લોકપ્રિય ફિલ્મસ્ટાર્સનાં પત્નીનું જીવન સહેલું નથી હોતું. રાજકપૂરનાં પત્ની કૃષ્ણાજી યા ધર્મેન્દ્રનાં પત્ની પ્રકાશ કૌર યા જિતેન્દ્રના પત્ની શોભા જેવા અનેકની મનોદશા આપણે જાણતા નથી. એ જ રીતે સફળ ફિલ્મ નિર્માતા – દિગ્દર્શકની પત્નીને પણ આપણે બહુ ઓછા જાણતા હોઇએ છીએ. ગુરુદત્તનાં પત્ની તરીકે ગીતા દત્તનું જીવવું હરામ થઇ ગયેલું પણ એવા તો ઘણા છે. પત્ની જો સ્વસ્થ ન રહે અને કુટુંબ ન સંભાળે તો આખર નિર્માતા – દિગ્દર્શક પતિની કારકિર્દી જ બગડવા માંડે. રમેશ સીપ્પી, પ્રકાશ મહેરા, બોની કપૂર પરણેલા હતા અને પોતાની અભિનેત્રી સાથે પ્રેમમાં પડી પરણી ગયેલા.
હમણાં યશરાજ ચોપરાનાં પત્ની પામેલા ચોપરાનું ૨૦મી એપ્રિલે અવસાન થયું. તેઓ યશજીના ખરા અર્થનાં સાથી હતાં. જો કે તેમણે ય કબૂલ્યું હતું કે યશજી તેમની દરેક ફિલ્મની હીરોઇનને ખૂબ સાચવતા તે એમને ગમતું ન હતું. ‘આદમી ઔર ઇન્સાન’ વખતે યશજી મુમતાઝના પ્રેમમાં પડેલા. આ વિશે યશજી અને પામેલાજીના સમાન પરિચિત રોમેશ શર્માએ પામેલાજીને સમજાવેલું કે એવું કાંઇ નથી, તેઓ તો ફકત મિત્રો જ છે. પામેલાજીએ એ સાંભળી તો લીધું પણ મનોમન કહેલું મને ખબર છે તમે ખોટું કહો છો. બેઉ વચ્ચે પ્રેમ છે. તેની મને ખબર છે.
અલબત્ત આ પ્રેમસંબંધ યશ પામેલા લગ્નપૂર્વેનો જ હતો. પામેલા સાથે યશજીના એરેંજડ મેરેજ હતા. ૧૯૫૯ માં ‘ધૂલકા ફૂલ’. ૧૯૬૧ માં ‘ધર્મપુત્ર’ ૧૯૬૫ માં ‘વકત’ અને ૧૯૬૯ માં ‘આદમી ઔર ઇન્સાન’ અને ‘ઇત્તેફાક’નું દિગ્દર્શન કરી ચૂકેલા યશજી ૧૯૭૦ માં પામેલાને પરણેલા. પામેલાના પિતાજી ભારતીય લશ્કરમાં એક અધિકારી હતા અને રોમેશ શર્મા (‘હમ’ ફિલ્મના નિર્માતા)ના મમ્મીએ યશજી માટે પામેલા યોગ્ય રહેશે એવી વાત બી.આર. ચોપરાના પત્નીને કરેલી અને પછી લગ્ન નકકી થયેલા. પામેલા પંજાબી લોકગીતો ખૂબ સરસ ગાતાં હતાં અને યશજીએ લગ્નપૂર્વે તેમને સાંભળેલા પણ ખરા.
આ પામેલા ચોપરાને ફિલ્મ સાથે જો હોય તો એટલો જ સંબંધ હતો કે તેમના ફોઇની દીકરી સીમા ગરેવાલ હતા જે ફિલ્મોમાં કામ કરતાં હતાં. પામેલા તો બ્રિટિશ એરવેઝમાં કામ કરતાં હતાં અને યશ ચોપરા નહીં બલકે રાજ કપૂરના ચાહક હતાં પણ લગ્ન પછી તેઓ યશજીની દરેક ફિલ્મ સાથે જોડાયાં અને કહેતાં કે મને તેમની દરેક ફિલ્મો ગમી છે. પામેલા ચોપરા ગાયિકા તો હતાં જ અને તેમણે ફિલ્મો માટે ગાયું પરંતુ ફકત ને ફકત યશજીની ફિલ્મો માટે જ ગાયું. ‘કભી કભી’ માં ‘સુર્ખ જોડે કી યે ઝગમગાહટ’ ગીત છે તેમાં ‘સાદ્દા ચિડીયા કા ચંબા વે’ પંકિતઓ પામેલાજીએ ગાયેલી છે. ‘દૂસરા આદમી’માં દેવેન વર્મા સાથે ‘અંગના આયેંગે સાંવરીયા’ ગાયું છે.
‘ત્રિશૂલ’, ‘નૂરી’, ‘કાલા પથ્થર’ માં ય તેમનો સ્વર છે અને ‘સિલસિલા’માં ‘ખુદ સે જો વાદા કિયા થા વો નિભાયા ન ગયા’ તેમનું જ ગાયેલું છે. ‘બાજાર’માં ‘ચલે આઓ સૈયાં’ યા ‘ચાંદની’નું ‘મેં સસુરાલ નહીં જાઉંગી’, ‘આઇના’નું ‘બન્નો કી આયેગી બારાત’ તેમના એકલગીત છે. બાકી આ સિવાય ‘સવાલ’, ‘લોરી’, ‘ફાસલે’, ‘લમ્હે’, ‘ડર’ અને ‘દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે’નું ‘ઘર આજા પરદેશી’ તેમણે મનપ્રીત કૌર સાથે ગાયેલું. પામેલાજીએ લગ્નના શરૂઆતના વર્ષોમાં જ નકકી કરેલું કે મારે પણ ફિલ્મના કામમાં સક્રિય રહેવું જોઇએ.
યશજીને પણ આ વાત પસંદ હતી અને આ સક્રિયતા એટલી વધી કે ‘કભી કભી’ની વાર્તા પામેલા ચોપરાની હતી. ‘સિલસિલા’ અને ‘સવાલ’ના ડ્રેસ ડિઝાઇનર તેઓ હતા. ‘દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે’, ‘મહોબ્બતે’, ‘મુઝસે દોસ્તી કરોગે’, ‘મેરે યાર કી શાદી હે’ અને ‘વીરઝારા’ના એસોસિએટ પ્રોડયુસર પામેલાજી હતાં અને તેમણે સ્વતંત્ર નિર્માતા તરીકે ‘આઇના’ પણ બનાવી હતી. યશજી સાથે તેમનું પ્રસન્ન લગ્નજીવન હતું અને તેઓ કહેતા કે મારી સાથેના લગ્ન પહેલાં તેઓ સેટ પર બહુ ગુસ્સે રહેતા પણ લગ્ન પછી આ સ્વભાવ નરમ બની ગયેલો.
તેઓ એમ પણ કહેતાં કે રોમેન્ટિક ફિલ્મો બનાવનાર યશજી અંગત જિંદગીમાં બહુ વ્યવહારુ હતા. યશ ચોપરા ૨૧ ઓકટોબર, ૨૦૧૨ માં મૃત્યુ પામ્યા પછી ૧૩ વર્ષ તેમણે તેમના વિના વિતાવ્યા છે. અલબત્ત, દીકરા આદિત્ય અને ઉદય ચોપરા સાથે તેઓ સરસ જીવ્યા અને આદિત્ય જયારે બીજી પત્ની તરીકે રાની મુખરજીને પરણ્યો તો રાની સાથે પણ સરસ સંબંધ હતા. યશ-પામેલા પરણ્યા પછી જ યશજી તેમના મોટાભાઇ બી.આર. ચોપરાથી અલગ થયા અને ‘દાગ’થી શરૂઆત કરી. ઘણા માનતા કે બંને ભાઇ અલગ થયા તેમાં પામેલા કારણભૂત હતા પણ હકીકત એ હતી કે યશજીને જ થતું હતું કે હવે મારે સ્વતંત્ર રીતે ફિલ્મો બનાવવી છે. ખેર! ૧૫ દિવસ લીલાવતી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રહ્યા પછી ગયા મંગળવારે પામેલા યશ ચોપરા ૮૫મા વર્ષે વિદાય પામ્યાં છે. અનેક સ્મૃતિઓ સંઘરેલા પામેલા ખુદ સ્મરણીય છે.