સુરત (Surat) : કડોદરા રોડ સારોલી ખાતે રહેતા યુવકે ઓનલાઈન (Online) ફેસબુક ઉપર કામરેજ વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસ (Farm House) બુક (Book) કરવાના ચક્કરમાં રૂપિયા 11 હજાર ગુમાવ્યા છે. જ્યારે સરથાણાના (Sarthana) યુવકે ગુગલ (Google) પર વિકેન્ડ ફાર્મ (Weekend Farm) માટે સર્ચ (Search) કરીને 4 હજાર ગુમાવ્યા છે. બંને કેસમાં સરથાણા અને સારોલી પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરાઈ છે.
- ફેસબુક પર ઓનલાઈન ફાર્મ હાઉસ બુક કરવાના બહાને બે જણા સાથે ઠગાઈ
- એક શખ્સે ફેસબુક પર જાહેરાત જોઈને તો બીજાએ ગુગલ ઉપર સર્ચ કરીને સંપર્ક કર્યો હતો
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઈશ્વરકૃપા સોસાયટી કુંભારીયા ગામ સારોલી ખાતે રહેતા 33 વર્ષીય જીજ્ઞેશ વાલજીભાઈ મેરએ ફેસબુક ઉપર ફાર્મ હાઉસ ભાડે આપવાની જાહેરાત જોઈ હતી. તેમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં ભાડા સાથે ફાર્મ હાઉસની વિગતો હતી. આપેલા નંબર પર ગત 13 એપ્રિલે ફોન કરી સંપર્ક કર્યો હતો.
સામે વાળા વ્યક્તિએ પોતાની ઓળખ રાજ પટેલ તરીકે આપી હતી. અને ફાર્મ હાઉસ કામરેજ વિસ્તારમાં આવેલા છે. જેમાં સ્વીમીંગ પુલ, ગાર્ડન, એ.સી રૂમની સુવિધા છે. આ ફાર્મમાં પરિવાર સાથે જશો તો ખુબ આનંદ આવશે. તેમજ ફાર્મ બુકિંગ કરવા માટે તમારે 9 હજાર આપવાના રહેશે. અને તમે ફાર્મમાં જવાના સમય સાંજના સાત વાગ્યાથી બીજા દિવસે સાંજના સાત વાગ્યા સુધી રહેશો તેમ કહ્યું હતું.
બાદમાં તેને ભાઈ ‘હું ગુજરાતી છું અને ગુજરાતનો જ છું મારા ઉપર વિશ્વાસ રાખજો’, તેવી મિઠી મીઠી વાતો કરી વિશ્વાસમાં લીધા હતા. જીજ્ઞેશભાઈએ પહેલા રૂપિયા 5 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી બાદમાં અલગ અલગ ક્યુઆર કોડમાં ત્રણ વખત 2-2 હજાર મળી કુલ રૂપિયા 11 હજાર ટ્રાન્સફર કર્યા હતા. પૈસા મેળવી લીધા બાદ મોબાઈલ બંધ કરી છેતરપિંડી કરી હતી. સારોલી પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
સરથાણા ખાતે વર્ણીરાજ એપાર્ટમેન્ટમાં રહેતા 37 વર્ષીય હીતેશભાઈ ભરતભાઈ જાસોલીયા બેંકીંગ ફાઈનાન્સનું કામ કરે છે. તેમણે ગત 19 એપ્રિલે ગુગલ ઉપર વિકેન્ડ ફાર્મ બુકીંગ સર્ચ કર્યું હતું. ફાર્મ બુક કરાવી કોઈ અજાણ્યા મોબાઇલ ધારકે ફાર્મ બુકીંગના નામે 4 હજાર ટ્રાન્સફર કરાવી લીધા હતા. અને બાદમાં ફોન બંધ કરતા તેની સાથે છેતરપિંડી થયાની જાણ થઈ હતી. તેણે સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.