બોરસદ : બોરસદ તાલુકાના અલારસા ગામમાં રહેતો 37 વર્ષિય યુવક સોમવારના રાત્રે અડધો કલાકમાં બહાર જઇને આવું છું, તેમ કહી નિકળ્યા બાદ વ્હેલી સવારે તેની લાશ મળતાં ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં જ તેના માથામાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઇ હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધ્યો છે.
અલારસા ગામના અલકાપુરીમાં રહેતા અંકિતકુમાર પરષોત્તમભાઈ પટેલ અને તેનો નાનો ભાઇ સંદીપકુમાર ઉર્ફે સ્વામી (ઉ.વ.37) સંયુક્ત પરિવારમાં રહે છે.
સંદીપે ત્રણેક વર્ષ પહેલા રાધીકા સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. જોકે, તેમને સંતાનમાં કાંઈ નથી. દરમિયાનમાં 1લી ઓગષ્ટની સવારના સાતેક વાગે અંકિત ઘરે હતો તે સમયે રાધીકાબહેન તેમની પાસે આવ્યા હતા અને જણાવ્યું હતું કે, રાતના આશરે બારેક વાગે સંદીપ ઘરેથી હું અડધો કલાકમાં બહાર જઇને પાછો આવું છું. તેમ કહીને ગયો છે. જેઓ હાલ સુધી ઘરે પરત આવ્યાં નથી અને ફોન પણ ઉપાડતાં નથી. જેથી સંદીપ ઉર્ફે સ્વામીએ ત્રણેક રીંગ કરી હતી. પરંતુ તેનો ફોન પણ ન ઉપાડતાં કંઇક અજુગતુ લાગ્યુ હતું. આથી, તેઓ તુરંત શોધખોળ માટે નિકળી ગયાં હતાં. તેઓ નાવલી ગામે પહોંચ્યા તે વખતે ગામના દિનેશભાઈએ ફોન કરી જણાવ્યું હતું કે, સુરેશ પટેલના ખેતરના શેઢા પાસે કોઇ લાશ પડી છે.
આથી, અંકિત તુરંત સુરેશ કાકાના ખેતર પર પહોંચ્યો હતો. આ સમયે લોકોનું ટોળું ભેગુ થયું હતું અને ખેતરના શેઢા નજીક એક લાશ પડી હતી. જે જોતા સંદીપ ઉર્ફે સ્વામી પરશોત્તમભાઈ પટેલ (ઉ.વ.37) ની હતી અને તેના માથાના ભાગે કોઇએ તિક્ષ્ણ હથિયારથી ઇજા કરી હતી. આમ, રાતના બારેક વાગ્યાથી સવારના સાડા દસેક વાગ્યા દરમિયાન કોઇ અજાણ્યા શખસે કોઇ કારણસર સંદીપ ઉર્ફે સ્વામીની તિક્ષ્ણ હથિયારથી માથામાં ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરી હતી. આ અંગે અંકિતે બોરસદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધ્યો હતો.
સંદીપની હત્યા અનૈતિક સંબંધમાં થઇ હોવાની પોલીસને શંકા
બોરસદ પોલીસની તપાસમાં સંદીપના માથા પર તિક્ષ્ણ હથિયારના ત્રણ ઘા ઝીંકી હત્યા કરી હતી. પોલીસની સ્થળ તપાસમાં કોન્ડોમ મળી આવ્યું હતું. જેને લઇને અનૈતિક સંબંધોની શંકા ઉપજી હતી. જોકે, પોલીસે સંદીપના મોબાઇલમાં આવેલા છેલ્લા કોલ આધારે બે શકમંદોની અટક કરી તેની આગવી ઢબે પુછપરછ હાથ ધરી છે. જોકે, મોડે સુધી આ બાબતે પોલીસે કોઇ ઘટસ્ફોટ કર્યો હતો.
રાત્રે ભજનમાં હાજરી આપી ઘરે આવ્યો હતો
સંદીપભાઈ ઉર્ફે સ્વામી પુરુષોત્તમભાઈ પટેલ છેલ્લાં કેટલાંક સમયથી વીમા એજન્ટનું કામ કરતો હતો. સોમવાર રાત્રિના સમયે તે ભજનના કાર્યક્રમમાં હાજરી આપી મંદિરેથી ઘરે આવ્યો હતો અને પ્રસાદ ખાઈ જમી પરવારીને બહાર નીકળતો હતો. તે દરમિયાન તેના મોબાઇલમાં કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યા બાદ ઘરેથી નિકળ્યો હતો. જોકે, સંદીપ પટેલ સવાર સુધી પરત ઘરે ન આવતાં પરિવારજનોએ તેની શોધખોળ આરંભી હતી.