મુંબઇ : આજે અહીં રમાયેલી મહિલા પ્રીમીયર લીગની (WPL) ડબલ હેડરની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સે (DC) બોલિંગ અને બેટીંગ બંનેમાં ઓલરાઉન્ડ પ્રદર્શન કરીને મુંબઇ ઇન્ડિયન્સને (MI) 9 વિકેટે પરાસ્ત કર્યું હતું. દિલ્હી કેપિટલ્સના બોલરોએ પહેલા મુંબઇ ઇન્ડિયન્સને 8 વિકેટે 109 રન સુધી સિમિત રાખ્યું હતું અને તે પછી માત્ર એક વિકેટ ગુમાવીને 9 ઓવરમાં જ 110 રન બનાવીને મેચ 9 વિકેટે જીતી લીધી હતી.
110 રનનો લક્ષ્યાંક કબજે કરવા મેદાને ઉતરેલી દિલ્હી કેપિટલ્સને શેફાલી વર્મા અને મેગ લેનિંગની ઓપનીંગ જોડીએ જોરદાર શરૂઆત અપાવી હતી. પાંચમી ઓવરના ત્રીજા બોલે શેફાલી 15 બોલમાં 33 રન કરીને આઉટ થઇ ત્યારે ટીમનો સ્કોર 56 રન હતો અને તે પછી લેનિંગ અને એલિસ કાપ્સીએ 4.3 ઓવરમાં 54 રનની નોટઆઉટ ભાગીદારી કરીને ટીમને જીત અપાવી હતી. લેનિંગ 22 બોલમાં 32 અને કાપ્સી 17 બોલમાં 38 રન કરીને નોટઆઉટ રહી હતી.
આ પહેલા ટોસ હારીને પહેલા બેટીંગ કરવા ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સની શરૂઆત ખરાબ રહી હતી અને 58 રનના સ્કોર સુધીમાં તેમણે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. હરમનપ્રીત કૌર ક્રિઝ પર હતી ત્યાં સુધી લડાયક સ્કોર સુધી પહોંચવાની તેમને આશા હતી, જો કે 74 રનના સ્કોર પર હરમનપ્રીત છઠ્ઠી વિકેટ તરીકે આઉટ થઇ તે પછી ઇસી વોંગ અને અમનજોત કૌરની ભાગીદારીથી તેઓ 109 રન સુધી પહોંચ્યા હતા. દિલ્હી વતી મેરીઝેન કેપ, શિખા પાંડે, જેસ જોનાસને 2-2 અને અરૂંધતી રેડ્ડીએ 1 વિકેટ ઉપાડી હતી.