નડિયાદ: ઠાસરા તાલુકાના કાલસર તાબે જોરાબંધ ગામની સીમમાં ખેતરના શેઢા બાબતની તકરારની રીસ રાખી ખેતપાડોશીની પત્નિની હત્યા કરનાર શખ્સને કોર્ટે આજીવન કેદની સજા તેમજ રૂ.૨૫,૦૦૦ નો દંડ ફટકાર્યો છે. ઠાસરા તાલુકાના કાલસર તાબે જોરાબંધ ગામની સીમમાં આવેલ ખેતરમાં રહેતાં રામાભાઈ સુકાભાઈ તળપદા અને તેમના ખેતપાડોશી કિરીટભાઈ ઉર્ફે કાળીયો ઈશ્વરભાઈ તળપદા વચ્ચે ખેતરના શેઢા બાબતે અવારનવાર તકરાર ચાલતી હતી. દરમિયાન કિરીટ તળપદાની પત્નિ ઘર છોડી જતી રહી હતી. આ ઝઘડાને પગલે પત્નિ ઘર છોડીને જતી રહી હોવાની રીસ રાખી કિટીભાઈએ તેમના પાડોશી રામાભાઈ સાથે ઝઘડો કર્યો હતો અને તે મને પત્નિ વગરનો કર્યો….હવે તને પણ હું પત્નિ વગરનો કરીશ તેવી ધમકીઓ આપી હતી.
જેના એક મહિના બાદ તારીખ ૩ સપ્ટેમ્બર ૨૦૨૦ ના રોજ સવારના સમયે રામાભાઈના પત્નિ શકરીબેન (ઉં.વ ૪૮) ઘર નજીક આવેલ મહિ કેનાલે કપડાં ધોવા ગયાં હતાં. તે વખતે કિરીટ તળપદાએ ત્યાં જઈને શકરીબેન સાથે ઝઘડો કર્યો હતો. જે તે વખતે બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. દરમિયાન ઉશ્કેરાયેલાં કિરીટ તળપદાએ નજીકમાં પડેલો ઈંટનો ટુકડો ઉઠાવી શકરીબેનના માથાના ભાગે ફટકાર્યો હતો. જે બાદ કેનાલના ધસમસતા પાણીમાં ધક્કો મારી શકરીબેનને મોતને ઘાટ ઉતાર્યાં હતાં. આ બનાવ અંગે રામાભાઈ તળપદાની ફરીયાદને આધારે ડાકોર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. જે બાદ પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યારા કિરીટ ઉર્ફે કાળીયો તળપદાની ધરપકડ કરી, કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
આ કેસ નડિયાદના એડી.સેસન્સ ન્યાયાધીશ ડી.આર ભટ્ટની કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં સરકારી વકીલ રાહુલ જી બ્રહ્મભટ્ટે રજુ કરવામાં આવેલ દસ્તાવેજી પુરાવા, સાક્ષીઓ તેમજ ધારદાર દલીલોને ધ્યાનમાં ન્યાયાધીશે આરોપી કિરીટ ઉર્ફે કાળીયો ઈશ્વરભાઈ તળપદાને ઈ.પી.કો કલમ ૩૦૨ ના ગુનામાં કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા તેમજ રૂ.૨૫,૦૦૦ નો દંડ ફટકાર્યો છે અને જો દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની સજાનો હુકમ કર્યો છે. તેમજ મૃતક મહિલાના પતિ રામાભાઈને વળતર પટે રૂ.૪,૦૦,૦૦૦ ચુકવી આપવા હુકમમાં જણાવ્યું છે.