World

યમને ઇઝરાયલી એરપોર્ટ પર મિસાઇલ છોડ્યું, દિલ્હીથી તેલ અવીવ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ડાયવર્ટ કરાઈ

રવિવારે સવારે યમનના ઈરાન સમર્થિત હુથી બળવાખોરો દ્વારા ઇઝરાયલના સૌથી વ્યસ્ત એરપોર્ટ બેન ગુરિયન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો. આ હુમલાને કારણે દિલ્હીથી તેલ અવીવ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI139 ને અબુ ધાબી તરફ વાળવી પડી. હુમલા સમયે વિમાનને ઉતરવા માટે માત્ર એક કલાક બાકી હતો. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ Flightradar24 અનુસાર તે સમયે વિમાન જોર્ડનના હવાઈ ક્ષેત્રમાં હતું. અહેવાલો અનુસાર વિમાનમાં લગભગ 300 લોકો સવાર હતા.

એર ઇન્ડિયાએ પુષ્ટિ આપી છે કે ફ્લાઇટ અબુ ધાબીમાં સુરક્ષિત રીતે ઉતરાણ કરી ચૂકી છે અને ટૂંક સમયમાં દિલ્હી પરત ફરશે. એર ઈન્ડિયાએ કહ્યું છે કે જે મુસાફરોએ 3 થી 6 મે, 2025 વચ્ચે ફ્લાઇટ્સ માટે ટિકિટ બુક કરાવી છે તેમને એકવાર ટિકિટ બદલવાનો અથવા સંપૂર્ણ રિફંડ મેળવવાનો વિકલ્પ આપવામાં આવશે.

રવિવારે યમનના હુથી બળવાખોરો દ્વારા છોડવામાં આવેલી એક મિસાઇલ ઇઝરાયલના મુખ્ય એરપોર્ટ બેન-ગુરિયન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ત્રાટકી. આ હુમલા બાદ થોડા સમય માટે હવાઈ, માર્ગ અને રેલ વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. દરમિયાન ઇઝરાયલના ટોચના મંત્રીઓ ગાઝા યુદ્ધને વધુ તીવ્ર બનાવવાના નિર્ણય પર મતદાન કરવાના છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મિસાઇલ પડ્યા પછી એરપોર્ટ નજીક ધુમાડાના ગોટા જોવા મળ્યા અને મુસાફરો ભયથી અહીં-ત્યાં દોડતા જોવા મળ્યા. આ મિસાઇલ એરપોર્ટ નજીક એક ખાલી ખેતરમાં પડી જેના કારણે જમીનમાં એક મોટો ખાડો પડી ગયો. જોકે ઇઝરાયલી હવાઈ સંરક્ષણ પ્રણાલીએ તેને અટકાવવાનો પ્રયાસ કર્યો. હુમલાના લગભગ એક કલાક પછી હવાઈ અને માર્ગ ટ્રાફિક ફરી શરૂ થયો. આ હુમલામાં ચાર લોકોને થોડી ઈજા થઈ હતી.

એર ઇન્ડિયાની ફ્લાઇટને અબુ ધાબી ડાયવર્ટ કરવામાં આવી
આ મિસાઇલ હુમલાને કારણે એર ઇન્ડિયાની ફ્લાઇટને અબુ ધાબી તરફ વાળવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ફ્લાઇટ નંબર AI 139 દિલ્હીથી ઇઝરાયલની રાજધાની તેલ અવીવ જઈ રહી હતી. આ હુમલો ફ્લાઇટના તેલ અવીવમાં ઉતરાણના એક કલાક કરતા પણ ઓછા સમય પહેલા થયો હતો. જ્યારે અબુ ધાબી તરફ વાળવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે વિમાન જોર્ડનના હવાઈ ક્ષેત્રમાં હતું. આ ઘટના બાદ એર ઇન્ડિયાએ 6 મે સુધી તેલ અવીવ જતી તેની બધી ફ્લાઇટ્સ રદ કરી દીધી છે.

ઇઝરાયલે બદલો લેવાની જાહેરાત કરી
ઇઝરાયલી પોલીસે જણાવ્યું હતું કે હુમલા બાદ સુરક્ષા કડક કરવામાં આવી હતી. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે ચેતવણી આપી હતી કે જે કોઈ અમને નુકસાન પહોંચાડશે અમે તેને સાત ગણું વધુ નુકસાન પહોંચાડીશું. તમને જણાવી દઈએ કે યમનના હુતી બળવાખોરોએ એક વીડિયો નિવેદનમાં આ હુમલાની જવાબદારી લીધી છે. હુથી વિદ્રોહીઓના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમણે એરપોર્ટ પર “હાયપરસોનિક બેલિસ્ટિક મિસાઇલ” ચલાવી હતી. ઓક્ટોબર 2023 થી ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ દરમિયાન હુતી બળવાખોરો ઇઝરાયલ પર હુમલો કરી રહ્યા છે. જોકે મોટાભાગની મિસાઇલો ઇઝરાયલ દ્વારા હવામાં જ અટકાવી દેવામાં આવી છે પરંતુ કેટલીક મિસાઇલોએ નુકસાન પહોંચાડ્યું છે.

Most Popular

To Top