Entertainment

શાહરૂખની ફિલ્મ પઠાણના નિર્માતાની માતાનું નિધન થયું, રાની મુખર્જી સાથે હતો ખાસ સંબંધ

મુંબઈ: બોલિવૂડમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. શાહરૂખની (ShahRukh Khan) ફિલ્મ પઠાણના (Pathan) નિર્માતા યશરાજ (YRF) બેનરના આદિત્ય ચોપરાની માતા અને ભારતીય સિનેમાના દિગ્ગજ દિવંગત દિગ્દર્શક યશ ચોપરાની પત્ની પામેલા ચોપરાનું નિધન (Pamela Chopra Death) થયું છે. પામેલા ચોપરાએ 74 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પામેલા ચોપરાના નિધનથી સમગ્ર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને મોટો આંચકો લાગ્યો છે.

ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટાએ પામેલા ચોપરાના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે પામેલા ચોપરાનું આજે સવારે નિધન થયું છે. પામેલા ચાપરા આદિત્ય ચોપરા અને ઉદય ચોપરાની માતા અને રાની મુખર્જીના (Rani Mukharji) સાસુ હતા. પામેલા ચોપરાએ 1970માં પરંપરાગત રીતિ-રિવાજો અનુસાર યશ ચોપરા સાથે લગ્ન કર્યા હતા. બંનેએ એરેન્જ મેરેજ કર્યા હતા. પતિ યશ ચોપરાના મૃત્યુના લગભગ 11 વર્ષ બાદ હવે પામેલા ચોપરાએ પણ આ દુનિયા છોડી દીધી છે.

પુત્રવધુ રાની મુખર્જી સાથે ખાસ બોન્ડીંગ હતું
અભિનેત્રી સિમી ગરેવાલ પામેલાની કઝીન છે. પામેલા ચોપરા ખુશમિજાજ વ્યક્તિત્વ ધરાવતા હતા. તેઓ સંબંધો ખૂબ જ સારી રીતે નિભાવી જાણતા હતા. તેઓ યશરાજ બેનરમાં પાવર લેડી તરીકે ઓળખાતા હતા. પામેલા ચોપરાનું પુત્રવધુ રાની મુખર્જી સાથે ખાસ સંબંધ હતો. મોટા દીકરા આદિત્યની બીજી પત્ની રાની અને પૌત્રી આદિરા પર તેઓ વિશેષ હેત વરસાવતા હતા. છેલ્લે રાની મુખર્જીએ સાસુ પામેલા ચોપરાનો 70મો બર્થ ડે ધામધૂમથી ઉજવ્યો હતો. રાની મુખર્જી વિશે પામેલાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે ડાઉન ટુ અર્થ છે. તે બીજાનું ઘણું સમ્માન કરે છે. તેથી જ અમારી વચ્ચે સારું બોન્ડીંગ છે.

પામેલા ચોપરા ગાયક-લેખક-નિર્માતા અને પ્લેબેક સિંગર પણ હતા
પામેલા ચોપરા એક પ્લેબેક સિંગર હતા. તેઓ એક ફિલ્મ લેખક અને નિર્માતા પણ હતા. પામેલા ચોપરાએ સિનેમાની દુનિયામાં ઘણું યોગદાન આપ્યું છે. તેઓ યશ ચોપરાની ઘણી ફિલ્મોના સંગીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પામેલા ચોપરાએ ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા છે. પરંતુ તેમણે તમામ ગીતો તેમના પતિની ફિલ્મો માટે જ ગાયા છે. 1993ની ફિલ્મ આયના પામેલા ચોપરા દ્વારા બનાવવામાં આવી હતી. પામેલાએ તેમના પતિ યશ ચોપરા, પુત્ર આદિત્ય ચોપરા અને વ્યાવસાયિક લેખિકા તનુજા ચંદ્રા સાથે 1997ની હિટ ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ની સ્ક્રિપ્ટ પણ લખી હતી. પામેલા ધ રોમેન્ટિક્સમાં જોવા મળ્યા હતા.

છેલ્લે ધ રોમેન્ટીક્સ ડોક્યુમેન્ટ્રીમાં દેખાયા હતા
74 વર્ષીય પામેલા ચોપરા છેલ્લી વખત યશ રાજની ડોક્યુમેન્ટ્રી સિરીઝ ધ રોમેન્ટિક્સમાં જોવા મળ્યા હતા. આ સિરીઝમાં તેમણે તેમના પતિ યશ રાજની સફર અને YRFના વારસા પર ઘણી વાતો કરી હતી. પામેલા ચોપરાના અવસાનથી તેમના સમગ્ર પરિવારને ઘેરો આઘાત લાગ્યો છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પણ શોકમાં સરી પડ્યો છે.

Most Popular

To Top