Madhya Gujarat

કડાણા ડેમમાં પાણીની નવી આવક ન થતાં ચિંતાજનક સ્થિતિ

સંતરામપુર : મહિસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમમાં રવિવારે પાણીની સપાટી 390 ફુટ 10 ઈંચ જોવા મળતી હતી. આ ડેમમાંથી ચરોતરમાં સિંચાઇ માટે બારેમાસ પાણી આપવામાં આવે છે. આ ઉપરાંત પરિએજ, કનેવાલ તળાવ ભરીને ભાલ પંથક અને સૌરાષ્ટ્રમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. પરંતુ હાલ ડેમમાં પાણીની સપાટી જોતા ચરોતરમાં આગામી વરસમાં સિંચાઇ માટે પાણીની કટોકટી ઉભી થાય તેવી સ્થિતિ દેખાઇ રહી છે. કડાણા ડેમમાં હાલ પાણીની આવક માત્રને માત્ર 3093 કયુસેક છે. જ્યારે ડેમમાંથી પાણીની જાવક 215 કયુસેક છે. કડાણા બંધમાંથી હાલ ડાબા કાંઠાની નહેરમાં  215  કયુસેક પાણી છોડાઈ રહ્યું છે. કડાણા બંધમાંથી વીજ ઉત્પાદન માટે પણ પાણી નહીં અપાતા કડાણા હાઈડ્રો પાવર પ્રોજેકટના ચાર વીજ યુનિટો બંધ છે અને વીજ ઉત્પાદન થતું નથી. 

કડાણા બંધમાં સપ્ટેમ્બર મહીનામાં પાણીની સપાટી 416 ફુટની હોવી જોઇએ. તેની સામે કડાણા બંધમાં હાલ પાણીની આવક ન હોવાથી પાણીનું લેવલ માત્ર 390.10 ઈંચ છે. આમ કડાણા બંધમાં હાલ પાણીની સંગ્રહશકિતમાં 25 ફુટ ઓછું લેવલ જોવાં મળે છે. જે હાલ ચિંતાજનક જણાય છે.  સંતરામપુર તાલુકામાં ચોમાસાની સીઝનનો વરસાદ પુરતો થયો નથી અને વરસાદ ખેંચાતા વિકટ પરિસ્થિતિ ઊભી થયેલી હોઈ અને ધરતી પુત્રો પણ ચિંતિત જોવા મળી રહ્યાં છે. તાલુકામાં વરસાદ ખેંચાતા અને સમયસર વરસાદ ન થતાં તળાવો, કોતર, નાળાઓ પણ હાલ સુકાભઠઠ ભાસી રહ્યાં છે. નદીઓમાં પણ નવા નીર આવ્યા નથી. વરસાદ ન થતાં વિકટ પરિસ્થિતિ ઊભી થયેલી હોઈ ખેતી માટેના પાણીની અને પીવાના પાણીની પણ મુશ્કેલી સર્જાય તેવો ભય ઉભો થયો છે.

Most Popular

To Top