નવી દિલ્હી: એલોન મસ્કએ (Elon Musk) X પ્લેટફોર્મને લઈને મોટી જાહેરાત કરી છે. હવે X યુઝર્સને મફતમાં બ્લુ ટીક મળશે. જો કે, તે માટે યુઝર્સે કેટલીક શરતો પુરી કરવી પડશે.
ગયા વર્ષે એલોન મસ્કે ટ્વીટરનું નામ બદલી એક્સ રાખ્યું હતું. ત્યાર બાદ બ્લુ ટીકની (Blue Tick) સર્વિસ પેઈડ કરી હતી. બ્લુ ટીક માટે યુઝર્સે દર મહિને મોટી રકમ ખર્ચવી પડી રહી છે. એક્સના પ્રીમિયમ પ્લાનની કિંમત માસિક રૂ. 650 છે અને વાર્ષિક પ્લાનની કિંમત રૂ. 6800 છે. જોકે, હવે યુઝર્સને બ્લુ ટીકની સર્વિસ ફ્રીમાં મળી શકે છે.
એલોન મસ્કે એક્સ એકાઉન્ટ હોલ્ડર્સ માટે એક મોટી જાહેરાત કરી છે. મસ્કે પોતાના એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ કરી કહ્યું છે કે, જે એક્સ એકાઉન્ટ હોલ્ડર્સના 2500 વેરિફાઈડ સબ્સ્ક્રાઈબ ફોલોઅર હશે તેઓને પ્રીમિયમ ફિચર્સનો લાભ ફ્રીમાં મળશે. આ પ્લાન હેઠળ યુઝર્સને અનેક યુઝફુલ ફીચર્સ, વધુ પહોંચ અને બ્લુ ટીકનો લાભ મળશે.
એક્સના અલગ અલગ પ્લાન વિશે વાત કરીએ તો X પ્રીમિયમ અને X પ્રીમિયમ પ્લસ બે પેઇડ પ્લાન છે. X પ્રીમિયમની કિંમત માસિક રૂ. 650 છે અને વાર્ષિક પ્લાન રૂ. 6800 છે. જ્યારે X પ્રીમિયમ પ્લસની કિંમત માસિક રૂ. 1300 અને એક વર્ષના પ્લાનની કિંમત રૂ. 13,600 છે. જો કે, તમે ઈલોન મસ્કની ઉપર જણાવેલ શરતોને પૂર્ણ કરીને આ પ્લાનનો મફતમાં ઉપયોગ કરી શકો છો.
X પ્રીમિયમના ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં 50% ઓછી જાહેરાતો જોવા મળશે. પોસ્ટને એડિટ કરો, લાંબી પોસ્ટ કરો, પોસ્ટને અન્ડુ કરો અને વીડિયોની મોટી પોસ્ટ કરી શકાય છે. આમાં બ્લુ ટીક પણ મળશે. તેમાં ઘણા કસ્ટમાઇઝેશન ફીચર્સ ઉપલબ્ધ છે.