Columns

યાદ રાખવા જેવી ચાર વાત

એક બૌદ્ધ ધર્મના આશ્રમમાં આજુબાજુથી પર્યટકો આવ્યા. આશ્રમમાં બૌદ્ધ ભિક્ષુઓ રહેતા હતા અને ભગવાન બુધ્ધના ઉપદેશનું પાલન કરતા હતા. બૌદ્ધ ધર્મના પુસ્તકનું અધ્યયન કરતા હતા. આશ્રમના બોધિસત્વએ બધા પર્યટકોને આવકાર આપ્યો અને બૌદ્ધ ધર્મ વિષે, બુધ્ધ ભગવાન વિષે, તેમના સાહિત્ય વિષે ટૂંકમાં સમજ આપી. પર્યટકોને આશ્રમની શાંતિ ખૂબ ગમી. થોડો વખત આશ્રમમાં ફરી, બધા વિભાગોની મુલાકાત બાદ પર્યટકોએ બોધિસત્વને કહ્યું, ‘અમે જઈએ છીએ પણ જતા પહેલા આપ મહાજ્ઞાની છો, અમને કોઈ હંમેશા યાદ રહે અને જીવનમાં ઉપયોગી થાય તેવો કોઈ ઉપદેશ આપો.’

બોધિસત્વ બોલ્યા, ‘હું તમને કોઈ લાંબો લચક અને અઘરો ઉપદેશ આપવા માંગતો નથી. હું તમને માત્ર 4 એવી વાત કહીશ જે તમે હંમેશા યાદ રાખજો. જો આ વાતો યાદ રાખીને જીવનમાં આગળ વધશો તો જીવનમાં કોઈ ફરિયાદ નહીં રહે.’ પર્યટકો 4 વાતો જાણવા આતુર બન્યા. બોધિસત્વએ કહ્યું, ‘યાદ રાખવા જેવી 4 વાતોમાંથી પહેલી વાત છે – ભૂતકાળ ક્યારેય બદલી શકાતો નથી. ભૂતકાળ પર પસ્તાવો કરવો નહિ. ભૂતકાળ પર વિચાર કરી સમય વ્યય કરવો નહિ. ભૂતકાળની ભૂલોને ભૂલી જવી, સારો હોય કે ખરાબ ભૂતકાળણે યાદ કરી તેમાં જીવવું નહિ. ભૂતકાળમાંથી શીખીને આગળ વધવું. ગઈકાલને ભૂલી જઈને આજમાં જીવવું તો આવતીકાલ બદલી શકાશે.’

આગળ બીજી વાત કરતા બોધિસત્વએ કહ્યું, ‘યાદ રાખવા જેવી બીજી વાત છે – ખુશીઓનો ખજાનો તમારી અંદર જ છુપાયેલો છે. કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ પર તમારી પોતાની ખુશી આધારિત નથી. ખુશ તમારે જાતે જ રહેવું પડશે. ખુશી તમારા મનની એક એવી અવસ્થા છે, જે તમે પોતે જ પામી શકો છો. ખુશી શોધવા માટે બહાર ફાંફાં મારવાની જરૂર નથી. તે તમારી અંદર જ છુપાયેલી છે. જીવનમાં દરેક પરિસ્થિતિનો મનથી સ્વીકાર કરી લેશો તો ખુશ રહી શકશો.’

બોધિસત્વ બધાને સમજ પડે તે રીતે સરળતાથી સમજાવી રહ્યા હતા. તેઓ આગળ બોલ્યા, ‘યાદ રાખવા જેવી ત્રીજી બહુ જ મહત્વની વાત છે – દયા અને કરુણા રાખવી અને આ દયા અને કરુણા રાખવાનો કોઈ જ ખર્ચ થતો નથી. પ્રાણીમાત્ર પર પ્રેમ રાખો. જીવમાત્ર પર દયા રાખો. જે પણ કરી શકો તમારાથી બનતી મદદ જરૂર કરો. હવે વાત કરીએ ચોથી યાદ રાખવા જેવી વાતની તે છે – ક્યારેય મેદાન છોડવું નહિ અને નિરાશ થવું નહિ. જીવનમાં તમે ત્યારે જ હારો છો, જ્યારે તમે પ્રયત્નો કરવાનું છોડી દો છો.’ બોધિસત્વએ જીવનભર યાદ રાખવા જેવી 4 વાતો સમજાવી પર્યટકોને અમૂલ્ય ઉપદેશ આપ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top