બીલીમોરા : ગણદેવીના વૃદ્ધને ઠગે ઓનલાઇન ઠગાઈનો ભોગ બનાવી રૂપિયા 1.50 લાખનો ચુનો લગાડતા વૃદ્ધે પોલીસમાં ઠગ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
ગણદેવીના દવે મોહલ્લામાં રહેતા જયેશભાઈ પરષોત્તમભાઈ પટેલ (ઉં.60)ને કોઈક અજાણ્યા દ્વારા મોબાઈલ ઉપર તેમના કોઈ સાઉથ ઇન્ડિયન મિત્રના આબેહૂબ અવાજમાં ફોન આવ્યો હતો, જેમાં તે જણાવતો હતો કે હું હોસ્પિટલમાં છું અને મને 10 હજારની તાત્કાલિક જરૂરત હોય તે મોકલવા વિનંતી કરી હતી. જે રૂપિયા મારો ભાઈ તમારા બેંક ખાતામાં પરત મોકલી આપશે એવી ખાતરી પણ આપી હતી. જેથી તેમને મોકલેલા નંબર ઉપર જયેશભાઈએ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જોકે થોડાક સમય પછી પાછો ફોન આવ્યો હતો કે કે તમે મને ભૂલથી 10 ને બદલે 35 હજાર મોકલી આપ્યા છે તો તમારો ગૂગલ પે નંબર અને ઓટીપી આપો તો વધારાના પરત રૂપિયા હું તમને પાછો મોકલી આપું. જેથી જયેશભાઈએ તેમના મિત્રના ગૂગલ પે નો નંબર અને લિંક મોકલાવતા જ ઠગે તે ખાતામાંથી તરત 1.50 લાખ ઉપાડી લીધા હતા. જયેશભાઇ પોતે છેતરાયાની ખાતરી થતા ગણદેવી પોલીસમાં ઠગ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
‘મારા મિત્ર હોસ્પિટલમાં છે તાત્કાલિક પૈસાની જરૂર છે, મારા મિત્રના ફોન પે માં ટ્રાન્સફર કરો’
ઉમરગામ : નારગોલ નજીકના મરોલી ગામના શખ્સ સાથે ઓનલાઈન રૂપિયા 15,000 પડાવી છેતરપિંડી કરવામાં આવી હતી.
પ્રાપ્ત પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ઉમરગામ તાલુકાના નારગોલ નજીકના મરોલી દાંડી મિશન ફળિયા ખાતે રહેતા ફરિયાદી હસમુખભાઈ બારીને તારીખ 14 ડિસેમ્બરના રોજ રાત્રે અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર ઈસમે પોતાની ઓળખ રાજુભાઈ તરીકે આપી જણાવ્યું હતું કે મારા મિત્ર રામાના હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તાત્કાલિક પૈસાની જરૂર છે મારા ફોનમાં ગૂગલ પે નથી હું મારા મિત્રના ગૂગલ પે દ્વારા તમારા ફોનમાં રૂપિયા 25,000 ટ્રાન્સપોર્ટ કરું છું અને તે રૂપિયા રામાંનાના ફોન પે માં ટ્રાન્સફર કરવા કહ્યુ હતુ. અને રૂપિયા 25,000 ક્રેડિટ થયા અંગેનો ટેક્સ મેસેજ પણ મોબાઈલ ઉપર આવી જતા ફોન પે માંથી રૂપિયા 5,000 અને ત્યારબાદ રૂપિયા 10,000 ફોન પે કર્યા હતા. આમ કુલ રૂપિયા 15000 ફોન પે કર્યા હતા. ત્યારબાદ વધુ 10000 ફોન પે થી મોકલવા કહેતા મને ચાર્જ લાગે છે એક સાથે રૂપિયા 25,000 ટ્રાન્સફર કરવા કહેવું જોઈએ ને એમ જણાવતા મોબાઈલ ઉપર વાત કરનાર શખ્સ હસવા લાગ્યો હતો. જેથી શંકા જતા બેલેન્સ ચેક કરતા પોતાના એકાઉન્ટમાંથી રૂપિયા 15000 ડેબિટ થઈ ગયાનું જણાયું હતું અને 25,000 નો ક્રેડિટ થયાનો મોકલેલ મેસેજ પણ ખોટો હોવાનું જણાતા છેતરપિંડી થઈ હોવાની ખબર પડી હતી. આ બનાવ અંગે ઉમરગામ નારગોલ મરીન પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
