Comments

તને ખબર નહીં પડે, તને તો ખબર જ પડતી નથી, તને નહીં આવડે રહેવા દે

नारी तू नारायणी - The Critical Mirror: आईना सच का

થોડા દિવસ પહેલાં અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવનો મને ફોન આવ્યો. તેમણે મને કહ્યું, તમે સાબરમતી જેલના કેદીઓ વચ્ચે કામ કરો છો, ખાસ કરી સાબરમતી જેલની મહિલા કેદીઓ સેનેટરી નેપકીનનું ઉત્પાદન કરી આર્થિક ઉપાર્જન કરે છે, મારી ઈચ્છા છે કે આ પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ અમદાવાદની પોલીસ લાઈનમાં રહેતી પોલીસ પરિવારની મહિલાઓ કરે અને તે પગભર થાય તો મને સારું લાગશે એટલે મારી ઈચ્છા છે તમે આવી પોલીસ પરિવારની મહિલાઓ સાથે વાત કરો.

હું તેમના આમંત્રણને કારણે અમદાવાદ પોલીસ હેડકવાર્ટરમાં પહોંચ્યો. કાર્યક્રમની શરૂઆત થાય તે પહેલાં હું સંજય શ્રીવાસ્તવ અને તેમનાં પત્ની સહિત અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનો પાસે મળ્યો, એક સારી બાબત એવી લાગી કે પોલીસ કમિશનર તરીકે શ્રીવાસ્તવ આવો વિચાર અને તે દિશામાં પ્રયાસ કરે પણ તેની સાથે તેમનાં પત્ની પણ આ બાબતમાં રસ લે છે. સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો પાસે વિવિધ યોજનાઓ હતી જે પોલીસ પરિવારની મહિલાઓને પગભર થવામાં મદદ થઈ શકે.

પોલીસ હેડકવાર્ટરના કોમ્યુનિટી હોલમાં આશરે 200 જેટલી પોલીસ પરિવારની મહિલાઓ હતી, વિવિધ સંસ્થાઓએ તેમની કામગીરી અને તેઓ કઈ રીતે તેમને મદદરૂપ થઈ શકે તેની જાણકારી આપી, જયારે મારો ક્રમ આવ્યો ત્યારે મેં પોલીસ પરિવારની મહિલાઓ સાથે વાત કરતાં કહ્યું તમને ખબર છે તમને આગળ વધતાં કોણ રોકી રહ્યું છે. બીજું કોઈ નહીં તમે પોતે જ, મેં મારા જ ઘરમાં થતાં સંવાદનું ઉદાહરણ આપી તેમને સમજાવતાં કહ્યું, ઘરમાં દીકરો અને દીકરી હોય છે.

જયારે પણ કોઈ નવો નિર્ણય લેવાનો વખત આવે ત્યારે ઘરની દીકરીને આપણે કહીએ છીએ તને ખબર નહીં, તને નહીં આવડે, તું રહેવા દે, આપણી સમાજવ્યવસ્થા જ એવી છે કે જયાં દીકરી અને દીકરો સમાન આપણે કહીએ છીએ, પણ આપણા મનમાં દીકરી અને દીકરાનાં ખાનાં અલગ છે. દીકરો શું કરશે અને દીકરી શું નહીં કરે તે આપણે પહેલાંથી જ નક્કી કરી નાખ્યું છે, આવું અશિક્ષિત પરિવારમાં થાય છે તેવું નથી, ખૂબ શિક્ષણ અને ખૂબ પૈસા હોય તેવા પરિવારોની પણ આવી જ સ્થિતિ છે.

મંચ ઉપર પોલીસ કમિશનર ખુદ બેઠા હોવાને કારણે મને ખબર હતી કે પોલીસ પરિવારની મહિલાઓ સંકોચ વગર પોતાનો મત મૂકશે નહીં, એટલે મેં મહિલાઓને પૂછયું, તને નહીં આવડે, તને ખબર નહીં પડે આવું તમે તમારા પિતા–પતિ અને ભાઈ પાસેથી સાંભળ્યું હોય તેવી મહિલા પોતાના હાથ ઊંચો કરે , મારો પ્રશ્ન સાંભળતાં જ હોલમાં બેઠેલી તમામ મહિલાઓએ પોતાનો હાથ ઊંચો કર્યો. આ વાકય આપણા સમાજની મોટા ભાગની સ્ત્રી પોતાના પિતાના ઘરે, પોતાના પતિના ઘરે અને બાળકો મોટાં થાય પછી બાળકો પાસેથી આવું રોજ સાંભળે છે. આપણી પુરુષ સમાજવ્યવસ્થા અને પુરુષની માનસિકતાને કારણે પુરુષ એવું માનતો હોય કે જે દીકરી- જે બહેન છે અને જે પત્ની છે તેને પુરુષ કરતાં ઓછી ખબર પડે છે, ઓછી આવડત છે અને ઓછી શકિત છે તો તે પુરુષનો પ્રશ્ન છે પણ સમસ્યા ત્યાં ઊભી થાય છે કે વર્ષોથી તને નહીં આવડે, નહીં ખબર પડે તેવું સાંભળી સાંભળી સ્ત્રી પણ એવું માનવા લાગે છે, તેને નહીં આવડે અને ખબર પડતી નથી.

જયારે સ્ત્રી માનવા લાગે છે કે તેના પિતા-ભાઈ-પતિ અને દીકરાને વધારે ખબર પડે છે અને તેમને જે આવડે છે તે જે કામ કરે છે તે તેને નહીં જ આવડે ત્યારે પ્રશ્નની શરૂઆત થાય છે, જયારે સ્ત્રી આવું સ્વીકારી લે છે ત્યારે તે પોતાની દરેક સમસ્યા અને પોતાના દરેક કામ ઉપર પોતાના ઘરના પુરુષ ઉપર માત્ર આર્થિક રીતે જ નહીં, માનસિક રીતે પણ નિર્ભર થઈ જાય છે, એટલે પહેલાં તો સ્ત્રી પોતાના મનમાં વર્ષોથી જે પડયું છે કે મને નહીં આવડે-નહીં ફાવે તેને જાકારો આપવો પડશે. મેં પોલીસ પરિવારની મહિલાઓને કહ્યું, માત્ર તમે જ નહીં સરકારી નોકરી કરનારી મહિલાઓ પણ આ બાબતથી પોતાને બચાવી શકી નથી, મેં મારી માતાનું ઉદાહરણ આપ્યું. મારી માતા સરકારી અધિકારી હતાં, મારા પિતાનું 55 વર્ષની ઉંમરે અચાનક નિધન થયું, તે દિવસ સુધી મારાં મા સરકારી અધિકારી હોવા છતાં કોઈ દિવસ બેન્કમાં ગઈ ન્હોતી, કારણ તેને મનમાં ડર લાગતો હતો કે તેને બેન્કનું કામ નહીં આવડે.

મારા પતિની ગૃહેણી છે, અમારી વચ્ચે સંવાદની મોકળાશ છે, તે મને અનેક વખત કહે છે કે નોકરી કરવી સહેલી છે પણ ઘર ચલાવવું બહુ અઘરું છે, હું તેની સાથે અંશત: સંમત થાઉં, પણ જયારે તે ઘરની બહાર ચાર પાંચ દિવસ જાય ત્યારે હું તેની વાત સાથે એકસો ટકા સંમત થાઉં છું કારણ નોકરી કરતાં ઘર સંભાળવું બહુ મુશ્કેલ કામ હોય છે. આમ ઘરની એક સ્ત્રી પોતાના પતિ બાળકો અને ઘરના અન્ય સભ્યની તમામ બાબતની કાળજી રાખે, છતાં આપણે તેના કામને કોઈ દિવસ આદરથી જોતા નથી.

તેના બદલે નહીં આવડે તેમ કહી તેના વિશ્વાસને રોજ હચમચાવવાનું કામ કરીએ છીએ, મારી પત્ની કહે છે કે પુરુષો એવું માને છે કે જે સ્ત્રી આર્થિક ઉપાર્જનનું કામ કરતી નથી, અથવા નોકરી માટે ઘરની બહાર જતી નથી તે સ્ત્રીને પણ ખબર પડતી નથી જે સ્ત્રી ઘર પણ સંભાળે છે અને નોકરી પણ કરે છે તે સ્ત્રી ખરેખર શકિતશાળી હોય છે. છતાં તે ઘરે આવે ત્યારે તેનો પતિ દીકરો અને દીકરી મોટી થઈ હોય તો તે પણ કહે છે તને ખબર પડશે નહીં તને આવડશે નહીં.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top