એક સેમિનારમાં ખાસ અલગ પ્રયોગ કરવામાં આવ્યો. આમંત્રિત દરેક જણ પોતાની કમજોરી જણાવી તેને કઈ રીતે ઓળંગીને આગળ આવ્યા તેની વાત કરવાના હતા. એક પ્રખ્યાત દોડવીર આગળ આવ્યા અને પોતાની વાત શરૂ કરી. તેમણે કહ્યું કે, ‘મારા જીવનના પહેલા કોચ મારી શાળાના પી.ટી. ટીચર છે.તેમણે મારી અંદરની ટેલેન્ટ ઓળખી અને મારાં મમ્મી પપ્પાને પણ સમજાવ્યાં કે તમારો દીકરો સારો દોડવીર બની શકે તેમ છે. તેને આગળ વધવા ટ્રેનિંગ આપો અને આજે હું અહીં તમારી સમક્ષ ઊભો છું તેની પાછળ મારા કોચ સરે મને આપેલી જીવનની સમજ છે.
ટ્રેનિંગ મળવાની શરૂઆત થતાં મારી દોડવાની રીત અને સ્પીડ બંને વધુ સારી થઇ ગઈ.જે રમતમાં હું ભાગ લેતો, પહેલો જ આવતો.પછી સાથે સાથે આત્મવિશ્વાસ વધ્યો અને પછી ધીમે ધીમે તે અભિમાન અને વધુ પડતા ઓવર કોન્ફિડન્સમાં કયારે બદલાઈ ગયો, ખબર જ ન પડી.હું ટ્રેનિંગમાં ખાડા પાડવા લાગ્યો.જતો તો પણ દોડવાની પ્રેક્ટીસ ન કરતો.કસરત કરવાનું મેં છોડી દીધું. ખોરાકની પરેજી પણ છોડી અને મોડી રાત સુધી જાગતો અને સવારે ટ્રેનિંગમાં જતો નહિ.કોચ સરના ધ્યાનમાં આ બધું જ હતું.તેઓ મને સમજાવવાની રીત અને તક શોધી રહ્યા હતા. એક ઇન્ટર સ્કુલ કોમ્પીટીશનમાં હું હાર્યો.પહેલા ત્રણમાં નહિ, પણ છેક નવમો આવ્યો.મેં અભિમાનમાં પોતાની ખામી છુપાવવા શુઝનો વાંક કાઢ્યો.કોચ સર માત્ર એટલું બોલ્યા, ‘આવતી કાલે સવારે છ વાગે પ્રેક્ટીસ.’ હું ગ્રાઉન્ડ પર ગયો.
સરે મને નવા શુઝ આપ્યા અને તે પહેરી દોડવા કહ્યું.નવા શુઝ પહેરી મેં દોડવાની શરૂઆત કરી મને પગમાં કૈંક વાગ્યું.હું માંડ દોડ પૂરી કરી સર પાસે પહોંચ્યો અને બોલ્યો, ‘સર આ શુઝમાં કૈંક વાગે છે.’ મેં શુઝ કાઢ્યા અને ખંખેરીને જોયું તો એક નાનો પથ્થર હતો.’ હવે સર બોલ્યા, ‘મારી વાત ધ્યાનથી સાંભળજે. આખા રસ્તા પર પથ્થરો હોય, પણ પગમાં બુટ પહેર્યા હોય તો તેની પર આરામથી ચાલી શકાય. પણ જો શુઝની અંદર એક નાનકડો પથ્થર પણ હોય તો ચાલવું કે દોડવું અઘરું થઇ જાય છે એવી જ રીતે માણસ બહારના પડકારો અને મુશ્કેલીઓથી નહિ, પણ પોતાની અંદર રહેલી કમજોરીઓ અને પોતાની ભૂલોથી હારે છે.
પાછળ પડે છે.તું ગઈ કાલે તારા શુઝને લીધે નથી હાર્યો કારણ કે તને યાદ હોય કે ન હોય, મને યાદ છે કે આ જ શુઝ પહેરીને તું ઘણી રેસ જીત્યો છે.તું હાર્યો છે તારી કમજોરીઓને લીધે.ઓવરકોનફીડન્સમાં આવી અભિમાન કરી પ્રેક્ટીસ ન કરવાને લીધે.આ બધું શુઝની અંદરના પથ્થર જેવી તારી અંદર રહેલી કમજોરીઓ છે તેને દૂર કર, નહિ તો તું જીવનમાં આગળ વધી નહિ શકે.’ મને મારી ભૂલ સમજાઈ ગઈ અને તે દિવસથી આજ સુધી મેં એક પણ ટ્રેનિંગ અને પ્રેક્ટીસમાં ખાડો પડ્યો નથી અને તેમની આપેલી સમજને લીધે જીવનમાં સફળ થયો છું.બધાએ તાળીઓથી ખેલાડીની વાતને વધાવી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.