Sports

મહિલા રેસલર્સની ફરિયાદ પર FIR કેમ ન નોંધાય? સુપ્રીમ કોર્ટેની દિલ્હી પોલીસને નોટિસ, શુક્રવારે સુનાવણી

નવી દિલ્હી: દિલ્હીના (Delhi) જંતર-મંતર ખાતે મહિલા કુસ્તીબાજોએ (Wrestlers) મંગળવારે પણ ધરણા (Strike) ચાલુ રાખ્યા હતા. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે 7 મહિલા કુસ્તીબાજોની અરજી પર સુનાવણી કરવા સંમતિ દર્શાવી છે. તેમજ આ કેસમાં દિલ્હી પોલીસને (Delhi Police) પણ નોટિસ ફટકારી છે. સુપ્રિમ કોર્ટનું કહેવું છે કે કુસ્તીબાજોની FIR નોંધવા ન બદલ દિલ્હી પોલીસને નોટિસ આપવામાં આવી છે. જણાવી દઈએ કે છેલ્લાં કેટલાય દિવસોથી કેટલાક કુસ્તીબાજો જંતર-મંતર પર WFI ચીફ બ્રિજ ભૂષણ શરણ સિંહનો વિરોધ નોંધાવી રહ્યા છે. આ રેસલર્સે સોમવારે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. કુસ્તીબાજ વિનેશ ફોગટ અને અન્ય 6 મહિલા કુસ્તીબાજોએ અરજી દાખલ કરીને રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ FIR દાખલ કરવાની માંગ કરી છે.

કુસ્તીબાજોએ કહ્યું કે તેઓએ 21 એપ્રિલે કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી, પરંતુ તેના આધારે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. કુસ્તીબાજો વતી એડવોકેટ કપિલ સિબ્બલે CJI DY ચંદ્રચુડને કહ્યું કે કુસ્તીબાજો વિરોધ કરી રહ્યા છે, 7 મહિલા રેસલર્સે ફરિયાદ કરી છે. સિબ્બલે કોર્ટને કહ્યું કે આ મામલે કોઈ FIR નોંધવામાં આવી નથી. તેના પર કોર્ટે કહ્યું કે અમે શુક્રવારે આ કેસ અંગે સુનાવણી કરીશું. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે 7 મહિલા ફરિયાદીઓના નામ ન્યાયિક રેકોર્ડમાંથી હટાવવાનું કહ્યું, જેથી તેમની ઓળખ જાહેર ન થાય. દિલ્હી પોલીસે આ અંગે ફરિયાદ ન કરવા બદલ SCએ આ કેસને ગંભીર ગણાવ્યો અને દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ જાહેર કરીને જવાબ માગ્યો છે.

શું છે મામલો?
બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક સહિત ઘણા કુસ્તીબાજો રેસલિંગ ફેડરેશનના પ્રમુખ સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. રેસલર્સનો આરોપ છે કે મહિલા રેસલર્સનું યૌન શોષણ થાય છે. આ સાથે ફેડરેશનના પ્રમુખ પર પણ તાનાશાહી અને મનમાનીનો આરોપ લગાવવામાં આવ્યો છે. જંતર-મંતર પર આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં વિનેશ ફોગટે કહ્યું કે તેના સહિત ઘણા કુસ્તીબાજો માનસિક ત્રાસનો સામનો કરી રહ્યા છે. બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ફરિયાદ પર કાર્યવાહી ન કરવા પર, કુસ્તીબાજ રવિવારે ફરી એકવાર જંતર-મંતર પર એકઠા થયા અને પત્રકાર પરિષદ યોજીને પોતાના આરોપોને પુનરોચ્ચાર કર્યો હતો. આ પહેલા પણ જાન્યુઆરી 2023માં બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ, સાક્ષી મલિકની સાથે ઘણા કુસ્તીબાજો જંતર-મંતર પર એકઠા થયા હતા અને પોતાની વાત રાખી હતી. જોકે, રમત મંત્રાલયના હસ્તક્ષેપ બાદ કુસ્તીબાજોએ તેમનું પ્રદર્શન પાછું ખેંચી લીધું હતું.

Most Popular

To Top