રશિયાના એક ફિલોસોફરને પોતાના વિચારો, જ્ઞાન અને ચિંતનનું ખૂબ જ અભિમાન હતું.તેમના મનમાં હંમેશા અન્યને વાદવિવાદમાં હરાવીને જીતવાની લાલસા રહેતી અને તેઓ જ્યાં જતા ત્યાં બીજા ફિલોસોફર અને વિદ્વાનો સાથે વાદવિવાદ કરી તેમને ચૂપ કરી દેતા અને પોતે બધા કરતાં વધારે જ્ઞાન ધરાવે છે તેવા અભિમાનમાં રાચતા.પોતે બધું જ જાણે છે તેવું અભિમાન તેમની અંદર સતત વધતું જ જતું હતું.
એક દિવસ તેઓ મહાન ચિંતક ગુર્જિયેફને મળવા ગયા.ગુર્જિયેફ પાસે જઈને તેમણે કહ્યું, ‘મહાન દાર્શનિક આપ સાથે ચર્ચાવિચારણા કરીને થોડું વધુ જ્ઞાન મેળવવા ઈચ્છું છું.’ મનમાં એમ હતું કે હું આ મહાન દાર્શનિકને પણ મારા જ્ઞાનથી આંજી દઈશ.તેમને પણ ચૂપ કરી શકીશ તો તેમના જેટલો મહાન દાર્શનિક ગણાવા લાગીશ.કદાચ તેમનાથી પણ મહાન અને વિદ્વાન.
ગુર્જિયેફ તેમના મનોભાવ સમજી જ ગયા હતા.તેમણે ચર્ચા માટે પધારનાર ફિલોસોફરને બે કોરા કાગળ આપતાં કહ્યું, ‘જુઓ, મારો અને તમારો બન્નેનો સમય બચાવવા તમે જે વસ્તુઓ અને વિષય વિષે જાણો છો તે એક કાગળ પર લખી દો. જે તમે જાણો જ છો તેની પર ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી એથી આપનો સમય બચશે.અને તમે જે વિષય અને વસ્તુઓ વિષે નથી જાણતા તે બીજા કાગળ પર લખી દો.જેથી આપને તે વિષે ચર્ચા કરી તમારા જ્ઞાનમાં વધારો કરી શકીએ.’
ફિલોસોફરે વિચાર્યું, ‘આમ તો હું લગભગ બધું જાણું જ છું.એટલે નથી જાણતો એ વિષયોમાં શું લખું, પણ જો કંઈ નહિ લખું તો આગળ ચર્ચા જ નહિ થાય.’એટલે તેમને થોડાક અઘરા વિષયો વિચારી લખ્યા.આગળ વધુ વિચારતા હજી ઘણા વિષયો યાદ આવ્યા.હજી ઊંડાણમાં વિચાર્યું તો ઘણા વિષયો યાદ આવ્યા અને ઘણા વિષયો શું પોતે મોટા ભાગના વિષયો ઊંડાણથી નથી જાણતા તે હકીકત સમજાઈ ગઈ.અચાનક તેમના હાથ લખતાં લખતાં અટકી ગયા.અંદરથી એક ધક્કો લાગ્યો કે ‘અત્યાર સુધી નાહક જ્ઞાનનું અભિમાન હતું તે તો કંઇ જ નથી જાણતા.’
ફિલોસોફરની આંખો ખુલી ગઈ અને પોતે બધું જ જાણે છે તે અજ્ઞાન દૂર થયું.તેમણે ગુર્જીયેફ્ને કહ્યું, ‘મહાન ચિંતક મને માફ કરો. મને કંઈ જ નથી ખબર. હું સાવ અજ્ઞાની છું એટલે તમારી પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાને લાયક જ નથી.’ ગુર્જિયેફે કહ્યું, ‘ના, અહીં પણ તમારી ભૂલ છે.તમે મારી પાસેથી જ્ઞાન મેળવવાની પહેલી સીડી પાર કરી છે.તમે જાણી લીધું છે કે તમે કંઈ જ નથી જાણતા એટલે હવે તમે કંઈ શીખવા માટે યોગ્ય બન્યા છો.જ્ઞાન મેળવવાની પહેલી સીડી છે કે પોતાના અજ્ઞાનનું જ્ઞાન હોવું જે તમને થઇ ગયું છે.ચાલો આજથી જ શીખવાની શરૂઆત કરીએ.’ અભિમાની ફિલોસોફર તેમનાં ચરણોમાં પડી ગયા.
–-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.