SURAT

હજીરાના કવાસમાં રહસ્યમય રીતે 9 ભેંસના મોત થતાં તંત્ર દોડતું થયું

સુરત (Surat): કવાસના (Kawas) લીમલા ગામે ગૌચરની જમીનમાં ઘાસચારો ખાવા ગયેલી 9 ભેંસના (Buffalo) રહસ્યમય રીતે મોત (Death) થતા પશુપાલન વિભાગ દોડતું થયું છે. હજીરા (Hazira) કાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંડળીનાં પ્રમુખ દિપક ડી.પટેલે આ મામલે કલેક્ટર, જીપીસીબી (GPCB), જીઆઇડીસી (GIDC) અને હજીરા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓને ફરિયાદ કરી છે.

  • હજીરા કાંઠા વિસ્તાર સહકારી મંડળીએ કૃભકો કંપનીનું એમોનિયા પાણીમાં ભળ્યું હોવાની આશંકા વ્યક્ત કરી
  • પશુપાલન અને જીઆઇડીસીનાં અધિકારીઓની હાજરીમાં જીપીસીબીએ પાણીના સેમ્પલ લીધા

ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, ગઈકાલે તા. 07-09-23 નાં ગુરુવારના રોજ ચોર્યાસી તાલુકાના કવાસ(લીમલા) ગામથી તાપી (Tapi) નદીના જેટ્ટી તરફ જતા રોડ ઉપર લગભગ 9 જેટલી ભેંસો એમોનિયા જેવું ઝેરી કેમિલક યુક્ત પાણી પી જતા મોતને ભેટી છે. આ કેમિકલ યુક્ત પાણી કદાચ ક્રિભકો કંપની દ્વારા ગેરકાયદેસર ખુલ્લામાં છોડવામાં આવ્યું હોઈ એવું અમને પ્રથમ દ્રષ્ટિ એ લાગી રહ્યું છે જેથી તાત્કાલિક ભરી કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. તથા ગૌચર માટે પાણીની શુદ્ધતાની તપાસ થવી જોઈએ.

પટેલે ઘટનાની તટસ્થતાથી તપાસ કરાવી પગલા ભરી જે તે જવાબદાર ગુનેગારો સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી છે. ગઈકાલે બનેલી આ ઘટનાને પગલે પશુપાલન વિભાગ, નોટિફાઇડ જીઆઇડીસી અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. જીપીસીબી દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ રિપોર્ટ પછી 6 ભેંસનાં મોતનું કારણ જાણવા મળશે.

કંપનીમાં કોઈ એમોનિયા લીકેજ નથી: કૃભકોની સ્પષ્ટતા
કૃભકોના પ્રવક્તા એ જણાવ્યું છે છે કે, કવાસમાં તાપી નદીના કિનારે ભેંસના મોત થવાની ઘટના બની છે. કૃભકોની પ્રિમાઇસીસ કે એના એરિયામાં આ ઘટના બની નથી. કંપની સાયન્ટિફિક રીતે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. ક્યાંય કોઈ એમોનિયા લીકેજ નથી. આ ઘટના સાથે કૃભકોની કોઈ લેવા દેવા નથી. ભેંસનાં મોતની ઘટના દુર્ભાગ્ય પૂર્ણ છે. તંત્ર કારણોની તપાસ કરી રહ્યું છે. તંત્રના અહેવાલની રાહ જોવી રહી.

Most Popular

To Top