અમદાવાદ: અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં આવેલા એક ખાનગી બેંકના એટીએમ મશીનમાં 500ના દરની નકલી નોટો જમા કરાવવામાં આવી હતી. જેને લઇ પોલીસે તપાસ હાથ ધરતા નકલી નોટ જમા કરાવનાર એક શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં એક બેંકના એટીએમમાં કેશ ડિપોઝિટ મશીનમાં રૂપિયા 500ના દરની 19 જેટલી નકલી નોટો જમા કરાવી હતી.
આ અંગે પોલીસ ફરિયાદ થતાં અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ બોપલ વિસ્તારમાં રહેતા આરોપી અલ્પિત ગજ્જરની ધરપકડ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરતા ખાતા ધારક અલ્પિત ગજ્જરનું નામ બહાર આવ્યું હતું. પોલીસે અલ્પિત ગજ્જર અને તેનો ભાગીદાર 12મી ડિસેમ્બરના રોજ થાઇલેંડ જવા નીકળ્યા હતા. આ જ દિવસે અલ્પિતે સવારે નકલી નોટો એટીએમના કેશ ડિપોઝિટ મશીનમાં જમા કરાવી હતી. આ બંને મિત્રો છ થી સાત વખત થાઈલેન્ડ ફરવા ગયા હોવાનું પણ બહાર આવ્યું છે. જે રીતની તેની લાઈફ સ્ટાઈલ છે, તે જોતા મોજ શોખ પાછળ આટલા પૈસા ક્યાંથી લાવે છે, તે અંગે પણ પોલીસે પૂછપરછ હાથ ધરી છે.