ગાંધીનગર: આજે વહેલી સવારથી વલસાડ અને જુનાગઢ જિલ્લામાં ધીમો વરસાદ વરસી રહ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યના 34 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ જુનાગઢ જિલ્લાના વિસાવદરમાં સવા ઈંચ વરસાદ પડ્યો છે.
આ અગાઉ મંગળવારે દિવસ દરમ્યાન રાજયના 28 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો હતો. જયારે સેટેલાઈટ તસ્વીરના જોતા રાજયમાં ગાંધીધામ , મોરબી તથા સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે. અરબી સમુદ્ર પરથી ચક્રવાતી હવાની સિસ્ટમ સક્રિય છે, જેના પગલે આ વરસાદ થઈ રહ્યો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે , વિસાવદરમાં એક ઈંચ, વલસાડના ધરમપુરમાં 21 મીમી , અંકલેશ્વરમાં 19 મીમી , રાજુલામાં 16 મીમી , પાલીતાણામાં 11 મીમી , ખેરગામમાં 15 મીમી જેટલો વરસાદ થયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજયમાં 21 તાલુકાઓમાં વરસાદ થયો છે. જયારે અમરેલીના બાબરામાં બે ઈંચ જેટલો વરસાદ થયો હતો.
ભાવનગરના પાલીતાણામાં મેઘરાજાની ધમકેદાર એન્ટ્રી થઈ છે. ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સતત પાંચમાં દિવસે વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.
જીવાપુર, ડુંગરપુર, વિરપુર, લુવારવાવ, ઘેટી, આદપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. તેવી જ રીતે અમરેલી જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. અમરેલી જિલ્લાના ખાંભા ગીરના ગ્રામ્યમાં વિસ્તારોમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે. ખાંભાના ભૂંડણી, બારમણ, નાના બારમણ, ત્રાકુડા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ , રાજયમાં 25મી જૂન સુધીમાં હળવાથી મધ્યમ વરસાદ થશે. ખાસ કરીને 23મી જૂન સુધીમાં રાજયમાં ભારે વરસાદનું યલ્લો એલર્ટ જારી કરાયુ છે. જેમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવવા સાથે મીની વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ શકે છે. 25મી જૂન સુધીમાં રાજયમાં ખાસ કરીને વડોદરા, છોટા ઉદેપુર , નર્મદા, ભરૂચ , સુરત , ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી , અમદાવાદ, પંચમહાલ, દાહોદ,સુરેન્દ્રનગર , રાજકોટ , જામનગર, પોરબંદર , જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ , બોટાદ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ થશે.
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ
સુરત શહેર અને જિલ્લામાં આજે તા. 19 જૂનને બુધવારે વહેલી સવારથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે. બારડોલીના સ્ટેશન રોડ, ગાંધીરોડ, શાસ્ત્રી રોડ, બાબેન ગામ અને ધામરોડ વિસ્તારમાં પણ ધીમો વરસાદ શરૂ થયો છે. નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ગણદેવીના આસપાસના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે.
વેધર વોચ ગ્રુપની બેઠક
ચોમાસાના આગમન પૂર્વે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે આજે વેધર વોચ ગૃપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આગામી અઠવાડિયા દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી અંગે ચર્ચા કરવામાં આવી હતી. એન.ડી.આર.એફ.ના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડિપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. સાથે જ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા રિજિયન વાઈઝ સ્ટોરેજની સ્થિતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૦૨ જળાશયો એલર્ટ પર અને ૦૧ જળાશય વોર્નિંગ પર હોવાનું પણ તેમને જણાવ્યું હતું. આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા વિભાગના અધિકારી દ્વારા સરદાર સરોવર સ્ટોરેજ વિશે ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં, ઈસરોના અધિકારી દ્વારા જૂન માસમાં સંભવિત વરસાદની શક્યતાઓ અંગે ફોરકાસ્ટની તેમજ કૃષિ વિભાગના અધિકારી દ્વારા ખરીફ પાકની વિગતો અંગે ચર્ચા કરવામાં આવી હતી.