National

ઝારખંડના સીએમ હેમંત સોરેનની વિધાનસભા સદસ્યતા થઈ શકે છે રદ્, ચૂંટણી પંચે સોંપ્યો રિપોર્ટ

ઝારખંડ: (Zharkhand) ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનનું (Hemant Soren) વિધાનસભા સભ્યપદ રદ થઈ શકે છે. કેન્દ્રીય ચૂંટણી પંચે આ માટે રાજ્યપાલને પત્ર મોકલ્યો છે. ચૂંટણી પંચે ગેરકાયદે ખનન કેસમાં આ કાર્યવાહી કરવાની ભલામણ કરી છે. મુખ્યમંત્રી પદ પર રહીને સોરેને પોતાના નામે ખાણ કરાવવાના મામલે પંચ દ્વારા આ ભલામણ કરવામાં આવી છે. માઈનિંગ-ફોરેસ્ટ મિનિસ્ટરનું પદ માત્ર હેમંત સોરેન પાસે છે. રાજ્યપાલ રમેશ બૈસ દિલ્હીથી (Delhi) રાંચી પહોંચી ગયા છે. હેમંત સોરેન સરકારના કેટલાક મંત્રીઓ (Minister) અને એડવોકેટ જનરલ પણ સીએમ આવાસ પર પહોંચ્યા છે. હેમંત સોરેનની પાર્ટી જેએનએમએ તમામ ધારાસભ્યોને સાંજ સુધીમાં રાંચી પહોંચી જવા કહ્યું છે. હેમંત સોરેનના મામલામાં ચૂંટણી પંચે પોતાના નિર્ણયની નકલ ઝારખંડના રાજ્યપાલને મોકલી છે. કોપી સીલબંધ કવર મોકલવામાં આવી છે.

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની વિધાનસભાની સદસ્યતા જોખમમાં છે. વાસ્તવમાં રાજ્યપાલે હેમંત સોરેન લાભના પદ પર હોવાના મામલે ચૂંટણી પંચનો અભિપ્રાય માંગ્યો હતો. આ મામલે હેમંત સોરેનનો પક્ષ જાણ્યા બાદ ચૂંટણી પંચે પોતાનો અભિપ્રાય રાજ્યપાલને મોકલી આપ્યો છે. અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પંચે રાજ્યપાલને મુખ્યમંત્રીની વિધાનસભા સદસ્યતા રદ કરવાની ભલામણ કરી છે. જો આમ થશે તો ઝારખંડમાં મોટું રાજકીય સંકટ ઊભું થઈ શકે છે. મુખ્યમંત્રી હેમંત સોરેન સાથે સંબંધિત માઈનિંગ લીઝ કેસમાં ઓફિસ ઓફ પ્રોફિટ માટે ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠરવાની માગ કરવામાં આવી હતી. જે બાદ રાજભવન દ્વારા આ મામલો ચૂંટણી પંચને મોકલવામાં આવ્યો હતો. પંચમાં બંને પક્ષો વતી દલીલો રજૂ કરવામાં આવી હતી. ચૂંટણી પંચમાં દલીલો 18 ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ હતી. જે બાદ હવે કમિશને પોતાનો અભિપ્રાય રાજ્યપાલને મોકલી દીધો છે.

શું છે સ્ટોન ક્વોરી માઈન્સનો મામલો
ભાજપે હેમંત સોરેન પર આરોપ લગાવ્યો છે કે સોરેને પોતાને પથ્થરની ખાણની લીઝ ફાળવીને ખાણ પોતાના નામે કરી હતી. આના સંદર્ભે ભાજપે ઓફિસ ઓફ પ્રોફિટ એન્ડ રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1951ની કલમ 9Aને ટાંકીને ચૂંટણી પંચ પાસેથી હેમંત સોરેનની સદસ્યતા સમાપ્ત કરવાની માંગ કરી હતી. જણાવી દઈએ કે માઈનિંગ-ફોરેસ્ટ મિનિસ્ટરનું પદ માત્ર હેમંત સોરેન પાસે છે.

આ કેસમાં માહિતીના અધિકાર (RTI) માટે કામ કરનાર શિવશંકર શર્માએ બે જાહેર હિતની અરજીઓ દાખલ કરી હતી અને તપાસ એજન્સીઓ CBI અને ED દ્વારા ખાણ કૌભાંડમાં તપાસની માંગ કરી હતી. અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે હેમંત સોરેને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને પથ્થરની ખાણો તેમના નામે ફાળવી છે. સોરેન પરિવાર પર શેલ કંપનીમાં રોકાણ કરીને સંપત્તિ હાંસલ કરવાનો પણ આરોપ છે.

Most Popular

To Top