એક અનાથ બાળક રામુને શ્રીમંત વેપારીએ આશરો આપ્યો.થોડું ભણાવ્યો…થોડો મોટો થતાં રામુ ઘર અને દુકાનના નાના મોટા કામ કરવા લાગ્યો.તેમની સાથે જ રહેતો,વેપારી અને તેની પત્ની રામુને ઘરના સભ્યની જેમજ રાખતા.સમય વીતતો હતો …કાળનું ચક્ર ફર્યું અને વેપારીને વેપારમાં મોટી ખોટ ગઈ……બધાએ સાથ છોડી દીધો …બસ આ અનાથ રામુ, જે યુવાન થઇ ગયો હતો તે સાથ છોડી ન ગયો.પોતે ભાર સખ્ત મહેનત મજુરી કરતો અને વેપારીના હાથમાં મજુરીના પૈસા મુકતો…શ્રીમંત વેપારીના, નાના ભાઈઓ જેઓ અત્યાર સુધી વેપારીના પૈસે તાગડધિન્ના કરતા હતા.કઈ બોલી શકતા ન હતા.
હવે તેઓને આ અનાથ રામુ આંખમાં કણાની માફક ખુચવા લાગ્યો.બધાં તેને ઘરમાંથી કાઢવાની ઘણી કોશિશ કરી …તેનું અપમાન કર્યું …પણ તે પોતાના સાહેબ[વેપારી] માટે બધું સહન કરતો …એક દિવસ બધાએ રામુ પર ચોરીનો આરોપ મુક્યો…..શ્રીમંત વેપારીએ પણ રામુને લાફો માર્યો અને પૂછ્યું,”ચોરીના પૈસા અને દાગીના ક્યાં છે???? અનાથ રામુ ડઘાઈ ગયો કે મારા સાહેબે પણ મને ચોર માની લીધો અને રડતા રડતા મેં ચોરી નથી કરી કહેતો રહ્યો..પણ વેપારીએ તેને ઘરમાંથી કાઢી મુક્યો …તે ઘર છોડી ગયો….વેપારીની પત્નીએ કહ્યું,”તમારી ભૂલ છે… આપણો રામુ ચોરી કરે જ નહિ” વેપારીએ કહ્યું,”મને ખબર છે તેણે ચોરી નથી કરી પણ જો હું તેણે હડધૂત ન કરત તો તે કોઈ દિવસ આપણને છોડીને ન જાત અને આપણી જોડે તેનું ભવિષ્ય ખરાબ થાત.”વેપારી અને તેની પત્ની રડી પડ્યા.
રામુ ઘર ચોળી ચાલ્યો ગયો …દુરના શહેરમાં નોકરી શોધી અને એક મિત્ર સાથે રહેવા લાગ્યો ….રામુએ પોતાની નાનકડી રૂમના નાના મંદિરમાં ભગવાન સાથે શ્રીમંત વેપારીની તસ્વીર મૂકી હતી અને રોજ તેણે પગે લાગતો.એક દિવસ મિત્રએ પૂછ્યું,”ભાઈ,તારા સાહેબે તને ચોર કહી હડધૂત કરી કાઢ્યો …પછી પણ તું તેમની પૂજા કેમ કરે છે?” રામુએ કહ્યું, “મારા સાહેબ મારા ભગવાન છે …તેમણે મને જીવન આપ્યું છે અને ભગવાન દુઃખ આપે કે સુખ ….ભગવાનની પૂજા તો હર હાલમાં કરવી જોઈએ.તેથી હું તો તેમણે જીવનભર પૂજીશ.”
સાચી શ્રદ્ધા અને સમર્પણ આવા હોવા જોઈએ….ભગવાન આપણને જીવનમાં દુઃખ આપે કે સુખ જે આપે તે આપણા સારા માટે હોય છે તે વિશ્વાસ રાખી…તેની પૂજા અને ભક્તિ કરવી જોઈએ.માંગીએ તે આપે તો જ પૂજા અને ન આપે તો ભગવાન સાથે પણ લડાઈ ન ચાલે.ઈશ્વરને દરેક પરિસ્થિતિમાં ભજો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.