ભરૂચ: ભરૂચના (Bharuch) નબીપુરથી ઝનોર રોડ પર પિસ્તોલની અણીએ બે કાર લઈ આવેલા લૂંટારુંઓએ (Robbery) સોનીની કારને ઘેરી પિસ્તોલની અણીએ રૂ.1 કરોડના સોના સહિત રોકડની લૂંટ ચલાવી હતી.લૂંટના બનાવ બાદ ભરૂચ પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ઘરી હતી. ભરૂચ તેમજ વડોદરા સહીત પાડોશી જિલ્લામાં પણ નાકાબંધી કરવામાં આવી હતી.એ વેળા શિનોર પોલીસે ગઈકાલે સેગવા ચોકડી નજીકથી ત્રણ લૂંટારુંઓ અને કારને ઝડપી પાડયા હતા. શિનોર પોલીસે રિકવર કરેલો મુદ્દામાલ તેમજ ત્રણેય આરોપીઓને ભરૂચ પોલીસને હવાલે કર્યા છે.
- આરોપીઓ તેમજ મુદ્દામાલ સાથે ભરૂચ પોલીસને સોંપાયા
- શિનોર પોલીસે ત્રણેય લૂંટારુંઓને કાર સહિત ઝડપી પાડ્યા
- મુખ્ય સૂત્રધાર રાજુ મારવાડી સહિતના ત્રણ ફરાર આરોપીઓની શોધખોળ શરૂ
- ભરૂચમાં લૂંટ કરનાર લૂંટારુઓની વધુ એક કાર પણ મળી આવી
લૂંટના બનાવ બાદ ભરૂચ તેમજ વડોદરા પોલીસ એલર્ટ હતી. બંને જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર નાકાબંધી કરવામાં આવી હતી. તો વડોદરાના શિનોર તાલુકામાં તમામ રાજ્યઘોરી માર્ગો પર શિનોર પોલીસે નાકાબંધી કરી હતી. આ દરમિયાન લૂંટારૂઓની કાર સેગવા ચોકડી ખાતે આવી ચઢતા શિનોર પોલીસ દ્વારા કારને ચેક કરતા કાર ચાલકે કાર ભગાડવાની કોશિશ કરી હતી. તો પોલીસે કારનો પીછો કરીને ત્રણેય લૂંટારૂઓને કાર સહિત દબોચી લીધા હતા.
શિનોર પોલીસે ઝડપી પાડેલા ત્રણ આરોપીઓમાં સંદીપ બાબુભાઇ પટેલ મહેસાણાના ભાંડુ ગામનો છે, તો બાકીના બંને આરોપી કરણ ભાવેશભાઈ પટેલ અને પ્રવીણ દિલીપભાઈ વાઘ નાસીકના રહેવાસી છે. આ ગુનાનો મુખ્ય સૂત્રધાર રાજુ મારવાડી સહિતના ત્રણ આરોપીઓ હજુ ફરાર છે. બાકીના આરોપીઓને ઝડપી પાડવા પોલીસે શોધખોળ હાથ ધરી છે.
વડોદરા ગ્રામ્ય પોલીસ, LCB અને સ્થાનિક શિનોર પોલીસે સેગવા ચોકડીથી રાજપીપલા તરફના મુખ્ય માર્ગ પર વધુ તપાસ હાથ ધરતા લૂંટારૂઓ પાસેથી અન્ય એક કાર પણ મળી આવી છે. લૂંટારુંઓ બીજી કાર રંગસેતુ નર્મદા નદીના બ્રિજ પાસે મૂકી ફરાર થયા હતા.પોલીસે રિકવર કરેલો મુદ્દામાલ તેમજ ત્રણેય આરોપીઓને ભરૂચ પોલીસને હવાલે કર્યા છે.