આઝાદીના અમૃત પર્વે આયોજીત યુથ પાર્લામેન્ટ યુવાનો માટે અવિસ્મરણિય અનુભૂતિનું પર્વ બન્યું છે. યુથ પાર્લામેન્ટથી જનહિત સેવા માટે, રાષ્ટ્રનિર્માણ માટે સમર્પિત યુવા પ્રતિનિધિઓ તૈયાર કરવાની અમારી પ્રતિબદ્ધતા છે તેમ સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. ગાંધીનગરમાં કર્ણાવતિ યુનિવર્સિટી ખાતે આયોજીત ‘યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા ૨૦૨૧’ના અવસરે આરંભ પ્રસંગે સીએમ પટેલે કહ્યું હતું કે યુથ પાર્લામેન્ટ યુવાશક્તિ માટે મોટી તક લઇને આવી છે. યુવાનોએ રાષ્ટ્રહિત માટે આગેવાની લેવામાં પાછા પડવાનું નથી. યુવાન ઉર્જાવાન હશે તો બીજાને પ્રભાવિત કરી શકશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
તેમણે જણાવ્યું હતું કે, યુથ પાર્લામેન્ટનો ઉદેશ્ય દેશની યુવા પેઢીને કાયદા નિર્માણની લોકતાંત્રિક પ્રક્રિયાથી પરિચિત કરવાનો છે. યુથ પાર્લામેન્ટમાં મનોમંથન અને સંવાદ દ્વારા યુવાનોને જ્ઞાનરૂપી અમૃત પ્રાપ્ત થશે. ઉત્કૃષ્ટ યુવાશક્તિના જાગરણથી ઉન્નત રાષ્ટ્રનિર્માણની નેમમાં યુથ પાર્લામેન્ટ એક અગત્યનું પરિબળ બનશે. પટેલે જણાવ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં ભારતની સંસદીય પ્રણાલીકા નવા આયામો પામી છે. તેમના કાર્યકાળમાં દેશની સંસદ સૌથી વધુ કાર્યદક્ષતા સાથે કાર્યરત બની છે.
અનેક લેન્ડમાર્ક કાયદાઓ બન્યા અને સેકડો જુના પુરાણા કાયદાઓ રદ પણ થયા છે. પીએમ મોદીએ લોકતંત્રને ભારતનો આત્મા કહ્યો છે. આ પૃથ્વી પર લોકતાંત્રિક રાજ્યવ્યવસ્થાઓ સૌ પહેલા ભારતમાં અસ્તિત્વમાં આવી હતી. તુર્કો, અફઘાનો, આરબો, મુઘલ શાસકો અને ત્યારબાદ યુરોપિયન શાસકોની ગુલામીના લાંબા કાળખંડ બાદ ભારતે ફરીથી લોકતાંત્રિક શાસન વ્યવસ્થા કાયમ કરી છે.
તેમણે કહ્યું કે, ભારતીય સમાજે – ભારતનાં નાગરિકોએ આઝાદીના જે સપના જોયા હતા, સ્વતંત્ર સમૃદ્ધ અને સુખી થવા માટેના જે ઝંખના કરી હતી તે આ લોકતાંત્રિક વ્યવસ્થાએ સાકાર કરી આપી છે. પીએમ મોદીના નેતૃત્વને પરીણામે સૌને લોકશાહીમાં ભરોસાનું, વિશ્વાસનું વાતાવરણ જાગ્યું છે. મુખ્યમંત્રીએ યુવાનોના સંદર્ભમાં કહ્યું હતું કે આપણો દેશ યુવાનોનો દેશ છે, યુવાનો ભારતનું ભવિષ્ય છે. ભારતની લોકતાંત્રિક શાસન વ્યવસ્થામાં યુવાનોના મહત્વનો ભાગ ભજવી શકે છે. પીએમ મોદીએ દેશની યુવા શક્તિ પર વિશ્વાસ મુકી યુવાનોને આત્મનિર્ભર ભારત-નયા ભારતના નિર્માણમાં યોગદાન આપવા આહવાન કર્યું છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, અપ્રાસંગિક રૂઢીઓ અને નિયમોને તોડવાની હિંમત જે યુવાન નથી કરતો તે આગેવાન નથી બની શકતો. જીવનમાં પ્રગતિ કરવી હોય તો બીબાઢાળ પદ્ધતિઓમાંથી બહાર આવી નવિન અને રચનાત્મક કાર્યો તરફ વળવું પડશે. યુથ પાર્લામેન્ટ આવો જ એક રચનાત્મક અભિગમ છે. યુથ પાર્લામેન્ટમાં વર્તમાન સ્થિતિના પ્રશ્નો-મુશ્કેલીઓના ઉકેલ માટેની ચર્ચા થાય તે ઇચ્છનીય છે એમ તેમણે ઉમેર્યુ હતું.
તેમણે કહ્યું કે જગતમાં કોઈપણ ક્રાંતિ યુવાનો જ લાવ્યા છે. આપણો દેશ યુવાનોનો દેશ છે. દેશના યુવાનો જાગૃત છે, નવી કેડી કંડારવા સક્ષમ છે. કોઈ યુવાન અમારી પાસે નવો અને સમાજોપયોગી વિચાર લઈને આવે તો તેનો અમલ કરવા અમે તત્પર રહીએ છીએ