Charchapatra

દેહવ્યાપાર કાયદા માત્રથી ન રોકી શકો

માણસના માનસમાં રાખના ઢગલામાં સંતાયેલી ચિનગારીની જેમ કામવાસના બેહોશીમાં હોય છે અને યુવાવસ્થા આવતાં જ સક્રિય થવા લાગે છે. વિજાતીય કે સજાતીય આકર્ષણ જાગે છે. અને એક પ્રકારની ઉદ્ભવેલી તૃષા દૂર કરવા મથે છે. પાપી પેટને ખાતર કે કૌટુંબિક જરૂરિયાતને કારણે મહિલાઓ દેહવ્યાપારને માર્ગે વળે છે, ક્યારેક તેમના શોખ પણ પોષાય છે. અમુક ખાસ જગ્યાઓ પર સ્થાન જમાવે છે. સુરત શહેરમાં તો આવી મોટી મંડી સ્થપાઈ હતી, જેને વોર્ડ નંબર બાર કે ચકલા તરીકે લોકો ઓળખતા હતા.

એક કડક પોલીસ અધિકારીએ તે બજાર બંધ કરાવવા પહેલ કરી હતી. આની પાછળ તે મંડીના મકાન માલિકોનો મકાન મેળવી લેવાનો સ્વાર્થ પણ હતો. આ મંડી બંધ થતાં તેના વાયરસ શહેરમાં ઠેકઠેકાણે હોટલોના વિશિષ્ટ કપલ બોક્ષ, મસાજ પાર્લરો તેની સુવિધા પૂરી પાડે છે. મસાજ પાર્લરો સ્પા સેન્ટરને નામે કૂટણખાનાં ચલાવે છે અને પોલીસ દરોડા પાડી ઝડપી પાડે છે અને અખબારોને પાને તેવી ઘટનાઓ છપાય છે. સુરત મહાનગર બનતાં રોજગારી માટે દેશનાં રાજ્યોમાંથી હજારો પરપ્રાંતી શ્રમિકો આવી પડ્યા છે, જે તેમના પરિવારથી દૂર રહે છે.

તનતોડ મજૂરી પછી મનોરંજન અર્થે પોર્ન ફિલ્મો જોવા જાય છે અને હવસ સંતોષવા પણ જાય છે. પહેલાં તો સાધારણ રકમથી મંડીમાં કામ ચાલી જતું પણ હવે તો હોટલ અને સ્પા જેવાં સ્થલો પર તગડી ફી વસુલાય છે. ખરેખર તો આવાં કેન્દ્રો અને ધંધા પાછળ ભ્રષ્ટાચારનું મોટું પ્રમાણ અને અનેક પ્રકારની સાંઠગાંઠ હોય છે. મહાનગરોમાં મઝદૂરી અને મજબૂરી બંને સાથે સાથે ચાલે છે. શેઠિયાઓનો તો લગ્નેતર શોખ પોષાય છે. સારા સંસ્કાર, સારી કેળવણી, સંયમ અને સારી પ્રવૃત્તિઓ સાથે રોજી રોજગારની સારી તકો જેવાં પરિબળો સારાં અને સાચાં પરિણામો આપી શકે. માત્ર કાયદાઓથી આદર્શ પરિસ્થિતિ નહીં સર્જાય.
સુરત     – યૂસુફ એમ.ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

રૂ. 500 થી મોટી નોટની જરૂર જ નથી
સરકારે તા. 19/05/2023 ના રોજ રૂપિયા 2000ની નોટો બજારમાં ઓછી દેખાતા કાળા નાણા રૂપે જમા થઈ રહી હોવાનું લાગતા પાછી ખેંચવાની જાહેરાત કરી છે. 30 સપ્ટેમ્બર પછી બજારમાં મોટી નોટોમાં રૂા. 500 ની નોટ જ રહેશે. ભ્રષ્ટાચારને કાબુમાં લાવવો હોય તો હવે રૂા. 500ની નોટ જ મહત્તમ રાખવી, તેનાથી ભ્રષ્ટાચાર કાબુમાં આવી શકે છે. અમેરિકામાં વર્ષેાથી 100 ડોલરથી વધુ રકમની નોટો ચલણમાં નથી. આપણે ત્યાં હવે ડિજિટલ યુગ શરૂ થયો છે ત્યારે મોટી રકમની નોટોની એટલી જરૂર પડવાની નથી.

તમામ વર્ગના લોકો માટે 500 રૂપિયા સુધીની નોટો જ સીમિત રાખવી જોઈએ. જેથી કરી રોકડા રૂપિયાની લાંચો લેનારા ઓફિસરો કે રાજકારણીઓ જો નાની નોટો હશે તો લાખો કરોડોની રકમ મોટા જથ્થામાં લઈ જવી પડે. તેને લઈ જવા માટે મોટા વાહનની અને સંગ્રહ કરવા માટે મોટી જગ્યાની જરૂર પડે. હાલ 2000ની નોટ ગરીબ કે મધ્યમ વર્ગ પાસે તો ભાગ્ય જ હશે તેનાથી સામાન્ય માણસને એટલી અસર થવાની નથી. સરકારનું આ પગલું જેની પાસે બે હજારની નોટોનો મોટો સંગ્રહ હશે તેવા ભ્રષ્ટાચારીઓ માટે મુસીબત લાવનારું કહી શકાય.
સુરત     – વિજય તુઈવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top