Dakshin Gujarat

ઝઘડિયાના ડમલાઈમાંથી અકીક પથ્થરો ચોરતા ચાર ઈસમ ઝબ્બે

ઝઘડિયા: ઝઘડિયા (Zaghadiya) પીઆઇ પી.એચ.વસાવાને રાત્રિ પેટ્રોલિંગ (Patrolling) કરતી વખતે એવી દરમિયાન બાતમી મળી હતી કે, ઝઘડિયાના ડમલાઇની સીમમાંથી કેટલાક ઇસમો અકીકના પથ્થરોની (Agate stone) સુવ્યવસ્થિત ચોરી ચાલી રહી છે. બાતમી મળતાં પોલીસે રેડ (Raid) કરતાં ચાર ઇસમને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા બાબુ ચંદુ વસાવા (રહે.,ડમલાઇ, તા.ઝઘડિયા), રાકેશ શનુ જોગી (રહે.,સાંકડિયા, તા.ઝઘડિયા, સુનીલ ભીખા વસાવા (રહે.,ડમલાઇ, તા.ઝઘડિયા) તેમજ અરવિંદ સોમા વસાવા (રહે.,ડમલાઇ, તા.ઝઘડિયા)નો સમાવેશ થાય છે.

પોલીસે આ ગુનામાં વપરાયેલું એક ટ્રેક્ટર, એક હાઇવા ડમ્પર, એક જેસીબી, બે મોટરસાઇકલ તેમજ ૨૫ ટન જેટલા અકીકના પથ્થર સહિત કુલ રૂ.૨૨ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝઘડિયા પોલીસે તમામ સામે માઈન્સ એન્ડ મિનરલ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથી ધરી હતી.

સેવણી સબ ડિવિઝનના કોન્ટ્રાક્ટરના મજૂરો 3700 મીટર તાર ચોરી કરવા જતાં પકડાયા
કામરેજ: ડીજીવીસીએલની સેવણી સબ કચેરીના નેત્રંગ ગોડાઉનમાં રાખેલા 3700 મીટર એલ્યુમિનિયમના તારોની ચોરી કોન્ટ્રાક્ટરના મજૂરો કરવા જતાં ગામલોકોએ પકડી પાડ્યા હતા.

જહાંગીરપુરાની શશાંક રેસિડન્સીમાં હિમાંશુ ધીરજલાલ પટેલ રહે છે. કામરેજ તાલુકાના સેવણી ગામે આવેલી સબ ડિવિઝનની દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં નાયબ ઈજનેર તરીકે નોકરી કરે છે. એચ.ટી.એલ.ટી. તેમજ ટી.સી. ઈરેક્શન વર્કની કામનો કોન્ટ્રાક્ટ છેલ્લાં ત્રણ વર્ષથી વિરલ ગોવિંદ પટેલને આપવામાં આવ્યો હોવાથી કામ કરે છે. ડીજીવીસીએલનો સામાન મૂકવા માટે નેત્રંગ ગામ ખાતે વીર રેસિડન્સીમાં મકાન નં.1 ભાડે રાખી સામાન મૂકવામાં આવે છે. કોન્ટ્રાક્ટરે કામ કરવા માટે સાત રાજસ્થાની મજૂરને કામ પર રાખ્યા હતા. શુક્રવારે રાત્રિના આશરે 10 કલાકે વીર રેસિડન્સી પાસે મહિન્દ્રા પિકઅપમાં ચાર જેટલા ઈસમ તારની રિંગો ચઢાવતા દિગસ ગામના ઈસમે જોતાં ચારેય ઈસમો પિકઅપ લઈને નાસી છૂટ્યા હતા.

રોડની બાજુમાં તારની પાંચ રિંગ ફેંકી દીધી હતી. આ તમામ ઈસમો કોન્ટ્રાક્ટરના માણસો હોવાનું જણાવતાં નાયબ ઈજનેર હિમાંશુ પટેલે આજુબાજુના ગામના ખેડૂતોને જાણ કરતાં ચારેય મજૂર કિશન ગોપાલસીંગ રાવત, મદન ગોપાલસીંગ રાવત, ડાઉ ભવરસીંગ રાવત, બાલુસીંગ રમેશસીંગ રાવત (તમામ હાલ રહે.,મકાન નં.1, વીર રેસિડન્સી, નેત્રંગ, મૂળ રહે.,કરમાકા બાડિયા ગામ, જિ.ભીલવાડા, રાજસ્થાન)ને પકડી પાડ્યા હતા. તપાસ કરતાં ચારેય મજૂર 3700 મીટર એલ્યુમિનિયમ તારની પાંચ રિંગ કિંમત 1,95,500 ગોડાઉનમાંથી કાઢી ચોરી જતાં પકડાઈ જતાં કામરેજ પોલીસને સોંપવામાં આવ્યા હતા. પોલીસે તમામની અટક કરી ચોરીની ફરિયાદ નાયબ ઈજનેરે નોંધાવી હતી.

Most Popular

To Top