Business

પગમાં લંકા ખદબદે ને જવું છે અવધ સુધી..!

બહુરત્ના વસુંધરા..! પૃથ્વી ઉપર તો જાતજાતનો ફાલ છે દોસ્ત..! કોઈ ધૂની લાગે, કોઈ ઝનૂની લાગે, કોઈ મૂજી લાગે તો કોઈ રમૂજી ને મનમૌજી પણ લાગે..! જેવી જેની દ્રષ્ટિ એવી એને વૃષ્ટિ..! ઝનૂન છે, એ કંઈ પંચાંગ પ્રમાણે નહિ બદલાય, કલાકે-કલાકે સૌના મૂડ પ્રમાણે બદલાય. ઘડિયાળ ભણેલા હોતા નથી. પણ સમય સાચવવામાં ને કાબેલિયતમાં માણસ કરતાં પણ પાક્કા..! માત્ર સમય પ્રમાણે ચાવી જ આપવી પડે. ઘડિયાળને ખબર કે, જગત સાથે જીવવું હોય તો, ‘ચાલેબલ’જ રહેવું પડે. ‘બોલેબલ’ની કોઈ કિંમત નથી. એટલે તો એ સમય પ્રમાણે ટકોરા પણ બદલે ને સમય પણ સાચવે. માણસ ક્યારેય અવળા કાંટા નહિ ફેરવે.

મુકના મગજમાં તો લંકેશનું શાસન ચાલતું હોય એમ, સુવાસ ફેલાવવા કરતાં ઉચ્છવાસના ફૂંફાડા વધારે કાઢે..! પગમાં લંકા ખદબદે ને જવું છે અવધ સુધી જેવી, ખુમારીવાળા..! એવાં મનહૂસ માનવી કરતાં તો ઘાણીના બળદ સારા કે, ધરી પ્રમાણે એકધારી ગતિ કરે, ને માલિકને પ્રગતિ આપે. આ તો ‘અભી બોલા અભી ફોક’જેવાં..! ફરે ખરા, પણ ઉલટા સમય બતાવે. શ્વાસ વાપરવા કરતાં વેડફે વધારે. સારું છે કે, વિજ બીલની માફક શ્વાસ વપરાશના બીલ આવતાં નથી. નહિ તો જીવતાજીવત લાંબા થઇ જાય. કોણ એને ખોળે બેસાડીને સમજાવે કે, તારા કહ્યા પ્રમાણે શ્વાસ ચાલતાં નથી, પણ શ્વાસને લીધે તું ચાલે છે ખજુરડા..! રેવડીમાં શ્વાસ મળતા હોય તો, એની કિંમત કોને હોય..?

ચરણ અને આચરણ, આ બંને શબ્દો બોલવામાં ફક્કડ લાગે, બાકી બંનેમાં અવધ અને લંકા જેટલો ગાળો..! ચરણ જમીન સાથે જોડાયેલા હોય ને આચરણના તીરો ભેજામાંથી છૂટતાં હોય..! અમુકના ચરણમાં તો લંકા બાંધેલી હોય અને આચરણમાં ભમરડા ફરતા હોય..! રાવણનું સ્થાપન કરે ને આરતી ભગવાનનું કરે એવાં. ‘પગમાં લંકા ખદબદે ને જવું છે અવધ સુધી’જેવું. આ લોકોની મૌસમ પંચાંગ પ્રમાણે પ્રગટ થતી નથી. ઋતુને પણ જમીન ઉપર ઉતારે, એવી મૌસમ છલકાવે. મારી મરજી પ્રમાણે મૌસમ બદલાય એવી ઠોસ ખુમારીવાળા..!

વસંત ઋતુમાં ઝાડવાં ઉઘાડાં નહિ કરે ત્યાં સુધી, એની ડાગરી ઠેકાણે નહિ રહે..! પાનખરમાં વરસાદનાં ઝાપટાં પડાવે તો જ ધરમની ધજાઓ ફરકે, ને ઉનાળામાં સ્વેટર પહેરાવે તો જ એને રાજીપો મળે. કાનખજુરીયાઓના ‘ઓરાં’ પણ એવાં ઝગારા મારતા હોય કે, અરીસામાં જુએ તો અરીસો પણ ફાટી જાય. પહેલી વારની ચાંચ મારવાવાળાને તો શ્વેતક્રાંતિ જ લાગે. વાસ્તવમાં કાળાશ બધી ભીતરમાં તળિયે હોય..! રતનજી ઘણી વાર કહે કે, ઉજળી મસોટી જોઇને મોહી નહિ પડવાનું. તેલ જોવાનું તેલની ધાર જોવાની. દાનત ચાખીને જ આગળ વધવાનું. આ લોકો જગલરીમાં બહુ પાક્કા હોય. કાગડાને પોપટનો ઢોળ ચઢાવી, પોપટના ભાવે કાગડાનો પણ વેપલો કરી નાંખે ..!

દેખાય મહાશય પણ, મહાશયનો “મહા(આશય)”જુદો જ હોય..! સ્વસ્તિકના પાંખિયા તોડીને સ્વસ્તિકનો પણ પતંગ બનાવી ઉડાડે એવાં..! હોય ચિકનમાં, પણ ઈંડા ખાવાની વાત કરે ત્યારે જ સમજાય કે, ‘પગમાં લંકા ખદબદે ને બંદાને જવું છે અવધ સુધી..! બસ, તક મળવી જોઈએ, કોઈનો પણ ટકો કરવામાં પીછેમૂડ નહિ કરે. વાતનો ઢાંકપિછોડો કરવા પાટિયાં તો એવાં ફીટ કરે કે, પોતાને ફાવતો દેવતા, પોતાના અંગુઠામાંથી જ ઊભો કરે. સ્વભાવના પણ એવાં ચીકણા કે, પાણીમાંથી પણ મલાઈ કાઢવાના ફાંફા મારે. તાજુબી તો એ વાતની થાય કે, આ લોકોનાં પાટિયાં જેવાં હોય તેવાં, પણ ‘ફીટોફિટ’થઇ જાય. તકલાદી માલના રંગીન પેકિંગની માફક માર્કેટ નીચું નહિ પડવા દે, ઊંચું ને ઊંચું જ જાય..!

સમય સમયની વાત છે મામૂ..! ગાંધીજીને ચલણમાં મૂકીએ તો જ રાજકારણનું ગાડું ચાલે, એ આપણે ક્યાં નથી જાણતા..? પ્રેમલા-પ્રેમલીઓના દાવપેચમાં પણ આવું જ..! પ્રેમના ગોળા ગબડાવવા હોય તો, રાધે-શ્યામના નામે ભીના પાપડ શેકવાનો પ્રયાસ કરે. ક્યાં શ્રી કૃષ્ણ અને ક્યાં શ્રી રાધાજીનો દિવ્ય દૈવી પ્રેમ..! પણ બુટલેગરો ખમતીધરની ઓળખાણ કે દાખલા આપે એમ, તકલાદી પ્રેમાંધો પણ, તળાવની પાળ ઉપર બેસીને ઘાંટા પાડતા હોય કે, ‘તારા વિના શ્યામ મને એકલું રે લાગે..!’એના કપાળમાં કાંદા ફોડું..! સિદ્ધાંતની વાત આવે તો, ગાંધીજીને દાવ ઉપર મૂકે અને પ્રેમલા-પ્રેમલીના ‘LOVE’ની વાત આવે તો રાધા-કૃષણને દાવમાં મૂકે..! એને કોણ સમજાવે કે, રેંટિયા સાથે ફોટો પડાવવાથી ગાંધીજી નહિ થવાય અને વાંહળી વગાડતાં આવડી ગઈ એટલે કંઈ કૃષ્ણ નહિ થવાય..!

ક્યાં રાધા-કૃષ્ણનો અલૌકિક પ્રેમ, અને ક્યાં આ ધંતુરાઓના ‘ ઇન્સ્ટન્ટ’ લબાચા.? પ્રેમની પથારી પથારી ફેરવી નાંખે યાર..! ક્યારેક તો ઘઈડાને સમજાવે કે, મૂળાક્ષરોમાં જેમ લ અને વ પાસ-પાસે આવે, એમ અમે ‘લવ’માં બહુ આસપાસ છે..! તારા કપાળમાં કાંદા ફોડું, લગન થાય પછી જ ખબર પડે કે, ધણીની હાલત ટેલીફોનની રણકતી ઘંટડી જેવી થઇ જાય. લાગ્સાયો તો તીર નહિ તો તુક્કો..! તરત જ સામેથી અવાજ આવે કે, ‘ઇસ રૂટકી સભી લાઈન વ્યસ્ત હૈ..!’બીજાની વાઈફને ભલે ‘hi’કહેતો હોય, પણ ખુદની વાઈફને ‘Hello’ કહેવામાં પણ જીભ વાંકી નહિ વળે..! કોને કહેવા જઈએ કે, પ્રેમમાં એકલા ઉલાળા કામ આવતા નથી..!

‘તારા વિના શ્યામ મને એકલું રે લાગે’આટલી લીટી જો રાધા-કૃષ્ણના મંદિરમાં જઈને ગાય તો, ભગવાનને પણ રાજીપો મળે કે, ‘અબ તો મેરે ભી અચ્છે દિન આને લગે હૈં..! એમને પણ યાદ આવી જાય કે, “ ધત્તતેરીકી..પેલું ગીતાના વચનવાળું તો હું ભૂલી જ ગયેલો..! લાવ, ભારતમાં એકાદ આંટો મારતો આવું..! “ બાકી, ચીકની ચમેલીના ગીત ગાવાથી ભગવાન તો ઠીક, ખુદ ભગાભાઈ પણ નહિ આવે..!”પણ લવરિયા આગળ આવાં વલવલિયાં કરે કોણ..? કરીએ તો, ‘WHAT DO YOU MEAN’કહીને ફેણ પણ કાઢે. આપણે તો જાણીએ કે, બાવળના ઝાડ ઉપર જાંબુ ઊગવાના નથી, છતાં બહેકવું નહિ..! શું કહો છો રતનજી..?

લાસ્ટ ધ બોલ
આજે પણ રાવણના સાસરામાં રાવણને જમાઈ તરીકેનું ખૂન માન અને સન્માન મળે છે. પણ એની સામે આપણે ત્યાં પણ શિષ્ટાચાર છે કે, કોઈ પણ જમાઈને ‘રાવણ’ માનવામાં આવતો નથી.
એના કપાળમાં કાંદા ફોડું..!
-આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top