ સ્થિતપ્રજ્ઞ! ઘર-જમાઈ તો મહિનો-બે મહિના મલાજો રાખે, પછી એવી ફેણ કાઢે કે, બતાવેલી કુંડળી પણ ખોટી ઠરે! ત્યારે બાંકડા એવા વિશ્વાસુ અને પરમાર્થી, તડકાના તાપમાં તપેલા શ્વ-જનો (કૂતરા) પણ બાંકડા નીચે આરામ ફરમાવતા હોય તો હઅઅઅડ સુદ્ધાં નહિ કરે!

ઘરની લ્હાય જેવી ગરમીથી છુટકારો મેળવવા કોઈ બાંકડાના આશરે આવે તો હૂંફ મેળવીને ટાઢો થાય એવી જ એની અપેક્ષા! એટલું જ નહિ, બાંકડાને ખપનું ના હોય એવી રાજકારણની વાત હોય, મોંઘવારીની વાત હોય, શેરબજારની માથાકૂટ હોય કે, ભ્રષ્ટાચાર અને નેતાઓની ઝાટકણીની વાત હોય, બધું ઠંડે કલેજે અજગરની માફક ગળ્યા કરે! પોતાનો અભિપ્રાય આપવાની કુચેષ્ટા નહિ કરે. એટલે જ એ વૃદ્ધોનો વ્હાલો અને પ્રેમીજનોનો પ્યારો છે. કહેવું તો ના જોઈએ પણ, હાયકારાની અવસ્થામાં પણ ‘હાશ’મેળવવા માટે બાંકડો પડખે ઊભો રહેતો હોવાથી, અસ્સલ આપઘાતની દુર્ઘટના ઓછી બનતી!

મંદિરમાં જઈને ઘંટનાદ કરવા કરતાં, ખુલ્લામાં મૂકેલા બાંકડાના વિસામા હરિ-દ્વાર જેવા લાગતા! કૂકરની વરાળ તો સીટી પણ વગાડે, ત્યારે અંતરની હૈયા-વરાળ તો મગજમાં શંખનાદ કરે. જેને વીતી હોય, એને જ ખબર પડે કે, એક ક્ષણનો કંકાસ પણ કેટલો ખતરનાક હોય! એ સમયે બાંકડો એનો અલ્લાબેલી બને! જેમ સ્મશાનમાં કોઈ ‘કેટેગરી’અલગ નથી, એમ બાંકડાને પણ કોઈ ભેદભાવ નહિ. પછી એ નિવૃત્ત કલેકટર હોય કે પટાવાળા હોય, ફેરિયો હોય કે, ભિખારી હોય, ‘વસુધૈવ કુટુંબકમ્’ની સાચી ભાવનાનાં દર્શન બાંક્ડામાં થાય! એટલે તો જુના સમયમાં હવેલીમાં ‘વોચમેન’ને બદલે પહેલાં બાંકડા મુકાતા! બાંકડો અને ઓટલો જનમ-જનમના સાથી હોય એમ, જ્યાં ઓટલો હોય ત્યાં બાંકડો હોય ને જ્યાં બાંકડો હોય ત્યાં વિસામો હોય!

 એના કપાળમાં કાંદા ફોડું, મગજ એવું ચગડોળે ચઢ્યું કે, મારા ભેજામાં આજે બાંકડો પ્રગટ થયો. જગત, જીવન અને જમાનો એટલાં ઝડપથી બદલાય છે કે, માણસ બીજું કંઈ ના વધારી શકે તો પણ મફતમાં ‘બ્લડ-પ્રેશર’તો ચોક્કસ વધારી શકે. એને લેવલમાં લાવવાનું કામ બાંકડો જ કરે. કારણ બાંકડો પણ માનવીના પૂર્વજોના જમાનાનો છે. આજે ભલે એના અસ્તિત્વો વેરવિખેર હોય, જાહેર બાગ, રેલ્વેનું સ્ટેશન, ગામનું પાદર, રાજદરબારના પેલેસ કે કોર્ટ-કચેરીમાં હોય, આજે પણ એલીયનની માફક એ અડીખમ છે. કાગડા-કૂતરા ને બાંકડાને અમરત્વ મળેલું હોય એમ, બાંકડા હજી ક્યાંક ને ક્યાંક ડોકાં કાઢતાં જોવા મળે. કોઈની ખળભળ હોય, ચળભળ હોય કે ચળવળ હોય, એનો આશ્રયદાતા એટલે બાંકડો! માત્ર શાહજહાં કે ઔરંગઝેબે જ જાહોજલાલી ભોગવેલી એવું નહિ, બાંકડાનો પણ એક સુવર્ણકાળ હતો! રાજાઓના રાજનું વિલીનીકરણ થયું એમ, જ્યારથી રજવાડી સોફાઓએ ગૃહપ્રવેશ કર્યો ત્યારથી બાંકડાઓના છૂટાછેડા થયેલા. આવા મજબૂરન બાંક્ડાએ માણસને લખેલો એક પ્રેમાળ-પત્ર પેશ કરું છું! વાંચવા જેવો છે!

પ્રિય માણસ!

 સમય સમય બળવાન છે, નહિ બાંકડો બળવાન! લોકોનો ‘ટેસ્ટ’રજવાડી ઠાઠમાં ઉતરતાં, હું ભલે આજે ત્યકત બની ગયો, છતાં પરમાર્થ માટે હજી ઝઝૂમું છું. જે લોકો મને કાંખમાં લઈને ફરતાં, આજે હું રાખનો થઇ ગયો એનો મને અફસોસ નથી. પણ પહેલાં ઘરમાં રાખ્યો, પછી તડકે નાંખ્યો હોય એમ, ઓટલાને હવાલે ધરી દીધો. ભારતનું ચંદ્રયાન-૩ ચંદ્ર ઉપર ગયું ત્યારે મને અભિમાન હતું કે, મારું અસ્તિત્વ ચંદ્ર ઉપર પણ હશે. બાંકડે બેઠેલા એકાદ એલીયનનાં દર્શન થશે, એકાદ-બે દેવદેવીઓ પણ બાંકડા ઉપર બેસીને પૃથ્વી-દર્શન કરતાં જોવા મળશે, પણ ઈસરોને મોકલેલી તસ્વીરોએ મારા સઘળા અરમાન ઉપર હેવી રોલર ફેરવી દીધું. બાંકડો તો ઠીક એકાદ સિંગલ ‘મુંડો’પણ નહિ દેખાણો..! ખાતરી થઇ ગઈ કે, મારી ઊંચાઈ માત્ર પૃથ્વી પૂરતી જ છે. અહોહોહો..કેવી કેવી, મારી જાહોજલાલી હતી? કવિશ્રી તખ્ત સોલંકી લખે એમ,
 પ્રેમનો પર્યાય છે આ બાંકડો, બારમો અધ્યાય છે આ બાંકડો
 બે મળેલા જીવ માંડે વારતા, કેટલો હરખાય છે આ બાંકડો

પક્ષીઓને ઝાડવાં બદલવાની આદત હોય એમ, કેટલાંય પ્રેમલો બગીચામાં આવીને બાંકડા બદલતા એ મને યાદ છે. કેટલાંય સાહિત્યરસિકો ખોળે બેસીને શબ્દોનું ગૂંથણકામ કરતાં, કેટલાંય શ્રમિકો ખોળે વસીને આરામ ફરમાવતા. છૂક..છૂકના અવાજ સાથે વિચરતી ગાડીઓને આવકારો ને જાકારો આપી, કેટલાંય લોકો સ્ટેશનનો રૂઆબ બદલી નાંખતા એ સઘળું મારી આંખ સામે છે અને સૂર્યાસ્ત થાય એટલે, નોંધારો મૂકીને ચાલી જનારા હજી પણ મને પોતીકા લાગે છે. એટલા માટે કે, માણસની ઉંમરના તમામ પડાવ સાથે, હું સ્વજન બનીને ‘લીવ એન્ડ રીલેશન’ની માફક રહ્યો છું.

કંઈ કેટલી કડવી-મીઠી વાતો મારા ખોળે ચર્ચાતી, છતાં ચંચુપાત કર્યા વિના હું માત્ર મારા ખોળાની હળવાશ જ આપતો. શીઈઈઈટ..આ બધી વાતો આજની પેઢીને ક્યાંથી સમજાય? જેમણે સોફા-સેટ ઉપર ‘સેટ’થવાના ઉધામા જોયા હોય, એને બાંકડાની જાહોજલાલીનો અંદાજ ક્યાંથી આવે? પણ, મને મારી ખાનદાનીનું ખમીર છે. ઘરના પૂર્વજ હોવાનો આજે પણ ગર્વ છે કે, હું પાંચ માણસને મારા ખોળે સમાવી દેતો ને ઘરનું ઘરેણું બનીને રહેતો! સમયની એવી થપાટ વાગી કે, મારું સ્થાન રજવાડી ફર્નીચરે લીધું ને મારું અસ્તિત્વ સમાપ્ત થઇ ગયું! લોકોની મોહ-માયાનો શિકાર બન્યો અને કબાડીના હવાલે ચઢી ગયો. મા-બાપ જેવાં મા-બાપને વૃદ્ધાશ્રમમાં મૂકતા નહિ ખંચકાય, એ મને સાચવે ખરો?

 હે માણસ..! તું યાદ કર, તું નાનો હતો ત્યારે તારું દફતર મેં જ સાચવેલું. મારી જાતને મદારી બનાવી મેં જ તને મારી પીઠ ઉપર નચાવેલો! મારા ખોળે લઈને મેં જ તને સાચવેલો! તારી કાલી કાલી બોલી ને તારી નાજુક આંગળીનો સ્પર્શ હજી હું ભૂલ્યો નથી. હું નકામો થઇ ગયો એનો મને અફસોસ નથી, પણ મારી કદરદાનીને લોકો ભૂલી ગયા એનો વસવસો છે. વૃધ્ધો તો ઘરડાં થાય એટલે ઘરના ખૂણા પણ પકડી લે, પણ હું તો ત્યાંય પણ નહિ સમાણો! મારા નસીબમાં મૃત્યુ પણ નથી ,એટલે હું આજે ભંગારથી ઓળખાયો!

 દોસ્ત! તમારી આટલી ધૃષ્ટતા પછી પણ હું ‘પ્રિય માણસ’થી તને સંબોધું છું, એ મારી ખાનદાની છે. બાકી કસમ ખાઈને કહેજે કે, તને સ્વાર્થ વગર કોઈ પ્રિય કહે છે ખરું? અને કહેતાં હોય તો પણ તને પ્રિય માને છે ખરું? અને માનતા હોય તો પણ તને વિશ્વાસ બેસે છે ખરો કે, તું એનો ખરેખર પ્રિયજન છે? તારો વાંક નથી. માણસ હવે પરમાર્થી મટીને સ્વાર્થી બની ગયો. એને ખુરશીમાં સુખ દેખાય છે, એટલે તેને જાળવીને બેઠો છે ને પાંડવ જેવા પાંચને ખોળે બેસાડે એ બાંકડાને વિસરી ગયો છે. જો કે એક સમય હતો કે, જે ઘરમાં ખુરશી-ટેબલ-બાંકડો ને કબાટ હોય એ ઘર પાંચમાં પૂછાતું..!

એ વખતે પાંચ માણસની પંચતત્ત્વ જેટલી ઈજ્જત હતી. આજે તો એકલગરી ખુરશીની વાહવાહી છે. એટલે તો, ખુરશીને સત્તાએ સાચવી, ટેબલ ખાણીપીણીમાં ગયું, કબાટને પૈસાએ પોષ્યો, રહી ગયો બાંકડો, એને માંકડોએ સાચવ્યો ને ભંગારવાળાએ નિભાવ્યો. હા, ક્યાંક અમારા તપ તપતા હશે, એટલે ક્યાંક ક્યાંક એ દેખાય છે એ અમારી ખુશનસીબી છે. અંતમાં એટલું જ કહીશ કે, ભેદભાવ તો માણસ તારામાં છે. તારી આ આદત છે કે, ‘આ મારું આ તારું’ની તું તિરાડો પાડે છે. પણ જે નિર્જીવ છે એને કોઈ એવા ભેદ નથી. બાંકડાને આશરે કે એના વિસામે આવે એને તો બધાં જ સરખાં! પછી એ માણસ હોય કે માણસેતર હોય!

લાસ્ટ ધ બોલ
એવું કહે છે કોણ કે, પત્ની પતિની ચિંતા કરતી નથી?
કમાલ છે યાર..?
બાળકો કરતાં પણ પત્નીને પતિની ચિંતા વધારે હોય છે, હાઆઆઆ..!
ખાતરી કરવી હોય તો કરી લેજો, પત્ની કશે જવાની હોય તો એ બાળકોને પાડોશણને ત્યાં મૂકી જશે, બાકી પતિને ક્યારેય
નહિ મૂકે..
એના કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top