યાર્ન ઉત્પાદકોના દબાણથી સરકારે નાયલોન સ્ટેપલ અને પોલીસ્ટર યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડયુટી નાખતાં યાર્નની ક્વોલિટી મુજબ ભાવમાં કીલોએ 50 રૂપિયા કરતાં વધુનો વધારો થયો છે. આ ભાવવધારાએ વિવર્સની કમ્મર તોડી નાખી છે. મશીનો ચલાવવા જો વધેલા ભાવે યાર્ન ખરીદવામાં આવે તો કાપડના ભાવમાં કવોલિટી મુજબ 2 થી 5 રૂપિયા જેટલો ભાવવધારો થાય છે. કાપડ મોંઘું થતાં હાલ વેપારીઓએ નવી ખરીદી અટકાવી છે.
કોરોના વાઈરસને કારણે લૉકડાઉન હોવાથી તમામ ધંધા રોજગાર બંધ હતા. તમામ લોકો આર્થિક રીતે તકલીફમાં છે. હાલ જેમ તેમ ધંધો ચાલુ થયૉ હતો. આવા કપરા સમયે યાર્નનો આવા ધરખમ ભાવવધારાને કારણે વિવર્સ ખૂબ જ મુશ્કેલીમાં આવી ગયા છે. જો મોંઘા ભાવે યાર્ન ખરીદી કાપડ બનાવે અને ભાવ વધારાને કારણે કાપડનો યોગ્ય ભાવ ન મળે તો ખોટ ખાવાનો વખત આવે.
ખેતી પછી ભારતના અંદાજે 20 ટકા લોકોને રોજગારી કાપડ ઉદ્યોગ થકી મળે છે. જો કાપડ ઉદ્યોગને ટકાવવો હોય તો યાર્નનો ભાવવધારો કાબૂમાં લાવવા માટે તાકીદે પગલાં લેવાં જરૂરી છે અને જે પણ સીન્ડીકેટ બનાવી યાર્નના ભાવવધારા માટે જવાબદાર હોય તેવા લોકો પર લગામ લગાવી નફાખોરી કાબૂમાં લાવવા સખત પગલાં લેવાં જરૂરી છે અને યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડયુટી પર સરકારે પૂર્ણ વિચાર કરી વિવર્સને પોષણ ભાવે યાર્ન મળી રહે તેવી વ્યવસ્થા કરવી પણ એટલી જ જરૂરી છે.
સુરત વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.