નવી દિલ્હી: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના (Wrestling federation of india) ભૂતપૂર્વ ચીફ બ્રિજ ભૂષણ સિંહ સામે શરૂ થયેલું કુસ્તીબાજોનું (Wrestlers) પ્રદર્શન દરરોજ નવા વળાંક લઈ રહ્યું છે. શનિવારે કુસ્તીબાજ સાક્ષી મલિક (Sakshi malik) અને તેના પતિ સત્યવ્રત કડિયાએ એક વીડિયો (Video) જાહેર કર્યો હતો. જેમાં આરોપ લગાવ્યો હતો કે આંદોલનની પરવાનગી ભાજપના બે નેતાઓ દ્વારા આપવામાં આવી હતી.
આ અંગે સાક્ષી મલિકે એક પત્ર બતાવ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે ભાજપના (BJP) નેતાઓ તીર્થ રાણા અને બબીતા ફોગાટે તેમને ધરણા પર બેસવાનું કહ્યું હતું. આના જવાબમાં બબીતા ફોગાટે (Babita phogat) ટ્વીટ કર્યું – મિત્ર એવી વાત ન બોલો કે પછી તમારે તેને છુપાવવી પડશે.
પરમિશન પેપર પર મારી સહીના કોઇ પુરાવા નથી: બબીતા
સાક્ષી મલિકના વીડિયોનો જવાબ આપતા બબીતાએ ટ્વિટ કર્યું કે એક કહેવત છે કે તમારા કપાળ પર જીવનભર કલંકનું નિશાન પડી જશે, એવું ન બોલો મિત્ર કે કહ્યા પછી વાત છુપાવવી પડે. તેમણે વધુમાં કહ્યુ કે ગઈકાલે જ્યારે હું મારી નાની બહેન અને તેના પતિનો વિડિયો જોઈ રહી હતી ત્યારે મને ખૂબ જ દુઃખ થયું અને હસવું પણ આવ્યું, સૌ પ્રથમ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે નાની બહેન જે પરમિશન પેપર બતાવી રહી હતી તેના પર મારી સહી ક્યાંય નથી. મારી સંમતિનો કોઈ પુરાવો નથી અને તેને મારી સાથે દૂર દૂર સુધી પણ કોઈ લેવાદેવા નથી.
અમારી લડાઈ સરકાર સાથે નથીઃ સાક્ષી
સાક્ષી મલિકે પોતાના વીડિયોમાં કહ્યું હતું કે રેસલિંગ સાથે જોડાયેલા લોકો જાણે છે કે છેલ્લા 10-12 વર્ષમાં મહિલાઓની છેડતી અને સતામણી કરવામાં આવી છે. જો કોઈ એકલા હાથે અવાજ ઉઠાવવાનું વિચારે તો પણ મામલો ફેડરેશન સુધી પહોંચી જાય એમ છે. આ કારણથી તે વ્યક્તિની કારકિર્દીમાં મુશ્કેલીઓ શરૂ થઈ જાય છે. અમારી લડાઈ કોઈ સરકાર સાથે નથી. આંદોલન ચાલુ છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ ચાલુ રહેશે. અમને નબળા કરવા માટે ફેક ન્યૂઝ ચલાવવામાં આવી રહ્યા છે.
તમને કોંગ્રેસમાં વિશ્વાસ હતો – બબીતા
સાક્ષી મલિકને વળતો જવાબ આપતા બબીતાએ કહ્યું- હું પહેલા દિવસથી કહી રહી છું કે વડાપ્રધાન અને દેશની ન્યાયિક વ્યવસ્થામાં વિશ્વાસ રાખો, સત્ય ચોક્કસ બહાર આવશે. મહિલા ખેલાડી હોવાથી હું હંમેશા દેશના તમામ ખેલાડીઓની સાથે હતી, સાથે છું અને હંમેશા સાથે રહીશ, પરંતુ વિરોધની શરૂઆતથી જ હું આના પક્ષમાં નહોતી. મેં તમામ કુસ્તીબાજોને વારંવાર કહ્યું છે કે તમે વડા પ્રધાન અથવા ગૃહ પ્રધાનને મળો, ત્યાંથી જ ઉકેલ આવશે, પરંતુ તમે દીપેન્દ્ર હુડ્ડા, કોંગ્રેસ અને પ્રિયંકા ગાંધી અને તેમની સાથે આવતા લોકો દ્વારા ઉકેલ જોઈ રહ્યા હતા, જેઓ પોતે જ દોષિત છે. પરંતુ દેશની જનતા હવે આ વિરોધના ચહેરાઓને ઓળખી ગઈ છે.