Columns

સાચા સાધુની ઓળખ

એક સંત પોતાના શિષ્ય સાથે એક નગરથી બીજા નગર જઈ રહ્યા હતા.વરસાદ પાડો રહ્યો હતો, શરીર અને કપડા કાદવથી લથબથ થઇ ગયા હતા.શિષ્ય કંટાળી ગયો હતો તેના મોઢા પર ચીડ અને કંટાળો દેખાતો હતો. સંતે શિષ્યને પૂછ્યું, ‘વત્સ શું તું મને કહીશ કે વાસ્તવમાં સાચા સાધુની ઓળખ શું છે?’ શિષ્યએ થોડીવાર વિચારીને કહ્યું, ‘સાચો સાધુ એ છે જેની પાસે કોઈ સિધ્ધી હોય અને તે પોતાની સિધ્ધીથી સમાજના બીજા લોકોના દુઃખ દુર કરે, તકલીફ દુર કરે.’ સંતે નકારમાં માથું ધુણાવ્યું.ફરી શિષ્યે વિચારીને કહ્યું, ‘સાચો સાધુ એ છે જે ઘર અને અને પરિવાર બધાને ત્યાગીને વૈરાગી બની જાય….સાચો સાધુ એ છે કે જે બધાની ભલાઈ માટે પોતાનું જીવન સમર્પિત કરી દે…’

સંતે ના પાડી.શિષ્યને નવાઈ લાગી કે , ‘ આ બધા જ તો સાચા સાધુના લક્ષણ છે.’ શિષ્યે મૂંઝાયેલા અવાજે પૂછ્યું, ‘ગુરુજી આ બધા સાધુના સાચા લક્ષણ નથી તો પછી તમે જ કહો સાચો સાધુ  કોને કહેવાય ??’ સંતે બોલ્યા, ‘વત્સ,તું ધારી લે કે આપણે આ વરસાદમાં ચાલીને ભીના થઈને ,થાકીને કોઈ ઘરનો દરવાજો ખટખટાવીએ અને તે ઘરમાંથી કોઈ આપણને મુફ્તખોર, માગવા આવી ગયા એમ કહે તો ..??’ સંતને આવી વિચિત્ર વાત સાંભળી શિષ્ય વધુ મૂંઝાયો.સંતે આગળ કહ્યું, ‘વત્સ હજી આગળ વિચાર કે માત્ર એક ઘરમાં નહિ ,પણ આપણે આગળ જ્યાં જ્યાં જઈએ ત્યાં ત્યાં આપણને અપમાન મળે, ધુત્કાર મળે , ક્યાંય આવકાર ના મળે તો શું થાય ??’

શિષ્ય બોલ્યો, ‘ગુરુજી, મન નારાજ થાય, અપમાન કરનારનું અપમાન ન કરીએ છતાં મનમાં ગુસ્સો તો આવે જ…’ ગુરુજી બોલ્યા, ‘જો આવું થાય તો આપણે સાચા સાધુ નથી પણ જો આપની સાથે આવું થાય બધેથી અપમાન મળે તેમ છતાં આપણે નારાજ ન થઈએ ; આપણું અપમાન કરનાર માટે આપણા મનમાં કડવાશ ન ઉત્પન્ન થાય, તેમની પર આપણે ગુસ્સે ન થઈએ.તો આપણે સાચા સાધુ.’

શિષ્ય બોલ્યો , ‘ગુરુજી આવા લક્ષણ ગૃહસ્થમાં પણ હોય તો શું તે પણ સાધુ કહેવાય?’ ગુરુજી બોલ્યા , ‘હા, સાચા સાધુની ઓળખ કે દરેક પરિસ્થિતિમાં સમતા રાખે…દરેકમાં ભગવાનના દર્શન કરે કોઈ માન આપે કે અપમાન ..કોઈ સન્માન કરે પ્રેમથી આવકારે કે કોઈ ધુત્કારે બધાને સમાન ગણે.દરેકમાં ભગવાનને જુએ એ જ સાચો સાધુ છે પછી વૈરાગી હોય કે ગૃહસ્થ.સાધુતાના ગુણોણે ધારણ કરનાર સાચો સાધુ છે.’ સંતે શિષ્યને સાચી સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top