World

લ્યો, આ નવું આવ્યું, આ દેશમાં વિશ્વની પહેલી AI મિનિસ્ટરની નિમણૂંક, જાણો શું કામ કરશે

એવી ચર્ચા છે કે AI ઘણા લોકોની નોકરી ખાઈ જશે, પરંતુ એ નહોતી ખબર કે આટલી જલ્દી તે પોલિટિક્સના ક્ષેત્રમાં પણ ઝંપલાવશે. વિશ્વની પહેલી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI મંત્રીની નિમણૂંક અલ્બેનિયામાં થઈ છે.

આખી દુનિયા AI સાથે કોડિંગ સહિત અનેક કાર્યોને સંચાલિત કરવા પ્રયાસ કરી રહ્યાં છે. જેના કારણે અનેક નોકરીઓ પર સંકટ વધુ ઘેરું બની રહ્યું છે. બીજી તરફ અલ્બેનિયાએ AI સાથે ભ્રષ્ટાચારને દૂર કરવા માટે એક નવું ઉદાહરણ સ્થાપિત કર્યું છે.

અલ્બેનિયાએ AI ટેકનોલોજીના ક્ષેત્રમાં તેના પ્રકારનો પ્રથમ પ્રયોગ ગણાવવામાં આવી રહ્યો છે. આજે શુક્રવારે તા. 12 સપ્ટેમ્બર 2025ના રોજ અલ્બેનિયાના વડા પ્રધાન એડી રામાએ તેમના મંત્રીમંડળમાં એક AI મંત્રીનો સમાવેશ કરવાની જાહેરાત કરી. આ વર્ચ્યુઅલ મંત્રીનું નામ ડિએલા છે, જેનો અર્થ અલ્બેનિયન ભાષામાં “સૂર્ય” થાય છે. ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે અલ્બેનિયન સરકારે આ AI મંત્રીની નિમણૂક કરી છે. આ AI સરકારી કરારો અને ભંડોળ પર નજર રાખશે.

ડિએલા વિશ્વના પ્રથમ AI મંત્રી
હકીકતમાં, અલ્બેનિયાએ એ કર્યું છે જે અમેરિકા અને ચીન જેવા વિકસિત દેશો પણ AI ટેકનોલોજીના ક્ષેત્રમાં કરી શક્યા નથી. ડિએલા વિશ્વના પ્રથમ AI મંત્રી છે જેમને ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની જવાબદારી સોંપવામાં આવી રહી છે. વડા પ્રધાન રામા કહે છે કે ડિએલા જાહેર ભંડોળ પ્રોજેક્ટ્સ અને સરકારી ટેન્ડરોનું નિરીક્ષણ કરશે જેથી ભ્રષ્ટાચાર સંપૂર્ણપણે નાબૂદ થઈ શકે. રામાએ વચન આપ્યું હતું કે “અહીંના તમામ જાહેર ટેન્ડર 100% ભ્રષ્ટાચાર મુક્ત હશે.”

ડિએલાને આ વર્ષની શરૂઆતમાં ઇ-અલ્બેનિયા નામના સરકારી ડિજિટલ પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવી હતી. અહીં તે વર્ચ્યુઅલ સહાયક તરીકે કામ કરે છે અને પરંપરાગત અલ્બેનિયન પોશાક પહેરીને યુઝર્સને વેબસાઇટનો ઉપયોગ કરવામાં મદદ કરે છે. રામાએ તેમની શાસક સમાજવાદી પાર્ટીને જણાવ્યું હતું કે સરકારી ટેન્ડરોના વિજેતા નક્કી કરવાની જવાબદારી હવે મંત્રીઓને બદલે ‘ડિએલા’ પાસે રહેશે.

ભ્રષ્ટાચાર પર કાબુ મેળવશે
સરકારી ટેન્ડરોમાં કૌભાંડો લાંબા સમયથી અલ્બેનિયામાં એક મુખ્ય મુદ્દો રહ્યો છે. આ AI સિસ્ટમ દરેક કંપની દ્વારા કરવામાં આવેલી બિડની સમીક્ષા કરશે, જે માનવ હસ્તક્ષેપને દૂર કરશે અને લાંચ, ધમકીઓ અથવા પક્ષપાત જેવા જોખમોને પણ દૂર કરશે. 2030 સુધીમાં યુરોપિયન યુનિયનમાં જોડાવાની અલ્બેનિયાની મહત્વાકાંક્ષાઓ માટે આ ક્ષેત્રમાં સુધારો કરવો પણ મહત્વપૂર્ણ છે.

મોટું પરિવર્તન લાવશે
અલ્બેનિયન મીડિયાએ આ નિર્ણયને ‘મોટો પરિવર્તન’ તરીકે વર્ણવ્યો છે જ્યાં ટેકનોલોજી હવે માત્ર સહાયક સાધન નથી રહી પરંતુ શાસનમાં સક્રિય ખેલાડી બની ગઈ છે. કાનૂની નિષ્ણાતો કહે છે કે ડીએલાના સત્તાવાર પદ અંગે હજુ પણ વધુ કામ કરવાની જરૂર છે. 1990 માં સામ્યવાદી શાસનના અંત પછી અલ્બેનિયામાં ભ્રષ્ટાચાર એક ગંભીર સમસ્યા રહી છે. આવી સ્થિતિમાં, એ જોવું રસપ્રદ રહેશે કે AI મંત્રી કેટલો ફેરફાર લાવી શકે છે.

Most Popular

To Top