Comments

વાહ રે માનવી તારી વિચિત્રતા

એક કરિયાણાની દુકાનમાં ઉંદર ઘુસી આવ્યો.ઉંદરે વિચાર્યું અહીં તો ભોજન જ ભોજન છે તે ખુશ થી આમ તેમ દોડવા લાગ્યો.દુકાનના માલિકે ઉંદરને જોયો અને વિચાર્યું કે અરે આ ઉંદર અહીં ક્યાંથી આવ્યો જલ્દી મારીને ભ્ગવવો પડશે,નહિ તો મારા માલને નુકસાન કરશે અને કોઈ ગ્રાહક જોઈ લેશે તો મારી દુકાનનું નામ બગડશે.

દુકાનના માલિકે બધા કામ છોડી પહેલા માણસોને ઉંદરને પકડીને મારી નાખવાનો હુકમ કર્યો.આજ દુકાનનો માલિક દર મંગળવારે ગણપતિના મંદિરે દર્શન કરવા જતો અને પોતાના મનની ઈચ્છા જલ્દી પૂરી કરવા ગણપતિદાદાના વાહન ઉંદરના કાનમાં કહેતો હતો….વાહ માનવી તારી વિચિત્રતા.

એક ભાઈ આમ કંજૂસ પૈંસા હોવા છતાં બાળકો અને પત્ની પાછળ પણ વાપરે નહિ.પત્ની નવી સાડી માંગે કે બાળકો રમકડાં તરત ધમકાવીને ચુપ કરી દે.અને તેમણે જ ગામમાં બંધાતા નવા મંદીરમાં દાન આપ્યું અને પોતાના નામની મોટી તકતી લગાવડાવી… વાહ રે માનવી તારી વિચિત્રતા

એક યાત્રાળુઓનો સંઘ તીર્થ યાત્રાએ નીકળ્યો.બધાના મનમાં ગંગા નદીમાં જઈને તેના પવિત્ર પાણીમાં સ્નાન કરી પોતાના સઘળા પાપ ધોઈ નાખવાની ઈચ્છા હતી.બધા ગંગા નદીમાં ન્હાયા અને સઘળા પાપ તે પાણીમાં ધોઈ નાખ્યા અને પછી તે દુનિયાભરના ધોયેલા પાપ વાળું પાણી બોટલમાં ભરી ઘરે લઇ ગયા.વળી પાછું તે પાણી ઘરે આવી આખા ઘરમાં છાંટ્યું…. વાહ રે માનવી તારી વિચિત્રતા

આપણે બધા માનવીઓ …આવી તો એક નહિ અનેક વિચિત્રતાઓ ધરાવીએ છીએ એટલા વિચિત્ર વર્તન આપણે કરીએ છીએ કે બોલીજ પડાય કે વાહ રે માનવી તારી વિચિત્રતા….આપણે પારકાને પોતાના કરવા દોડીએ છીએ અને પોતાનાને ભૂલી જઈએ છીએ.સ્વાર્થમાં એટલા અંધ બની દોડીએ છીએ કે સ્વજનોને નુકસાન પહોંચાડીએ છીએ.

મને નામનાની ભૂખ નથી કહીને દાન કરતા મોટા અક્ષરે નામ લખાવી તકતી મુકાવીએ છીએ.કથા અને સત્સંગમાં જઈને બીજાની કુથલી કરીએ છીએ અને ત્યાં સાંભળેલું ત્યાજ ભૂલીને આવીએ છીએ.ભૂલાયેલા દુર રહેતા મિત્રોને સોશ્યલ મીડિયા પર ગોતીએ છીએ અને પડોશમાં કોણ રહે છે જાણતા નથી.

બહાર નારી સ્વતંત્રતાની વાતો કરતાં મોટા માણસો પોતાની પત્ની કે વહુને નોકરી કરવાની છૂટ આપતાં નથી.આવા તો કેટલાય વિચિત્ર વર્તન કરતો માનવી આપણને સમાજમાં જ્યાં નજર કરીએ દેખાય છે અને માત્ર એટલું જ કહી શકાય છે વાહ રે માનવી તારી વિચિત્રતા. ચાલો, જાગી જઈએ અને આપણામાં રહેલી વિચિત્રતા શોધીને દુર કરીએ.   

  • આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top