તેંડુલકર-એન્ડરસન ટ્રોફીનો પહેલી મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લીડ્સના હેડિંગ્લી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. શુક્રવારે મેચનો પહેલો દિવસ હતો. ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં બે વિકેટે 221 રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલ 100 અને કેપ્ટન શુભમન ગિલ 58 રન બનાવીને અણનમ છે. જયસ્વાલે પોતાની સદી પૂર્ણ કરી છે. આ તેની ટેસ્ટમાં 5મી સદી છે. તેણે ઇંગ્લેન્ડમાં પોતાની પહેલી એતિહાસિક સદી ફટકારી છે.
લંચ બ્રેક પહેલા ભારતે સતત બે ઓવરમાં વિકેટ ગુમાવી દીધી હતી. સાઈ સુદર્શન ડેબ્યૂ મેચમાં પોતાનું ખાતું ખોલી શક્યો ન હતો જ્યારે કેએલ રાહુલ 42 રન બનાવીને આઉટ થયો હતો. બેન સ્ટોક્સ અને બ્રાઇડન કાર્સે વિકેટ લીધી હતી. કાર્સે 91 રનની ઓપનિંગ ભાગીદારી તોડી. ભારતીય ઓપનરો 39 વર્ષ પછી હેડિંગ્લી ક્રિકેટ સ્ટેડિયમમાં પચાસ ભાગીદારી કરવામાં સફળ રહ્યા છે.
યશસ્વી જયસ્વાલે ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણીની શાનદાર શરૂઆત કરી છે. લીડ્સ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી આ શ્રેણીની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયા ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા ઉતરી હતી જેમાં યશસ્વી જયસ્વાલે બીજા સત્રમાં પોતાની ટેસ્ટ કારકિર્દીની પાંચમી સદી પૂર્ણ કરી હતી. ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટમાં આ જયસ્વાલની ત્રીજી સદી છે. જયસ્વાલે પોતાની સદીના આધારે ઘણા નવા રેકોર્ડ પણ બનાવ્યા છે.
જયસ્વાલના નામે આ અનોખો રેકોર્ડ નોંધાયો
યશસ્વી જયસ્વાલના નામે ટેસ્ટ ક્રિકેટમાં એક અનોખો રેકોર્ડ નોંધાયો છે જેમાં તે ભારતીય ક્રિકેટનો પહેલો ખેલાડી છે જેણે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ બંનેમાં પોતાની પહેલી ટેસ્ટ મેચ રમતી વખતે સદી ફટકારી છે. યશસ્વી જયસ્વાલ વિશ્વ ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનાર પાંચમો ખેલાડી છે. આ ઉપરાંત યશસ્વી જયસ્વાલ ભારત તરફથી બીજા સૌથી યુવા બેટ્સમેન બન્યા છે જેમણે સદીની ઇનિંગ્સ રમી છે. જયસ્વાલ 23 વર્ષ અને 174 દિવસની ઉંમરે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટમાં સદી ફટકારવામાં સફળ રહ્યા છે.
ઇંગ્લેન્ડ: બેન સ્ટોક્સ (કેપ્ટન), જેક ક્રોલે, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાઇડન કાર્સ, જોશ ટંગ અને શોએબ બશીર.
ભારત: શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, ઋષભ પંત (વિકેટકીપર), કરુણ નાયર, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા.
