SURAT

વાલક પાટીયા પાસે એક્ટિવા સ્લીપ થઈ જતા સરથાણાના યુવકનું મોત

સુરત: સરથાણા વાલક પાટીયા ચાર પસાર થઈ રહેલા મોપેડ ચાલકની રસ્તા પાસેથી પૂર ઝડપે હંકારી એકટીવા સ્લીપ થતાં ગંભીર ઇજાના કારણે મોત નિપજયું હતું. પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના બોરિંગડા ગામના વતનની અને હાલ સરથાણા શ્યામધામ મંદિર પાસે રિવેરા એકલાન્ટિસમાં રહેતા અમિત નરેશ હિરપરાએ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે તેમનો સગો ભાઈ ભાવિન (ઉં.વ.૨૯) પોતાની એકટીવા ઉપર સરથાણા વાલક પાટીયા ચાર રસ્તા નજીકથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે ભાવિનની એક્ટિવા સ્પીડમાં ચલાવી રહ્યો હતો, જેથી ભાવિને બેલેન્સ ગુમાવ્યું હતું અને એક્ટિવા સ્લીપ થઈ ગયું હતું. જેના લીધે ભાવિન રોડ પર પટકાયો હતો. ભાવિનને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

ઓલપાડ જીનના ગોડાઉનમાં ઊંઘતા યુવકનું ટ્રક નીચે કચડાઈ જતા મોત
સુરત: ઓલપાડના જીન કેમ્પસના ગોડાઉનમાં ડાંગર ભરી રહેલી ટ્રકનો ક્લીનર ગોડાઉનમાં જમીન ઉપર સૂતો હતો. ત્યારે ડાંગર ભરવા આવેલી બીજી ટ્રકના ચાલકે ટ્રક રિવર્સ લેતી વખતે ક્લીનરનું માથું કચડી નાંખતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

ઓલપાડ ટાઉનના જીન કેમ્પસમાં વિવિધ સહકારી મંડળીઓના ખેત પેદાશ સ્ટોરેજનાં ગોડાઉનો આવેલાં છે. જે ગોડાઉનો પૈકી ગોડાઉન નં.૧૬માં સોમવારે સવારે નવસારીના ડાંગરના વેપારીની ટ્રાન્સપોર્ટ ટ્રક નં.૧, કેટી-૨૯૫૫ ડાંગર ભરી રહી હતી. આ ટ્રકમાં ડ્રાઈવર તરીકે અબ્દુલ કાદીર સલીમ મિયા સૈયદ તથા ટ્રકના ક્લીનર તરીકે સલીમશા લાલશા દિવાન ફરજ ઉપર હતો. જ્યારે ટ્રકમાં ડાંગરની ગુણીઓ ભરાઈ રહી હતી, ત્યારે આ ટ્રકનો ક્લીનર સલીમશા દિવાનને ઉજાગરો હોવાથી તે ગોડાઉનમાં જમીન ઉપર સૂઈ ગયો હતો.

એ સમયે 11:30 કલાકે આ ગોડાઉનમાં ડાંગર ભરવા આવેલી બીજી એક ટ્રક નં.(જીજે-૧૯,વી-૦૩૦૮)નો ચાલક મોહંમદ કલીમ મોહંમદ રઝાબ અલી (હાલ રહે., ધારાગીરી મસ્જિદની બાજુમાં, કબીલપોર, નવસારી)એ પોતાની ટ્રક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ડાબી બાજુ ટર્ન લેતી વખતે તેણે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો.

એ સમયે જમીન નીચે સૂતેલા ટ્રકના ક્લીનર સલીમશા લાલશા દિવાનના માથા ઉપર ટ્રકની પાછળનું ટાયર ચઢાવી તેનું માથું કચડી નાંખ્યું હતું. આથી ગંભીર રીતે ઘવાયેલા ક્લીનર સલીમશા દિવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બાબતે મૃતક સલીમશાના મામાના દીકરાએ ટ્રકચાલક વિરુદ્ધ ઓલપાડ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકચાલક અને મૂળ ઉત્તરપ્રદેશના વતની મોહંમદ કલીમ મોહંમદ રઝાબ અલી વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ પોલીસમથકના અ.હે.કો વિક્રમસિંહ કરી રહ્યા છે.

Most Popular

To Top