નવી દિલ્હી: લંડન ઓલિમ્પિક્સના (London olympics) બ્રોન્ઝ મેડલિસ્ટ યોગેશ્વર દત્તે (Yogeshwar dutt) શુક્રવારે એશિયન ગેમ્સ (Asian games) અને વર્લ્ડ ચેમ્પિયનશિપ (World Championship) માટે છ રેસલર્સને (Wrestlers) ટ્રાયલમાંથી મુક્તિ આપવા બદલ ભારતીય ઓલિમ્પિક્સ એસોસિએશન (આઇઓએ)ની એડ-હોક પેનલ પર પ્રહારો કરીને સવાલ કર્યો હતો કે કયા આધારે આ નિર્ણય લેવાયો છે.
- માત્ર છ રેસલર્સને ટ્રાયલ્સમાંથી મુક્તિ આપવા માટે એડહોક પેનલે કયા માપદંડનં પાલન કર્યું તે સમજાતું નથી : યોગેશ્વર દત્ત
- યોગેશ્વર દત્તને બ્રિજ ભૂષણના તળિયા ચાટનારા તરીકે હંમેશા યાદ રાખશે: વિનેશ ફોગાટ
પેનલે 16 જૂનના રોજ વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા, તેની પત્ની સંગીતા ફોગાટ, સાક્ષી મલિક, તેના પતિ સત્યવર્ત કાદિયાન અને જિતેન્દ્ર કિન્હાને જાણ કરી હતી કે તેમણે ભારતીય ટીમમાં સ્થાન માટે પોતપોતાની કેટેગરીઓમાં ટ્રાયલના વિજેતાઓ સાથે સ્પર્ધા કરવી પડશે. ભાજપના નેતા યોગેશ્વરે કહ્યું હતું કે ભૂપેન્દ્ર સિંહ બાજવાના નેતૃત્વ હેઠળની સમિતિએ આવું પગલું ભરીને દેશના જુનિયર રેસલર્સ સાથે અન્યાય કર્યો છે. તેણે ટ્વિટર પર પોસ્ટ કરેલા વિડિયોમાં કહ્યું હતું કે મને સમજાતું નથી કે તમામ છ રેસલર્સની ટ્રાયલ અંગે નિર્ણય લેવામાં એડહોક પેનલે કયા માપદંડોનું પાલન કર્યું છે. તેણે એવું પણ કહ્યું હતું કે જો પેનલે ટ્રાયલ માટે છૂટ આપવી હોય તો અન્ય ઘણા લાયક ઉમેદવારો હતા. જેમ કે ઓલિમ્પિક્સ સિલ્વર મેડલિસ્ટ અને કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટરવિ દહિયા, કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ દીપક પુનિયા, વર્લ્ડ ચેમ્પિયનશિપ સિલ્વર મેડલિસ્ટ અંશુ મલિક અને સોનમ મલિકને કેમ છૂટ ન અપાઇ.
યોગેશ્વર દત્તને બ્રિજ ભૂષણના તળિયા ચાટનારા તરીકે હંમેશા યાદ રાખશે: વિનેશ ફોગાટ
ટોચની ભારતીય રેસલર વિનેશ ફોગાટે શુક્રવારે કહ્યું હતું કે રેસલિંગ વર્લ્ડ યોગેશ્વર દત્તને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઇ)ના વિદાય લેનારા પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહના ‘પૂંછડા’ તરીકે યાદ કરશે. વિનેશની આ પ્રતિક્રિયા યોગેશ્વર દત્તે એશિયન ગેમ્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાંથી વિનેશ સહિતના છ રેસલર્સને અપાયેલી છૂટ પર સવાલ ઉઠાવ્યા પછી આવી હતી. વિનેશે ટ્વિટર પર લખ્યું હતું કે રેસલિંગ જગત તેમને બ્રિજ ભૂષણના તળિયા ચાટનારા તરીકે હંમેશા યાદ રાખશે. મહિલા રેસલર્સને તોડવા માટે આટલું જોર ન લગાવો તેમના ઈરાદા ખૂબ જ મજબૂત છે. તમે બ્રિજભૂષણના પગમાં કરોડરજ્જુ મૂકી દીધી છે. તમે ખૂબ જ સંવેદનહીન વ્યક્તિ છો. જુલમીની તરફેણમાં ઊભા રહીને તમે તેની ખુશામત કરો છો.