યોગિતા બિહાની હમણાં એકદમ ખુશ છે કારણકે સલમાન ખાન સાથે શરૂ કરેલી સફર ઋતિક રોશન સાથે આગળ વધી છે. સલમાન સાથે તે ‘દસ કા દમ’નાં પ્રોમોમાં આવેલી. તે શોમાં સલમાને તેને કીસ પણ કરેલી અને સલમાનની કીસનો જાદુ એ થયેલો કે એકતા કપૂરે તરત જ તેને ‘દિલ હી તો હૈ’ માં પલક શર્માની ભૂમિકા આપેલી. એ સિરીયલ પછી યોગિતાને સતત કામ મળ્યું છે. તેની કારકિર્દી બહુ લાંબા વર્ષની નથી. અને તે જોતાં ‘કવચ…. મહા શિવરાત્રી’ની મંજુ પટવર્ધનની ભૂમિકા પછી તરત ‘એકે વર્સિસ એકે’ માં યોગિતાની ભૂમિકા મળેલી અને હવે ‘વિક્રમ વેધા’ માં ચંદાની મળી છે. પંદરેક ટી.વી. કમર્શિઅલમાં કામ કરી ચુકેલી યોગિતાની હકીકતમાં આ પહેલી જ ફિલ્મ છે જે થિયેટરમાં રજૂ થશે. કમ્પ્યુટર સાયન્સ ગ્રેજયુએટ યોગિતા લુકમાં ગોર્જિયસ છે.
સૈફ અલી ખાને પણ કહ્યું છે આખી ફિલ્મમાં તે તાજી હવા જેવી છે. ફિલ્મ જોનારાના મનમાં તે એક જૂહી અસર મુકી જશે. દિલ્હીની યોગિતા બિકાનેરમાં મોટી થઇ છે પણ ફિલ્મમાં શું જોઇએ તેને તે જાણે છે. મોડલીંગ કરી ચુકી હોવાના કારણે પોતાને કેવી રીતે પ્રેઝન્ટ કરવી તેની તેને ખબર છે. ઘણા તેને બીજી ઉર્ફી જાવેદ પણ કહી રહ્યા છે કારણકે બોલ્ડલુકમાં તે જરા પણ પાછી પાની કરતી નથી. સોશ્યલ મિડીયા પર પણ તે ખૂબ ટ્રોલ થાય છે. તેને કોઇ ઉર્ફી જેવી કહે તેનો ય વાંધો નથી. ફિલ્મની જરૂરિયાત હોય તો તે સેકસી દેખાવા તૈયાર છે. કારકિર્દીની શરૂઆતમાં જો સેન્સેશનલ પૂરવાર ન થાઓ તો પછી પસ્તાવું પડે છે. યોગિતા પસ્તાવા નથી માંગતી. •