ઉત્તરપ્રદેશ ફરી એક વાર ચર્ચામાં છે. સાચાં કે ખોટાં કારણોસર એ ચર્ચાનો વિષય છે. ગેંગસ્ટરમાંથી રાજકારણી બની ગયેલા અતિક અહમદને ઉમેશ પાલ હત્યા કેસમાં કોર્ટે દોષી ઠેરવ્યા બાદ યુ.પી. સરકાર એટલે કે યોગી આદિત્યનાથની સરકાર આક્રમક બની ગઈ છે. બે વાર અતિકને અમદાવાદની સાબરમતી જેલમાંથી યુ.પી. લઈ જવાયો છે અને બીજી વાર લઈ જવાયો ત્યારે અતિકે ડર વ્યક્ત કર્યો હતો કે, પોલીસ એને મારી નાખશે. એ તો જીવે છે પણ એનો પુત્ર અસદ અને એનો એક સાગરીત એમ બે લોકો પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે.
યોગીજીએ કોઈ યુદ્ધ જાહેર કરતાં હોય એમ કહ્યું છે કે, ગેંગસ્ટરને મિટ્ટી મી મિલા દેંગે. યોગી સરકાર એન્કાઉન્ટર સ્પેશ્યલ બની ગઈ છે. છેલ્લાં છ વર્ષમાં સત્તાવાર રીતે એનકાઉન્ટરમાં ૧૮૩ લોકો માર્યા ગયાં છે. યુ.પી.ના ડીજી કહે છે , ગુનેગારો સામે અમારી જીરો ટોલરન્સ નીતિ છે. આમ તો એનકાઉન્ટરનો આંકડો ઘણો વધુ છે પણ એ બિનસત્તાવાર છે. યોગીજી કહે છે, અમારા રાજમાં ગુનેગારો ફફડે છે. પહેલાં ઉદ્યોગપતિઓને ધમકી અપાતી હતી, એમનું અપહરણ થતું અને ખંડણી મંગાતી પણ હવે એ દિવસો ગયા. ગુનેગારોના પેન્ટ ભીના થઈ જાય છે. આ ભાષા છે મુખ્યમંત્રીની ગુનેગારો માટે. ગુનેગારો સામે આકરાં પગલાં લેવાય એમાં કોણ સહમત ના થાય? પણ એન્કાઉન્ટર સાચો રસ્તો છે ખરો? આ મુદે ચર્ચા થતી રહે છે.
નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યાં એન્કાઉન્ટર કેસ બહુ ચર્ચામાં હતા. શાહબુદીન કેસ સૌથી વધુ ચર્ચાયો હતો. અને એમાં અમિત શાહ અને કેટલાક પોલીસ અધિકારીઓ શંકાના ઘેરામાં આવ્યા અને જેલમાં પણ ગયા. અમિત શાહ હદપાર થયા હતા. પણ આ બધા કેસમાં કોઈ દોષી ના ઠર્યું. હા, પોલીસ અધિકારીઓએ જેલવાસ ભોગવ્યો પણ રાજનેતાઓનો વાળ વાંકો ના થયો. હવે યોગી આ મામલે ચર્ચામાં છે. તોફાનીઓ નુકસાન કરે તો એમની પાસે નાણાં વસૂલવા એવો કાયદો પણ યોગી જ લાવ્યા અને એ પછી ભાજપશાસિત કેટલાંક રાજ્યોએ એનું અનુસરણ કર્યું. પણ એમાં સૂકા ભેગું લીલું પણ બળ્યું એવા કિસ્સા ઓછા નથી. આવા કાયદાનો રાજકીય ઉપયોગ થાય છે.
અતિકની વાત છે ત્યાં સુધી એની સામે ઘણા કેસ છે. એ જેલમાં જ છે. યોગી સરકાર આકરા પાણીએ કામ કરે છે એ કારણે સપા અને બસપા માટે કેટલીક ચિંતાઓ છે. કારણ કે, એમના ઘણા નેતાઓ સામે ઘણા બધા ગંભીર ગુના છે અને એમાં ભાઈલોગ પણ છે. જો કે, આમ આદમીની વાત કરીએ તો એ આવાં પગલાંઓથી રાજી થાય છે. ગુનેગારોનાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફર્યાં એનાથી યોગીજીને બુલડોઝર બાબાનું નામ મળ્યું. પણ કોર્ટે કેટલાક કિસ્સામાં યોગી સરકારના કાન પણ આમળ્યા.
જો કે કેટલાક બળાત્કાર કેસમાં કે જ્યાં ભાજપના લોકો સંડોવાયેલા હતા ત્યાં પગલાં લેવામાં યોગી સરકાર મોળી પડી હતી એ ય વાસ્તવિકતા છે. પણ યોગીજીની લોકપ્રિયતા વધતી જાય છે. થોડા સમય પહેલાં અમદાવાદમાં એક કાર્યક્રમમાં સ્વામી સચ્ચિદાનંદજીએ યોગીજીના ભરપૂર વખાણ કરતાં જણાવ્યું હતું કે, મારું ચાલે તો થોડા દિવસ માટે યોગીજીને ગુજરાત ભાડા પર લાવીએ. યોગીજીને ઘણાં લોકો મોદીના પણ વિકલ્પ માને છે. કદાચ આટલી હદે કોઈ સાધુ ચર્ચામાં રહ્યા નથી.
# કર્ણાટકમાં ભાજપમાં બળવો
કર્ણાટકમાં ભાજપ દ્વારા બીજી ઉમેદવારી યાદી જાહેર થઈ અને બીજી યાદીમાં સાત વર્તમાન ધારાસભ્યોનાં નામ કપાય છે. પહેલી યાદીમાં ૧૧ ધારાસભ્યોને ટિકિટ અપાઈ નહોતી. ૨૨૪માંથી ૨૧૨ ઉમેદવારોની યાદી બહાર પડી ગઈ છે. પણ ભાજપમાં બળવો શરૂ થઈ ગયો છે. પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટટારને ટિકિટ ન અપાતાં એમણે બળવો કરી દીધો છે અને એ કોઈ પણ હિસાબે ચૂંટણી લડશે એવી જાહેરાત કરી દીધી છે. એમને સમજાવવાનો પ્રયત્ન ચાલે છે. છ વાર ચૂંટાયેલા એસ અંગારાને તો પોતે ચૂંટણી લડવા માંગતા નથી એવી જાહેરાત કરાવાઈ. ગુજરાતમાં જેમ વિજય રૂપાણી અને નીતિન પટેલે જાહેરાત કરી હતી એમ જ.
અત્યાર સુધીના સર્વેમાં કોંગ્રેસ સત્તામાં આવશે એવાં તારણો મળ્યા પછી ભાજપ આક્રમક બની છે. યેદીયૂરપ્પા તો ચૂંટણી લડવાના નથી પણ એમના પુત્રને ટિકિટ અપાઈ છે અને યેદી પર ભાજપનો ઘણો દારોમદાર છે. ગુજરાતમાં પણ કેટલાક ધારાસભ્યોની ટિકિટ કપાતા કેટલાક નારાજ થયા હતા અને બળવો કરી લડ્યા હતા. કેટલાક જીત્યા ને કેટલાક હાર્યા. કર્ણાટકમાં શું થશે? જવાબ માટે થોડી રાહ જોવી પડશે.
# કિરણ પટેલ : પડદા પાછળ કોણ છે?
ગુજરાતના મહાઠગ કિરણ પટેલ હવે ગુજરાત પોલીસના હાથમાં છે. એની સામે ઘણી બધી ફરિયાદો છે. પણ એ બધી ફરિયાદો છેતરપિંડીની છે. પણ કાશ્મીરમાં એને વારેવારે ઝેડ પ્લસ સુરક્ષા અપાઈ એનું શું? એ મુદે્ કોઈ કેસ કેમ નહીં? કાશ્મીર પોલીસ દ્વારા તપાસ થઈ, પણ એનો અહેવાલ આવ્યો નથી. કોણ છે કસૂરવાર? અને એક વાર નહીં, ત્રણ ચાર વાર કિરણ પટેલ કાશ્મીર જાય છે અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા કાફલા સાથે ફરે છે. અધિકારીઓ સાથે બેઠક કરે છે. એમની બદલીની ધમકી આપે છે. બિઝનેસ મિટિંગ કરે છે. એની પાસે પીએમઑના અધિકારી હોવાના કાર્ડ છે. એની સાથે બીજા ત્રણ લોકો પકડાય છે. એક ગુજરાતના મુખ્યમંત્રીના પીઆરઑ હિતેશ પંડ્યાના પુત્ર અમિત છે. વિવાદ થયા બાદ હિતેશ પંડયા રાજીનામું આપે છે, આપવું પડે છે. અમિત પંડયા અને સિતાપરા તથા ત્રિલોક સિંઘ કે જે સાથે હતા એમનું શું? એ સાથે સહાય માટે ગયા હતા? એમની સામે ફરિયાદ કેમ નહીં? આ બધા કોઈ ને કોઈ રીતે ભાજપ અને સંઘ સાથે સંબંધ ધરાવે છે. ઘણાં બધાં રહસ્યો છે પણ એ બહાર આવશે ખરાં?
– કૌશિક મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.