Columns

યોગ છે મારી ઓળખ લોકો મને કહે છે રબર ગર્લ

મને ઘણાં બધાં યોગાસન આવડે છે પણ સંખ્યા નથી ખબર કે કેટલા યોગ આવડે છે. મને ઘણા બધા એવોર્ડ મળ્યા છે પણ સંખ્યા નથી ખબર,’’ આ શબ્દો છે દિવ્યાંગ બાળા અન્વી ઝાંઝરૂકિયાના. કહેવાય છે ને કે, ભગવાન માણસની રચનામાં કોઈ અંગમાં ખામી મૂકે તો એ માણસને વિશિષ્ઠ ખૂબીઓના ભંડારથી ભરી પણ દે છે. જ્યારે અન્વીનો જન્મ થયો ત્યારે તેની માતા અવનીબેન અને પિતા વિજયભાઈ ઘરમાં પહેલા સંતાનની પ્રાપ્તિથી ખુશખુશાલ હતા પણ આ ખુશીએ ટેન્શનનું સ્વરૂપ ત્યારે લીધું જ્યારે અન્વીના જન્મના 10-12 દિવસમાં ખબર પડી કે, અન્વી નોર્મલ બાળકની વ્યાખ્યામાં નથી આવતી. તે સ્પેશ્યલ ચાઈલ્ડ છે. તે દિવ્યાંગ છે.

જ્ન્મ બાદ અન્વીનો ફેસ અલગ લાગતો હતો અને તે કોઈ વસ્તુને રિસ્પોન્સ નહોતી કરતી. તે મળ ત્યાગ પણ નહીં કરી શકી. બીજા દીવસે તેને યલો કલ્રરની ઉલ્ટી થઈ. એટલે ડોક્ટરને બતાવતા ડોક્ટરે કહ્યું કે, તેના આંતરડામાં કોઈ પ્રોબ્લેમ હશે. તેની સોનોગ્રાફી કરાવતા ખ્યાલ આવ્યો કે તેનું આંતરડું 75 ટકા કામ નથી કરતું. તે ડાઉન સિન્ડ્રોમ થી પીડાય છે. આ બધુ જાણ્યા બાદ અન્વીની માતા અવનીબેન ડિપ્રેસ્ડ થયાં. તેમના મનને આ સવાલ સતત મુંઝવતો કે કેમ આપણી સાથે આવું થયું? આપણા ઘરમાં જ આવું બાળક કેમ આવ્યું? પણ સ્થિતિને સ્વીકારી ચૂકેલાં અવનીબેનને એ અહેસાસ થયો કે આવા સ્પેશ્યલ ચાઈલ્ડમાં કોઈ ને કોઈ કળા કે કોઈ ને કોઈ ખૂબીનો ભંડાર હોય જ છે અને તેમણે અન્વીમાં કઈ કળા, કઈ ખૂબી છુપાયેલી છે તે શોધવાનું શરૂ કર્યું. તેમની મહેનત રંગ લાવી અને ગુજરાતને યોગામાં પારંગત રબર ગર્લ અન્વી ઝાંઝરૂકિયા મળી.

રબર ગર્લ અન્વીને ચાર-ચાર રોગોએ ઘેરેલી છે પણ કહેવાય છે ને જહાં ચાહ વહાં રાહ. 75% બૌદ્ધિક દિવ્યાંગતા ધરાવતી અન્વી તેના શરીરનાં અંગોને એ રીતે મરોડ આપતી કે ભલભલા તેને જોઈને મોંમાં આંગળા નાંખી ચાવી જતાં. અન્વી જન્મથી જ ડાઉન સિન્ડ્રોમની શિકાર છે. જન્મજાત હૃદયની ખામી હોવાથી માત્ર 3 મહિનાની ઉંમરમાં જ તેની ઓપન હાર્ટ સર્જરી થઈ ચૂકી છે. તેના મોટા આંતરડામાં 75% ક્ષતિ છે. તેની જીભ બોલતી વખતે તાળવે નથી ચોંટતી એટલે તે જે શબ્દો બોલે છે તેનું ઉચ્ચારણ સ્પષ્ટ નથી હોતું.

અન્વીને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે તેને કેટલા યોગ આવડે છે ત્યારે બહુ સમજી નહીં શકતી અન્વીએ જવાબ આપ્યો કે, તેને ઘણાં બધાં યોગાસન આવડે છે પણ સંખ્યા નથી ખબર. તેને એવોર્ડ ઘણા બધા મળ્યા છે પણ સંખ્યા નથી ખબર. અન્વી 30 થી 40 યોગનાં નામ બોલી શકે છે પણ સ્પષ્ટ રીતે નહીં. તેની સાથે લાંબો સમય રહેનાર વ્યક્તિ જ તે શું બોલે છે તે સમજી શકે છે પણ અજાણ વ્યક્તિ નહીં સમજી શકે. અન્વીએ અસ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તેને મ્યુઝિક સાંભળવું ગમે છે. તે યોગ જાણતી હોવાથી તેને ગુજરાતના મુખ્યમંત્રી હસ્તે એવાર્ડ મળ્યો છે.

દેશના રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મળ્યો છે. અને ઓનલાઈન પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પણ એવોર્ડ મળ્યો છે. તેને યોગ ઉપરાંત ડ્રોઈંગમાં ઇન્ટરેસ્ટ છે. તે તેનાં મમ્મી-પપ્પા, દાદાને યોગાસન શીખવાડે છે. પણ મામા યોગ નથી કરતા તો તેને નથી ગમતું. સ્કૂલમાં યોગના પીરિયડમાં તેની પાસે બેઠેલાં વિદ્યાર્થીને પણ તે યોગ કઈ રીતે કરવા તે શીખવાડે છે. તેને નેહા કક્કડનાં ગીતો સાંભળવા ગમે છે. શિલ્પા શેટ્ટી ગમે છે. તે પોતાની લાગણીનું પ્રદર્શન કરવા અસમર્થ છે પણ તેને કોઈ નાનકડી પણ ગિફ્ટ આપે તો તે ખૂબ જ ખુશ-ખુશ થઈ જાય છે. તેના ચહેરા પર કાંઈક મેળવ્યું હોવાનું સ્મિત રમતું થઈ જાય છે.

અન્વીના પિતા વિજય ઝાંઝરૂકિયા પાલણપોર વિસ્તારની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં.318માં આચાર્ય છે. તેમણે કહ્યું કે ડાઉન સિન્ડ્રોમથી પીડિત બાળકમાં ક્રિયેટિવિટી હોય છે એવું તેમને ઘણાં લોકોએ કીધું એટલે તેમણે અન્વીને સ્કેટિંગ, ડાન્સ, ડ્રોઈંગ શિખવાડવાનો પ્રયાસ કર્યો પણ એક લેવલ પછી તે અટકી જતી પણ તેમણે હાર નહીં માની. તે અને તેમની પત્ની અવની સતત અન્વીનું નિરીક્ષણ કરતાં અને તેમની મહેનત સફળ થઈ. જ્યારે અન્વી રાતે સૂતી વખતે તેના પગ માથા સુધી લઈ જતી ત્યારે તેમને લાગ્યું કે અન્વીને યોગ શીખવાડવા જોઈએ. અન્વી નરથાણની સંસ્કારકુંજ જ્ઞાનપીઠ સ્કૂલમાં હાલ 7મા ધોરણમાં ભણે છે.

આ સ્કૂલના યોગા ટીચર નમ્રતા વર્મા પાસે 11 વર્ષની ઉંમરે યોગ શીખવાનું શરૂ કર્યું. તેની શીખવાની પ્રક્રિયા સ્લો હતી પણ તે શીખી અને 11વર્ષની ઉંમરથી જ યોગ કોમ્પિટિશનમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને એક પછી એક પુરસ્કાર તે તેના નામે કરતી ગઈ. છત્તીસગઢમાં આયોજીત યોગની રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં તે જીતી અને આ સ્પર્ધા જીતીને તે સુરત આવી ત્યારે રેલવે સ્ટેશનન શણગારાયેલું અને ફૂલહારથી તેનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે તેણે યોગ પ્રત્યે વધારે ઉત્સુકતા દાખવવાનું શરૂ કર્યું. તે આ બધું તેના માટે કરવામાં આવ્યું છે તે જાણીને ગદગદ થઈ ગઈ હતી.

અન્વીની મમ્મી અવનીબેને કહ્યું કે જ્યારે તેમને ખબર પડી કે અન્વી સ્પેશ્યલ ચાઈલ્ડ છે ત્યારે તે ખૂબ ડિપ્રેસ થયાં હતાં. તેને શારીરિક અને માનસિક તકલીફ વચ્ચે કઈ રીતે તેનો ઉછેર કરવો તે સમજાતું નહોતું. દિવ્યાંગ દીકરીને યોગ શીખવાડવા મમ્મી અવનીબેને પણ તેની સાથે યોગ શીખવાનું શરૂ કર્યું. એક આસન તેને 20 થી 25 વખત શીખવાડવા પડતાં. પણ તે યોગમાં નિપુણ થઈ અને આ જ દીકરીને કારણે તેમનું પરિવાર ઓળખાવા લાગ્યું છે.

અન્વીની સ્કૂલના સંચાલક પરેશભાઈ પટેલે જણાવ્યું કે અન્વી ખૂબ જ ડીસીપ્લીન છે. તે તોફાની છોકરી નથી. શિસ્તમાં રહે છે. સ્કૂલમાં યોગ કોમ્પિટિશન થાય ત્યારે તે અચૂક જીતે જ છે. તેનું ડ્રોઈંગ ખૂબ જ સારું છે. તેને ચિત્રોમાં ક્યાં કલર પૂરવા તેની કોઠાસૂઝ સારી છે. અન્વીને યોગ શીખવાડનાર ટીચર નમ્રતા વર્માએ કહ્યું કે અન્વીને યોગ શીખવાડવાનું કામ ચેલેન્જભર્યું હતું. એક નોર્મલ બાળક એક વખતમાં તેને યોગ આસન બતાવવામાં આવે તો તે તુરંત સમજી જાય પણ અન્વીને એક આસન 10 થી 12 વખત શીખવાડવું પડતું પણ તેણે યોગમાં મહારથ હાંસિલ કરી. તે હવે એક મિનિટમાં ખૂબ જ આસાનીથી 10 થી 12 આસન કરી શકે છે.

યોગ ટીચર નમ્રતા વર્માએ કહ્યું કે, અન્વી તેમના માટે ચેલેન્જ બનીને આવી હતી અને આજે તેની પર ગર્વ થાય છે કે તે ખૂબ ચપળતાથી યોગાસન કરી લે છે. ચાર-ચાર બીમારીઓને લઈને જન્મેલી અન્વી તેની શારીરિક અને માનસિક મર્યાદાઓને બાજુ પર કરી યોગ મહારથી બની છે. તેની જીભ બોલતાં સમયે ભલે થોથવાય છે પણ તેના હાથ-પગને તે એવા મરોડ આપી શકે છે કે તેને જોનાર દંગ થઈ જાય છે. અન્વી માત્ર તેના પરિવારનું જ ગૌરવ નથી બની તે ગુજરાતનું પણ ગૌરવ છે. તે સ્પષ્ટ બોલી નથી શકતી પણ તે ભલભલાને યોગાસનમાં હરાવી શકે છે.

Most Popular

To Top