Comments

હા, મુંબઈના વિકાસમાં મોટો ફાળો તો ગુજરાતીઓનો જ છે!

મુંબઈમાં એક સ્થળે બોલતાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ એવું કહ્યું કે મુંબઈના વિકાસમાં ગુજરાતીઓ અને રાજસ્થાનીઓનો સિંહફાળો છે અને જો તેઓ મુંબઈ છોડીને જતા રહે તો મુંબઈ-થાણેમાં કોઈ પૈસો જ બચે નહીં. તેમના આ નિવેદનના કારણે મુંબઈ અને મહારાષ્ટ્રમાં હોબાળો મચ્યો છે તે ત્યાં સુધી કે મહારાષ્ટ્રના બીજેપીના નેતાઓ પણ તેમના પોતાના રાજ્યપાલની મદદે આવતા નથી. બલકે ટીકા કરી છે એટલે રાજ્યપાલે માફી માગવી પડી છે.

હવે સત્ય શું છે એની વાત કરતાં પહેલાં બીજા એક સત્યની વાત કરી લઈએ. તમે જોયું, ગર્વ સે કહો હમ હિંદુ હૈ એમ કહેનારા હિંદુઓમાં તકરાર પડી. હજુ મહિના પહેલાં કેટલાક શિવસેનાના વિધાનસભ્યોને અચાનક જ્ઞાન થયું હતું કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેના હિન્દુત્વનો રસ્તો ચાતરી ગઈ છે. પુત્રે પિતા બાળાસાહેબનો દ્રોહ કર્યો છે અને માત્ર બીજેપી જ સેનાસહોદર હોઈ શકે; અંતે હિંદુ-હિંદુ એક થયા, ઉદ્ધવ ઠાકરેની સરકાર તોડવામાં આવી અને મહારાષ્ટ્રમાં હિંદુરાજ્ય સ્થાપવામાં આવ્યું.

તો પછી ઝઘડી કેમ પડ્યા? શું ગુજરાતીઓ અને મારવાડીઓ હિંદુ નથી? મુંબઈના વિકાસમાં જે ગુજરાતીઓ અને મારવાડીઓએ યોગદાન આપ્યું છે એમાંથી ૯૯ ટકા લોકો હિંદુ કે જૈન છે. ગુજરાતીઓ અને મારવાડીઓને શ્રેય આપવામાં આવે એમાં મરાઠીઓને શા માટે પેટમાં દુખવું જોઈએ જ્યારે આપણે પહેલા અને છેલ્લા હિંદુ છીએ? અને જો પેટમાં દુખતું હોય તો “આપણે પહેલાં હિંદુ”નું હિન્દુત્વ ક્યાં ગયું? મરાઠી હોવાપણાએ સરસાઈ કેમ મેળવી? રાજ્યપાલે ‘પરાયા હિંદુ’ઓની પ્રશંસા કરી એટલે ‘આપણા ઘરના’હિંદુઓ નારાજ થયા.

ભારતમાં સરેરાશ ભારતીય સરેરાશ દસેક જેટલી ઓળખો લઈને જીવે છે. તે ઓછામાં ઓછો ભારતીય છે અને બાકીની ઓળખો સમય અને જરૂરિયાત મુજબ બદલાતી રહે છે. તે ક્યારેક હિંદુ કે મુસલમાન થઈ જાય, ક્યારેક ગુજરાતી કે મરાઠી થઈ જાય, ક્યારેક તે વૈષ્ણવ કે શૈવ થઈ જાય, ક્યારેક જ્ઞાતિગરવીલો થઈ જાય, ક્યારેક પેટા-જ્ઞાનીનો બંદો થઈ જાય, જો કોઈ દક્ષિણ ભારતીય હોય તો તે ક્યારેક દ્રવિડ બની જાય અને તેની સામે બીજો ઉત્તર ભારતીય આર્ય બની જાય. શુદ્ધ હિન્દીમાં એક વાક્ય ભલે ન બોલી શકે પણ તે ક્યારેક હિન્દીરક્ષક બની જાય, તો હિન્દીની જોહુકમીનો વિરોધ કરનારો માતૃભાષાપ્રેમી અને રક્ષક થઈ જાય, દેશનો સામાન્ય નાગરિક જે સરળ હિન્દુસ્તાની ભાષા બોલે છે તેનો વિરોધ કરીને સંસ્કૃતમિશ્રિત હિન્દી ભાષાનો સૈનિક બની જાય.

સ્ત્રીના અધિકારની વાત આવે તો પુરુષ બની જાય અને જો પાકિસ્તાન સામે ક્રિકેટ મેચ રમાતી હોય તો ભારતીય થઈ જાય. ભારતીય એ માત્ર ક્રિકેટમેચ પૂરતો જ બને છે. ખરું પૂછો તો હિંદુ પણ એ ત્યારે જ બને છે જ્યારે સામે મુસલમાન હોય. ટૂંકમાં સરેરાશ ભારતીય સામેવાળાને જોઇને પોતાની ઓળખ બદલતો રહે છે. અને માણસ? માણસ હોવાની ઓળખ આપોઆપ વગર મહેનતે જન્મ સાથે નથી મળતી. એક વાર માણસ બનવાનો જરાક પ્રયાસ કરી જુઓ. તમને ખાતરી થવા લાગશે કે ઓળખો એમાં કેવી વિઘ્નરૂપ છે. જેનો નેતાઓ અને ધર્મગુરુઓ લાભ લે છે.

તો વાત એમ છે કે સરેરાશ ભારતીય; માણસ બનવાથી તો સાવ ભાગે છે.મહારાષ્ટ્રમાં અત્યારે આ જ બની રહ્યું છે. મરાઠી હિન્દુત્વવાદીઓએ તો ગર્વ લેવો જોઈતો હતો કે હિંદુ પ્રજા કેટલી મહાન છે કે તે પોતાની વહાલી જન્મભૂમિ છોડીને, હાથમાં દોરી લોટો લઈને, કષ્ટ ઉઠાવીને પરાયા પ્રાંતનો વિકાસ કરવા જેટલી ઉદારતા ધરાવે છે. હિદુ હો તો ઐસા! પણ એવું બન્યું નહીં. એક હિંદુ બીજા હિન્દુનો શ્રેય નકારે છે. ઓળખ આધારિત કૃત્રિમ એકતા કેટલી તકલાદી હોય છે એનો આ નમૂનો છે. પહેલાં સત્યની વાત કર્યા પછી હવે બીજા સત્યની વાત. મુંબઈના વિકાસમાં ગુજરાતીઓ અને મારવાડીઓનો ફાળો ઘણો મોટો છે એ સાચી વાત છે?

જવાબ છે; નિ:સંદેહ હા. ૧૭ મી સદીથી લઈને વીસમી સદી બેઠી ત્યાં સુધી મુંબઈનો વિકાસ મુખ્યત્વે ગુજરાતીઓ થકી થયો છે. ગુજરાતીઓમાં પણ પારસી અગ્રેસર. મુંબઈ શું, કરાંચીનો વિકાસ પણ ગુજરાતીઓ થકી થયો હતો. મુખ્યત્વે કચ્છ, હાલાર, ઘેડ અને સોરઠના ગુજરાતી હિંદુઓ અને મુસલમાનો થકી. ગુજરાતીઓ મુંબઈ શા માટે આવ્યાં એનાં પણ કારણો છે. એ સમયે સુરત ધીકતું બંદર હતું, પણ અંગ્રેજો સુરતની જગ્યાએ મુંબઈનું બારું વિકસાવવા માગતા હતા. એક તો ખંભાતનો અખાત છીછરો થતો જતો હતો, જેને કારણે ખંભાતનું બંદર બિનઉપયોગી થઈ ગયું હતું અને સુરતનું બંદર થવામાં હતું.

એની સામે મુંબઈની ખાડી કુદરતી રીતે એટલી ઊંડી હતી કે મોટાં વહાણોને છેક કિનારે લાંગરી શકાતાં હતાં, પણ સમસ્યા એ હતી કે મુંબઈનું હવામાન અને ભૌગોલિક રચના પ્રતિકૂળ હતાં. આઝાદી પછી ઉદ્યોગધંધા વધતાં મુંબઈનું બારું ટૂંકું પડવા લાગ્યું ત્યારે ભારત સરકારે ઉરણમાં જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (જેએનપીટી)ના નામે નવું બંદર વિકસાવ્યું છે. તો ગુજરાતીઓ (એ સમયે મુખ્યત્વે પારસીઓ) મુંબઈ આવવા લાગ્યા એનું એક કારણ અંગ્રેજો દ્વારા કરવામાં આવતો મુંબઈનો વિકાસ હતું. મુંબઈમાં ધંધાની તકો પેદા થવા લાગી હતી.
ગુજરાતીઓ સુરત છોડીને મુંબઈ આવ્યાં અથવા ગુજરાત-કાઠિયાવાડનાં ગામડાંઓના ગુજરાતીઓ સુરતની જગ્યાએ મુંબઈ આવવા લાગ્યાં એનું બીજું એક કારણ મરાઠાઓનો ત્રાસ હતો. ઈ. સ. ૧૬૬૪ ની સાલમાં પહેલી વાર અને ૧૬૭૦ માં બીજી વાર શિવાજી મહારાજે સુરત લૂંટ્યું હતું. એ પછી વેપારીઓએ મરાઠા સરદારોને અને સૈનિકોને લાગો આપવો પડતો હતો. એનો કોઈ ઠરાવેલો દર નહોતો. ટૂંકમાં ગુજરાતના પારસી અને હિંદુ વેપારી ભાઈઓ મરાઠા હિંદુ ભાઈઓના રોજેરોજના રંજાડથી ત્રાસેલા હતા.

માનવઈતિહાસ વાંચતાં આવડવો જોઈએ અને જો તે વાંચતાં ન આવડે તો કોઈ આપણો હથિયાર તરીકે ઉપયોગ કરે અને આપણે જીવતા બોમ્બ બનીને સમાજની વચ્ચે ફરીએ. “આપણે”શ્રેષ્ઠ અને આપણાં લોકો આપણું અહિત કરે જ નહીં અને અહિત કરનારા “પરાયા”જ હોય છે એવી સમજ ભોળી સમજ છે. તો ઈતિહાસસિદ્ધ હકીકત એ છે કે ગુજરાતી વેપારીઓ ઉદ્યમી યવનોએ ઝીદપૂર્વક મુંબઈ બંદર વિકસાવતા હતા તેમાં તક નજરે પડતાં અને મરાઠા હિંદુ ભાઈઓના રંજાડથી બચવા મુંબઈ આવવા લાગ્યા હતા.

સામે મુંબઈના ટાપુઓ ઉપર ખાસ કોઈ વસ્તી નહોતી અને જે હતી એ કોળી અને માછીમારોની હતી. તેઓ મુંબઈનો વિકાસ થતો નિહાળી રહ્યા હતા, પણ તેમાં કોઈ પણ રીતે ભાગીદાર નહોતા, લાભાર્થી તો જરાય નહોતા, ઉલટું તેઓ તેમની હકની જગ્યા ગુમાવી રહ્યા હતા અને તેની સામે ખ્રિસ્તી મિશનરીઓ તેમને ઈસાઈ ધર્મ પકડાવતા હતા. ગાંધીજીએ યોગ્ય જ કહ્યું છે કે શહેરોનો વિકાસ માનવ દ્વારા માનવના કરવામાં આવતા શોષણના પાપ દ્વારા અને હિંસા (સૂક્ષ્મ અને સ્થૂળ બન્ને) દ્વારા જ થાય છે. રહી વાત બાકીના મહારાષ્ટ્રના મરાઠીઓ માટે. મુંબઈમાં આવીને વસવાનો તો તેઓ વેપારવણજ કરતા નહોતા એટલે તેમને મુંબઈ જેવા દુર્ગમ શહેરમાં આવવા માટે કોઈ કારણ નહોતું.

તેઓ ત્યારે આવતા થયા જ્યારે મુંબઈમાં વહીવટી નોકરીઓ અને વકીલાત જેવી તક વિકસી. એમ કહી શકાય કે ઈ. સ. ૧૮૨૦-૩૦ પછી. આનો અર્થે થયો કે આખી સત્તરમી, અઢારમી અને ઘણા પ્રમાણમાં ઓગણીસમી સદીમાં મુંબઈનો પાયાનો વિકાસ અંગ્રેજો અને ગુજરાતીઓએ મળીને કર્યો હતો. તેમણે પ્રચંડ સંઘર્ષ કર્યો હતો. હા, કોંકણના મુસલમાનો તેમાં અપવાદ હતા. કચ્છ-કાઠિયાવાડના મુસલમાનોની માફક કોંકણી મુસલમાન દરિયાખેડુ પ્રજા હતી અને વહાણવટું કરતા હોવાથી તેમને મુંબઈના વિકાસમાં ધંધાની તક નજરે પડી હતી. ચીનમાં અફીણની નિકાસ કરીને જમશેદજી જીજીભાઈ અને મોતીશાહ શેઠની માફક તેઓ ખૂબ કમાયા હતા. નૈતિકતા પણ સમયસાપેક્ષ હોય છે.

એક જમાનામાં ગુલામોનો અને અફીણનો વેપાર અનૈતિક નહોતો ગણાતો. પણ કોઈ હિંદુ મરાઠીએ કોંકણી મુસલમાનોને મુંબઈના વિકાસમાં આપેલા ફાળાનો શ્રેય આપ્યો છે? ક્યાંથી આપે? મુસલમાન છે.
મુંબઈમાં મારવાડીઓ મુખ્યત્વે વીસમી સદીમાં આવ્યા હતા. જાણીતા ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલા પોતાના વતનથી મુંબઈ કમાવા આવ્યા ત્યારે તેમણે જોયું કે મુંબઈમાં ગુજરાતીઓનો દબદબો છે અને તેમાં જગ્યા બનાવવી એ થોડું અઘરું કામ છે એટલે તેઓ કલકત્તા ગયા હતા અને ત્યાં તેમણે જગ્યા બનાવી હતી. અને રહી વાત મરાઠીઓની તો મુંબઈના આર્થિક વિકાસમાં મરાઠીઓનો ફાળો ફૂટનોટમાં સમાવેશ પામે એટલો જ છે.

અને છેલ્લું સત્ય. મહારાષ્ટ્રમાં પ્રાદેશિક અસહિષ્ણુતા કટ્ટરપંથી મુસલમાનો કરતાં અને હિન્દુત્વવાદીઓ કરતાં જરાય ઓછી નથી. ઉદારમતવાદી પ્રગતિશીલ લોકોએ પણ સંભાળીને બોલવું પડે છે અથવા કહેવાતા મરાઠી ગર્વને પોષવો પડે છે. ભાષાવાર પ્રાંતરચનાનો વિરોધ કરનારા વિનોબા (ભાવે)ને માકડોબા (વાંદરો) તરીકે ઓળખાવવામાં આવ્યા હતા અને મરાઠી થઈને ગુજરાતીમાં લખનાર કાકાસાહેબ કાલેલકરને ફીતુર તરીકે માફ કરવામાં નથી આવ્યા.
માટે પ્રારંભમાં મેં કહ્યું છે કે ભારતમાં કોઈ ભારતીય છે જ નહીં. ચામડી ખતરોડો તો અસ્મિતાઓનાં ભૂત નાચવા લાગશે. અને માટે મારો આગ્રહ છે કે જો કોઈ એક ઓળખ પાળવી જ હોય તો માણસ હોવાની પરમ ઓળખ કેમ નહીં? એ નરવી અને નિર્વિરોધ ઓળખ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top