કર્ણાટક (Karnataka)ના રાજકારણમાં ફરી એકવાર હલચલ મચી ગઈ છે. સોમવારે બી.એસ. યેદિયુરપ્પા (B. S. Yediyurappa)એ કર્ણાટકના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ રાજીનામું (Resignation) આપ્યું પણ એવા દિવસે જ્યારે કર્ણાટકની ભાજપ સરકારે (BJP Government) બે વર્ષ પૂરા કર્યા છે, આવી સ્થિતિમાં હવે ભાજપમાંથી કોણ રાજ્યની કમાન સંભાળે છે તેના પર સૌની નજર છે.
રાજીનામાની જાહેરાત કરતાં બી.એસ. યેદિયુરપ્પાએ કહ્યું કે કર્ણાટકના લોકો માટે હજુ ઘણું કાર્ય કરવાનું છે. જેના માટે આપણે બધાએ સખત મહેનત કરવી જરૂરી છે. યેદિયુરપ્પાએ કહ્યું કે તે હંમેશાં અગ્નિપરીક્ષામાંથી પસાર થયા છે. કર્ણાટકમાં સોમવારે ભાજપ સરકારના બે વર્ષ પૂરા થતાં ઉજવણી કરતા બી.એસ. યેદીયુરપ્પા પણ સવારથી જ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા હતા. બી.એસ. યેદિયુરપ્પાના રાજીનામાની ઘોષણા બાદ દિલ્હીમાં પણ હંગામો મચી ગયો છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કર્ણાટકના પ્રભારી અરુણસિંહ સાથે ચર્ચા કરી છે. માનવામાં આવે છે કે નિરીક્ષકના નામની ઘોષણા ટૂંક સમયમાં થઈ શકે છે, ત્યારબાદ મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે.
દિલ્હીમાં પીએમ મોદી જેપી નડ્ડાને મળ્યા હતા યેદિયુરપ્પા
તમને જણાવી દઈએ કે લાંબા સમયથી કર્ણાટકના રાજકારણ અંગે અનેક અટકળો ચાલી રહી હતી. તાજેતરમાં બી.એસ. યેદિયુરપ્પા નવી દિલ્હી આવ્યા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi), ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા (J P Nadda)ને મળ્યા હતા. જેથી ભાજપના રાજકરણમાં કેટલીક ચર્ચાઓ ચાલી હતી. ત્યારે કહેવામાં આવી રહ્યું હતું કે હવે યેદિયુરપ્પા તેમનું પદ છોડી શકે છે. ત્યારથી જ બી.એસ. યેદિયુરપ્પાના રાજીનામા અંગેની અટકળો તીવ્ર બની હતી, અને ત્યારથી જ વિવિધ કાર્યકરો સાથે સતત લિંગાયત સમુદાયના બી.એસ. યેદિયુરપ્પાની મુલાકાત ચાલુ હતી. આવી સ્થિતિમાં આ બેઠકોને કેન્દ્રીય નેતૃત્વને સંદેશ આપવામાં આવી રહ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જો કે, બાદમાં બી.એસ. યેદિયુરપ્પાએ સ્પષ્ટ કર્યું હતું કે જો કેન્દ્રીય નેતૃત્વ નિર્ણય લેશે તો તેઓ રાજીનામું આપી દેશે. અને હવે એવુ જ કંઈક બન્યું છે, ત્યારે હવે નવા સીએમ માટે ચર્ચાઓએ જોર પકડ્યું છે.
અહીં એ નોંધવું ઘટે કે, 2018 ની વિધાનસભાની ચૂંટણીઓ પછી રાજ્યમાં કોંગ્રેસ-જેડીએસની સરકાર બની હતી, પરંતુ આ સરકાર માત્ર એક વર્ષ ટકી શકી અને પાછળથી ભાજપે કબ્જો મેળવ્યો અને બી.એસ. યેદિયુરપ્પાએ પોતાની સરકાર બનાવી હતી.