દેશમાં અચાનક મોતના (Sudden death) કિસ્સા વધી રહ્યા છે. જેનું સૌથી સામાન્ય કારણ હાર્ટ એટેક (Heart attack) જોવા મળી રહ્યું છે. દેશના કેટલાક શહેરોમાંથી એવા કિસ્સા સામે આવ્યા છે જ્યાં લોકો પળવારમાં જ મોતના શરણે થઈ ગયા હતાં. ક્યાંક ચાલતા ચાલતા યુવકને (Youth) મોત મળ્યું તો ક્યાંક સ્ટેજ પર જયમાલ દરમ્યાન વરમાળા પહેરાવતાં જ દુલ્હન ઢળી પડી હતી. અન્ય એક કિસ્સામાં યુવક સાંઈબાબના મંદિરમાં (Temple) માથું ટેકવા ગયો અને પછી ઉભા જ ન થયો. વધુ જાણો આવા કિસ્સાઓ વિશે.
મલિહાબાદના એક ઘરમાં લગ્નની (Marriage) ખુશી (Happiness) થોડી જ વારમાં શોકમાં ફેરવાઈ ગઈ જ્યારે કન્યાનું જયમાલા સ્ટેજ પર અચાનક મૃત્યુ થયું. જ્યારે શોભાયાત્રા દરવાજા પર આવી ત્યારે મહિલાઓએ આનંદમાં સ્વાગત ગીતો પણ ગાયાં. અને પછી બની આ ઘટના. ભદવના ગામના રહેવાસી રાજપાલની પુત્રી શિવાંગીના શુક્રવારે રાત્રે લગ્ન હતા. આ શોભાયાત્રા લખનૌના બુદ્ધેશ્વરથી આવી હતી. જ્યારે સરઘસ દરવાજા સુધી પહોંચ્યું ત્યારે દરેકના ચહેરા પર ખુશી હતી. બારાતીઓ આનંદથી નાચી રહ્યા હતા.
વરમાળા સ્ટેજ પર વરરાજા તેની દુલ્હનની રાહ જોઈ રહ્યો હતો. બીજી તરફ દુલ્હન પણ તેના મિત્રો સાથે લાલ ડ્રેસમાં હાથમાં માળા લઈને આગળ વધી રહી હતી. અચાનક કન્યા સ્ટેજ પર પહોંચી. વર અને કન્યા બંને એકબીજાને હાર પહેરાવવાના હતા. ત્યારે એકાએક દુલ્હન બેભાન થઈને પડી ગઈ. આ જોઈને અફરાતફરી મચી ગઈ હતી. ત્યાં હાજર સ્વજનો તરત જ કન્યાને ઉપાડીને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ ગયા જ્યાં ડોક્ટરોએ કન્યાને મૃત જાહેર કરીચ હતી. દુલ્હનના મોત બાદ બંને પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. થોડીવારમાં બધી ખુશીઓ શોકમાં ફેરવાઈ ગઈ હતી.
બીજી એક ઘટનામાં ઉત્તર પ્રદેશના મેરઠમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકનું છીંક આવવાથી મોત થયું હતું. મેરઠના કિદવાઈ નગર પોલીસ સ્ટેશન લિસાડી ગેટ વિસ્તારમાં રહેતા એક યુવકનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચાર યુવકો તેમના ઘરે જતા જોવા મળે છે. દરમિયાન એક યુવકને છીંક આવે છે અને તેના એક મિત્રના ખભા પર હાથ રાખીને બેભાન થઈને પડી જાય છે. આ પછી મિત્રો યુવકને હોસ્પિટલ લઈ ગયા પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
સંબંધીઓએ જણાવ્યું કે યુવકને છાતીમાં થોડો દુખાવો હતો અને તે નજીકના ડોક્ટર પાસેથી દુખાવાની દવા લાવ્યો હતો. તે 11 વાગ્યે મિત્રો સાથે ઘરે પરત જઈ રહ્યો હતો. દરમિયાન તેને છીંક આવી અને તે જમીન પર પડી ગયો. સીસીટીવી મુજબ મિત્રોએ યુવકના હાથ-પગ ઘસવા માંડ્યા. જોકે યુવકના શરીરમાં કોઈ હલચલ જણાતી ન હતી. આ પછી તેમણે બૂમો પાડવાનું શરૂ કર્યું અવાજ સાંભળીને લોકો ઘરની બહાર આવી ગયા. લોકોની મદદથી યુવકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. એવી આશંકા છે કે તેને છીંક આવવાની સાથે હાર્ટ એટેક આવ્યો હતો.
ત્રીજા કિસ્સામાં મધ્યપ્રદેશના કટનીમાં એક ચોંકાવનારી ઘટના બની છે. જ્યાં સાંઈબાબાના મંદિરમાં ભગવાનના ચરણોમાં જ એક યુવકનું મોત થયું હતું. મૃત્યુનું કારણ હાર્ટએટેક હોવાનું કહેવાય છે. યુવક સાંઈબાબાના મંદિરે દર્શન કરવા ગયો હતો. તે મંદિરમાં સાંઈબાબાની પ્રતિમા સામે માથું નમાવવા માટે નીચે ઝૂક્યો અને ફરી ઊઠી જ ન શક્યો. જ્યારે તે લાંબો સમય સુધી ઉઠ્યો નહીં ત્યારે લોકોએ તેને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો.
એમપીમાં રાકેશ મેહાની નામનો યુવક મંદિરના ગર્ભગૃહમાં સાંઈબાબાની પ્રતિમાની પ્રદક્ષિણા કરી રહ્યો હતો. પ્રદક્ષિણા કર્યા પછી સાંઈબાબાની સામે તે પોતાનું માથું ઝુકાવીને બેઠો હતો. ઘણીવાર સુધી આ જ મુદ્રામાં બેસેલો જોઈને અને કોઈ જ પ્રકારની હલનચલન ના દેખાતા મંદિરના વ્યવસ્થાપક તેની પાસે આવ્યા હતા. તેને હલાવીને જોતા રાકેશમાં કોઈ હલનચલન ન દેખાતા મંદિરમાં હાજર લોકો રાકેશને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
જાણો ડોક્ટર શું કહે છે
ડોક્ટર્સનું કહેવું છે કે આવા કિસ્સાઓમાં વ્યક્તિનું બીપી ઓછું થઈ જાય છે અથવા પલ્સ ધીમી રહે છે. જો આવો અકસ્માત થાય તો તેને એક જગ્યાએ સુવડાવી તેના પગને ઉપર તરફ વાળો અને હાથ વડે છાતીને દબાવો. તેને નિષ્ણાત ડોક્ટર પાસે લઈ જાઓ. બીજી બાજુ છાતીમાં હળવો દુખાવો હોય તો કોઈ સારા ફિઝિશિયન કે કાર્ડિયોલોજિસ્ટને બતાવો. બેદરકારી ન રાખો.