ચિત્તચોર’ માં ચિત્તચોરી લેનારી ઝરીના વહાબ આમ તો ભુલાય રહી હતી. તેની ચર્ચા થતી તો આદિત્ય પંચોલીની પત્ની તરીકે થતી પણ ધીરે ધીરે તે પાછી ફરી અને આદિત્ય પંચોલીને નહીં મળતી હોય તેનાથી વધુ ફિલ્મો મેળવતી થઇ ગઇ. ઝરીના જોકે બહુ વહેલી તેલુગુ, મલયાલમ ફિલ્મોમાં કામ કરતી થઇ ગઇ હતી. હકીકતે ‘ચિત્તચોર’ રજૂ થઇ તેના આગલા વર્ષે તે ‘ગજુલા કિશ્તૈયા’ નામની તેલુગુ ફિલ્મમાં આવી ચુકી હતી. ઝરીનાએ દેવઆનંદની ‘ઇશ્ક ઇશ્ક ઇશ્ક’ થી કારકિર્દી આરંભેલી પણ તેને સૌ પ્રથમ રાજકપૂરે વિચારેલી પરંતુ વિશાખાપટ્ટનમની ઝરીના રાજસાહેબને પ્રભાવિત નહીં કરી શકી. દેવસાહેબ ઝિન્નત અમાનની બહેનની ભૂમિકા માટે કોઇ અભિનેત્રી જોઇ રહ્યાં હતા ને ઝરીનાને તક મળી ગઇ. એ ફિલ્મના બે વર્ષ પછી રાજશ્રી પ્રોડકશનની ‘ચિત્તચોર’ માં તે અમોલ પાલેકરની હીરોઇન બની. બાસુ ચેટરજીએ અમોલ પાલેકર, વિદ્યા સિંહાની જેમ ઝરીનાને પણ સ્ટાર બનાવી દીધી.
ઝરીના વિશાખાપટ્ટનમથી આવી હતી એટલે તેલુગુ તો માતૃભાષા હતી એટલે કમલહાસન સામે ‘મદનોલ્સાવમ’ ફિલ્મ મળી જે મલયાલમ ભાષાની હતી પછી તેને ત્યાં સતત ફિલ્મો મળતી ગઇ અને આજે પણ ‘લલીથમ સુંદરમ’માં તે કામ કરી રહી છે. મલયાલમ, તેલુગુ વચ્ચે તેને હિન્દી ફિલ્મો મળતી રહી અને તેમાં ‘ઘરોંદા’ તેની ખૂબ જ મહત્વની ફિલ્મ છે. એ જ રીતે ‘તુમ્હારે લીયે’, ‘સાવનકો આને દો’ વગેરે યાદ કરી શકો. ‘ચિત્તચોરે’ તેની ઇમેજ એવી બનાવી દીધી હતી કે તે મોડર્ન ન બની શકી. એ સમય ઝિન્નત, રેખા, રાખી, શ્રીદેવી જેવી હીરોઇનોનો હતો એટલે ઝરીના કરે પણ શું? સમય જતાં તે ચરિત્ર અભિનેત્રી બનતી ગઇ. તમે તેને ‘માય નેમ ઇઝ ખાન’ માં રઝીયા ખાન તરીકે જોઇ હશે. ‘રકતચરિત્ર’ માં તે જયાલક્ષ્મી હતી, ‘અગ્નિપથ’ માં સુહાસિની ચૌહાણ, ‘ઝિયા ગાઝિયાબાદ’માં સતબીરની મા, ‘દિલ ધડકને દો’ માં સ્મિતા સંઘ, ‘ચોક એન ડસ્ટર’માં ઇન્દુ શાસ્ત્રી અને ‘પીએમ નરેન્દ્ર મોદી’ માં તે નરેન્દ્ર મોદીનાં મા હીરાબેન બન્યા હતા. હમણાં ય તે ‘મેરા ફૌજી કોલિંગ’ માં માજી તરીકે આવી હતી.
ઝરીના વહાબે ૧૯૯૯ ની ‘નયા જમાના’ ટી.વી. સિરીયલમાં ડો. શુભદા વાઘની ભૂમિકા ભજવી પછી વીસેક સિરીયલોમાં કામ કર્યું છે. ‘કયું કી સાસ ભી કભી બહુી થી’ માં તે તુલસી (સ્મૃતિ ઇરાની)ની બાળપણની મિત્ર બનેલી તો ‘હીના’ માં નગમા બેગમ. તેને કામની ખોટ નથી રહી પણ તે જેટલી ચર્ચાવી જોઇએ તેટલી ન ચર્ચાઇ શકી અને તેમાં આદિત્ય પંચોલીની લફડાબાજીએ તેને ડિસ્ટર્બ કરી અને છતાં તેણે ડાયવોર્સ નથી લીધા. આદિત્ય શું પુત્ર સુરજ પંચોલી પણ જિયા ખાનના મૃત્યુ સાથે જોડાયેલો કહેવાયો અને તેની ધરપકડ થઇ ત્યારે પણ તેણે સ્વસ્થતાથી આખી સમસ્યા સંભાળેલી. ઝરીનાને સના નામની દિકરી પણ છે પણ તે એકદમ ગ્લેમરસ લુક ધરાવે છે. લોસ એંજલ્સમાં તે અભિનય ભણી છે. અત્યારે તે ગોવામાં પોતાની રેસ્ટોરાં અને હોટલ ધરાવે છે.