સુરત (Surat) : સુરતના કડોદરામાં હૈયું કંપાવી નાંખે તેવી ઘટના બની છે. કડોદરા વિસ્તારમાં કાન બાઈ માતાની રથયાત્રા દરમિયાન એક યુવક ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. યુવકના નીચે પટકાવાના દ્રશ્યો એક મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગયા હાત.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ ઘટના 30 મી ઓગસ્ટની હતી. પરંતુ તેનો વીડિયો હાલ જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેથી આ ઘટના ચર્ચામાં આવી છે. પ્રિયંકા ગ્રીન સિટીમાં કાનબાઈ માતાની રથાયાત્રા નીકળી હતી, જેથી મહિલાઓ નીચે ગ્રાઉન્ડમાં ગરબા રમતી હતી.
તે જ સમયે ત્રીજા માળે રહેતો એક યુવક ગરબા રમતી મહિલાઓ ઉપર પાણી નાંખવા માટે બાલ્કનીમાં આવ્યો હતો. યુવક મહિલાઓ પર પાણી નાંખે તે પહેલા જ સેફ્ટી રેલિંગ તૂટી પડી હતી. જેથી યુવક સીધો જ નીચે પટકાયો હતો. આ ઘટના લાઈવ જોઈ રહેલા લોકો તાત્કાલિક દોડી ગયા હતા. ઇજાગ્રસ્ત યુવકને તત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે, તેનો જીવ બચી ગયો હતો.
સ્થાનિક લોકોએ વધુમાં ઉમેર્યું હતું કે ઘટના ને નજરે જોનારાઓની તો ચિચયાળી નીકળી ગઈ હતી. જોકે યુવકનો આબાદ બચાવ થયો હોવાનું બીજા દિવસે સાંભળી ખુશ થયા હતા. એક ક્ષણ માટે તો લોકોએ કહી દીધું હતું કે આ તો નહીં બચે પણ કહેવત છે જેને રામ રાખે એને કોઈ કઈ ન કરી શકે, બસ ભગવાનના આશીર્વાદ સાથે યુવકને નવું જીવન મળ્યું હતું.