SURAT

VIDEO: સુરતના બોગસ સ્ટડી સેન્ટરો વિદ્યાર્થીઓને રાતે પરીક્ષા આપવા બીજા શહેરમાં લઈ જાય છે

સુરત: હાલમાં સુરત શહેરમાં B.C.A., B.B.A., M.B.A., B.Sc. IT અને Diploma Engineering જેવા કોર્ષમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે જેનો ફાયદો લેવા માટે સુરત શહેરમાં ખુબ જ મોટા પ્રમાણમાં બોગસ કોલેજો (સ્ટડી સેન્ટરો) યોગીચોક, ઉત્રાણ, સરથાણા, વરાછા, કતારગામ, અડાજણ જેવા વિસ્તારમાં ધમધમી રહ્યાં છે. ખુલ્લે આમ મોટી મોટી જાહેરાતો અને હોલ્ડીંગસ લગાવી આ બોગસ સંસ્થાઓ શિક્ષણનો વેપાર ખુલ્લેઆમ કરી રહી છે.

  • શિક્ષણમંત્રીના વિસ્તારમાં ધમધમતા બોગસ સ્ટડી સેન્ટરો
  • યોગીચોકનું ક્રિએટીવ ડિઝાઈન ઈન્સ્ટીટ્યુટ વિદ્યાર્થીઓને બસમાં ગાંધીનગર લઈ ગયું
  • ગાંધીનગરની ખાનગી યુનિવર્સિટીમાં 100 વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા લઈ જવાયા
  • પૂર્વ સેનેટ સભ્ય ભાવેશ રબારીએ VNSGU અને ગુજરાત સરકારને બોગસ સ્ટડી સેન્ટરો સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી

સુરત શહેરના યોગીચોક વિસ્તારમાં આવેલી ક્રિએટીવ ડિઝાઇન એન્ડ મલ્ટીમીડિયા ઇન્સ્ટીટયુટ નામના બોગસ સ્ટડી સેન્ટર દ્વારા ગઈ તા. 7 જુલાઈ 2024ના રોજ રાત્રિના 11 કલાકે શિવાય ટ્રાવેલ્સ બસ (નંબર GJ14-Z-4590) ની બે બસોમાં 100 જેટલા વિદ્યાર્થીઓને ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી (SSIC) માં લઇ જવામાં આવ્યા છે.

આજે તા. 8 જુલાઈથી તા. 10 જુલાઈ સુધી આ તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા આ પ્રાઇવેટ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવશે. આ બોગસ સ્ટડી સેન્ટરો ચલાવવાનું સમગ્ર કૌભાંડ સુરત શહેરમાં ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. કોલેજ ન હોવા છતાં પ્રાઇવેટ યુનિવર્સિટીમાં માત્ર પરીક્ષા આપવા મોકલી ખુબ જ મોટા પાયે શિક્ષણનું કૌભાંડ રાજય કક્ષાના શિક્ષણ મંત્રીના વિસ્તારમાં ખુલ્લેઆમ ધમધમી રહ્યું છે.

સુરત શહેરમાં બોગસ સ્ટડી સેન્ટરો બંધ કરાવી તેમની સામે પોલીસમાં ફરિયાદ કરવાની જવાબદારી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હોવા છતાં માત્ર તપાસ કમિટિ બનાવી સુરત શહેરમાં પ્રવેશથી વંચિત વાલીઓ અને વિદ્યાર્થીઓને આવા બોગસ સ્ટડી સેન્ટરોમાં પ્રવેશ મેળવી લે ત્યાં સુધી કોઇ કાર્યવાહી યુનિવર્સિટીની તપાસ કમિટી દ્વારા કરવામાં આવતી નથી.

આ ઉપરાંત આ સ્ટડી સેન્ટરોમાં બોગસ ડિગ્રી બનાવી આપવાના બનાવો પણ અનેક વખત સામે આવ્યા છે પરંતુ યુનિવર્સિટી દ્વારા એક પણ કેસમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. આવા બોગસ સ્ટડી સેન્ટરોમાં ડિગ્રી મેળવી વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ માટે વિદેશ જાય કે નોકરી મેળવે તો પાછળથી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

વિદ્યાર્થી નેતા ભાવેશ રબારીએ કહ્યું કે, શહેરમાં બીસીએ, બીબીએ, એમબીએ, બીએસસી આઈટી અને ડિપ્લોમા એન્જિયરિંગના કોર્ષમાં ખૂબ જ મોટા પ્રમાણમાં બોગસ પ્રવેશ આપતી ક્રિએટીવ, સનરાઈઝ અને અન્ય બોગસ સ્ટડી સેન્ટરો ખાનગી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની પરીક્ષા અપાવડાવે છે. આવા બોગસ સ્ટડી સેન્ટરો સામે તાત્કાલીક કડક કાર્યવાહી કરવી જોઈએ.

બોગસ સ્ટડી સેન્ટરો બંધ કરાવો: ભાવેશ રબારી, પૂર્વ સેનેટ/સિન્ડીકેટ સભ્ય, VNSGU
પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય ભાવેશ રબારીએ આ સમગ્ર મામલે વીર નર્મદ યુનિવર્સિટી, રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરતા લખ્યું છે કે, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને સરકારની જવાબદારી બને છે કે તેઓ સુરત શહેરમાં ચાલતા આવા બોગસ સ્ટડી સેન્ટરો બંધ કરાવે. તેની સામે પોલીસમાં ફરીયાદ કરે. તેમજ કમ્યુટર કલાસીસની આડમાં ચાલતાં બોગસ સ્ટડી સેન્ટરોને ઉઘાડા પાડી વાલી-વિદ્યાર્થીઓને જાગૃત કરવાની જરૂર છે.

નોંધનીય છે કે, હાલમાં સુરત શહેરમાં ચાલતા બોગસ સ્ટડી સેન્ટરો સામે કાર્યવાહી કરવા ગઈ તા. 11 જુલાઈ 2023ના રોજ મેં યુનિવર્સિટીને લેખિત ફરિયાદ કરી હતી. છતાં યુનિવર્સિટી દ્વારા માત્ર તપાસ કમિટીની નિમણૂક કર્યા બાદ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આવા બોગસ સ્ટડી સેન્ટરોનો ભોગ વધુ બીજા વિદ્યાર્થીઓ ન બને તે માટે મારા આ પુરાવાઓને ધ્યાને લઇ સરકાર તથા યુનિવર્સિટીના સત્તાધીશો આવા બોગસ સ્ટડી સેન્ટરો સામે તાત્કાલિત દાખલા રૂપ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ.

Most Popular

To Top