કોરોનાના કેસ વધતા યાત્રાધામ અંબાજી મંદિર 7 દિવસ માટે બંધ: ગુજરાતમાં આજે નવી ગાઈડલાઈન જાહેર થશે

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાની (Corona) દૈનિક કેસોમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના વધતા જતાં કેસને પગલે પવિત્ર યાત્રાધામ અંબાજી (Ambaji) ખાતે શ્રદ્ધાળુઓ માટે મંદિર આગામી 7 દિવસ માટે બંધ રાખવામાં આવ્યું છે. તેમજ રાજ્યમાં સરકાર દ્વારા મહામારીને રોકવા કોરોનાનું ટેસ્ટિંગ (corona testing) અને વેક્સિનેશન (vaccination) ઝડપી બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સરકાર દ્વારા નિયંત્રણો પર પણ કડક પગંલા લેવામાં આવી રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાની ગાઈડલાઈનની (corona guidelines) અવધિ પૂર્ણ થઈ રહી છે. તેથી સરકાર દ્વારા કોરોનાની નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી શકે છે. કોરોનાની નવી ગાઈડલાઈનમાં નાઈટ કફર્યૂની (night curfew) સમય મર્યાદામાં વધારો થઈ શકે છે.

15થી 22 જાન્યુઆરી સુધી અંબાજી મંદિર ભાવિક ભક્તો માટે બંધ
કોરોનાના વધતા જતાં કેસને પગલે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે શ્રદ્ધાળુઓ માટે મંદિર 15 થી 22 જાન્યુઆરી-2022 સુધી દર્શન માટે બંધ રાખવામાં આવ્યા છે. અંબાજી મંદિરના દેવસ્થાન ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે વધતા જતા કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી 15 થી 22 જાન્યુઆરી- 2022 સુધી અંબાજી મંદિર ભાવિક ભક્તો માટે બંધ રહેશે.

નાઇટ કર્ફ્યૂ રાત્રે 9થી સવારના 6 વાગ્યે થવાની શક્યતા
રાત્રે 12 વાગ્યા બાદ રાજ્યસરકાર દ્વારા કોરોનાની નવી ગાઇડલાઇન્સ લાગુ કરવામાં આવી શકે છે. ઉલ્લેખીનીય છે કે નવી ગાઇડલાઇન્સમાં જ્યાં કોરોનાના કેસો વધી રહ્યા હોય એવાં શહેરને પણ નાઇટ કર્ફ્યૂમાં સમાવેશ કરવામાં આવી શકે છે. તેની સાથે જ નાઇટ કર્ફ્યૂનો સમય પણ 10થી 6ને બદલે 9થી 6 વાગ્યાનો કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. બીજી લહેર વખતે 2000 કેસ નોંધાતા 4 મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાદી દીધો હતો, જ્યારે ત્રીજી લહેરમાં હવે 10 હજાર જેટલા કેસ આવી રહ્યા હોવાથી નાઇટ કર્ફ્યૂ રાત્રે 9થી સવારના 6 વાગ્યાનો થવાની શક્યતા છે.

કોરોનાની ટેસ્ટિંગમાં વધારો
રાજ્યમાં તહેવાર નિમિત્તે લોરોની અવરજવર વધી હતી, જેના પગલે કોરોનાના કેસોમાં વધારો નોંધાય શકે છે. ઉત્તરાયણને પગલે કોરોના ટેસ્ટિંગ કરાવનારા લોકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે, જેને કારણે 14 જાન્યુઆરીએ 10019 કેસ નોંધાયા હતા, પરંતુ હવે કોરોનાના કેસોમાં મોટો ઉછાળો આવી શકે છે. માત્ર એટલું જ નહીં, જો હવે 14,300થી વધુ કેસ નોંધાશે તો નાઈટ કફર્યૂનો સમય વધારી દેવામાં આવશે.

Most Popular

To Top