SURAT

વિશ્વ મહાસાગર દિવસ: શિક્ષણનું પ્રમાણ વધતાં પરંપરાગત માછીમારોની સંખ્યામાં ઘટાડો

સુરતઃ સંયુક્ત રાષ્ટ્રસંઘે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 63મા સત્રમાં તા.8 જૂનને ‘વિશ્વ મહાસાગર દિવસ’ (World Oceans Day) તરીકે જાહેર કર્યો હતો. યુનાઇટેડ નેશનની આ વર્ષની થિમ ‘Planet Ocean: Tides are Changing’ અંતર્ગત આવતીકાલે સુરત (Surat) જિલ્લામાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવશે. એક સમયે સુરત જિલ્લામાં 84 બંદરના વાવટા ફરકતા હતા. ડુમસ, હજીરા અને ઓલપાડ કાંઠાનાં ગામોની ત્રણ દાયકા પહેલાં મુખ્ય આજીવિકા માછીમારી થકી મળતી હતી. અરબી સમુદ્રમાં સુરત જિલ્લામાં દરિયા કાંઠાની લંબાઈ 36 કિ.મી.ની છે. અહીંથી માછીમારો અને ખલાસીઓ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતને લાગુ મહારાષ્ટ્રની દરિયાઈ સીમમાં પરંપરાગત માછીમારી કરવા જતા હતા.

ખલાસી ટીમલા પંચના અગ્રણી કમલેશ સેલર કહે છે કે, બ્લેક એન્ડ વ્હાઇટના જમાનામાં ચોર્યાસી બંદર એટલે કે સુંવાલીથી મત્સ્ય પ્રોડક્ટ મિડલ ઇસ્ટ સહિતના દેશોમાં પહોંચતી હતી. એ ટ્રાન્ઝિટ કેમ્પ જેવું હતું. મધદરિયે માછીમારી કરતા માછીમારોની સંખ્યા સ્વાભાવિક રીતે ઘટી છે. કારણ કે, આ સમાજમાં શૈક્ષણિક જાગૃતિ આવી છે. નવી પેઢી દિવસોની દરિયાની કાળી મજૂરી કરવા માંગતી નથી. જો કે, આજે પણ વહેલી સવારે હજીરાના દરિયામાં થતી માછીમારી જૂના સુરતની યાદ અપાવે છે.

સુરત જિલ્લામાં મત્સ્ય ઉદ્યોગ આ વ્યવસ્થાને લીધે પ્રગતિ કરી રહ્યો છે
મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક બિંદુબેન આર.પટેલે જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં દરિયા કાંઠાની લંબાઈ 36 કિ.મી. છે. દરિયાઈ મત્સ્ય લેન્ડિંગ કેન્દ્ર 6, ભરતીવાળા મત્સ્ય કેન્દ્ર 14, નદીના મત્સ્યકેન્દ્ર 42, ડેમ-જળાશય કેન્દ્રો 5 છે. સુરત જિલ્લામાં કુલ રજિસ્ટર્ડ માછીમારની સંખ્યા 28,995 છે, જેમાં 10,653 સક્રિય માછીમાર છે. 169 માછીમાર બોટ, 141 યાંત્રિક બોટ, 26 બિનયાંત્રિક બોટ છે. 1 આઈસ ફેક્ટરી, 1 બોટ બિલ્ડિંગ યાર્ડ, 3 ફ્રિજિંગ પ્લાન્ટ અને કોલ્ડ સ્ટોરેજ આવેલાં છે.

સુરત જિલ્લામાં 23 મત્સ્યોદ્યોગ સહકારી મંડળી છે, જેના 1899 સભ્ય છે. સુરત જિલ્લામાં વલણ અને કાકરપાર એમ બે મત્સ્યદ્યોગ કેન્દ્ર છે. પીપોદરા અને કોસમાડા બે સ્થળ પર મત્સ્યબીજ ઉત્પાદન કેન્દ્ર આવેલાં છે. બિંદુબેને વધુમાં જણાવ્યું કે, મત્સ્યોદ્યોગને મુખ્ય ત્રણ વિભાગ; આંતરદેશીય મત્સ્યોઉદ્યોગ (મીઠા પાણીનો મત્સ્યોદ્યોગ), ભાંભરા પાણીનો મત્સ્યોદ્યોગ (ઝીંગા ઉછેર) અને દરિયાઈ મત્સ્યોદ્યોગમાં વહેંચવામાં આવ્યો છે. આંતરદેશીય મત્સ્યોદ્યોગમાં મત્સ્ય બીજ ઉત્પાદન, સ્થાનિક માછીમાર યુવાનો દ્વારા મત્સ્યબીજનો ઉછેર(ગ્રામ્ય રોજગારી), ગ્રામ્ય તળાવોમાં મત્સ્યોદ્યોગ(સ્થાનિક માછીમારોને રોજગારી) અને સ્થાનિકો દ્વારા છૂટક મત્સ્ય વેચાણને પ્રોત્સાહન આપવામાં આવે છે.

ભાંભરા પાણીના મત્સ્યોદ્યોગમાં રાજ્ય સરકારની પોલિસી મુજબ રેવન્યુ ડિપાર્ટમેન્ટ મારફતે જમીન ફાળવણી, કોસ્ટલ એક્વાકલ્ચર ઓથોરિટી એક્ટ મુજબ એક્વાકલ્ચર ફાર્મનું રજિસ્ટ્રેશન, આનુષાન્ગિક માળખાકીય સવલતો જેવી કે રોડ, વીજલાઈન, પીવાનું પાણી પૂરું પાડવું. લાભાર્થીઓને ભાંભરા પાણીના મત્સ્યોદ્યોગની તાલીમ પણ આપવામાં આવે છે. ગુજરાતના દરિયાકાંઠે માછલીઓનું પ્રમાણ ઘણીવાર ઓછું જણાતાં કેન્દ્રીય મત્સ્ય વિભાગ ગુજરાત સરકારના સહયોગથી આર્ટિફિશિયલ રિફ્ટ, સી રેન્ચિંગ અને કેજ કલ્ચરને પ્રોત્સાહન આપી રહી છે

બ્લુ ઈકોનોમીને વેગ આપવા છેલ્લાં 3 વર્ષમાં આ સહાય ચૂકવાઈ
બ્લુ ઈકોનોમીને વેગ આપવા માટે સમુદ્રમાંથી માછલીઓ પકડી મત્સ્યપાલન કાર્ય કરતા સાગરખેડુઓ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલ મૂકી છે. સુરતની મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી દ્વારા મત્સ્યપાલકોને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો છે. સુરત મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી દ્વારા વર્ષ 2021-22માં રૂ.1.89 કરોડ, વર્ષ-2022-23માં રૂ.1.59 કરોડ અને વર્ષ-2022-23માં રૂ.1.34 કરોડનો ખર્ચ કરી લાભાર્થીઓને સાધન-સહાય આપવામાં આવી છે. માછીમારોના કલ્યાણ માટે સરકારની કલ્યાણકારી યોજનાઓમાં દરિયાઈ મત્સ્યોદ્યોગમાં પરંપરાગત માછીમારોને સહાય (પગડિયા માછીમાર સહાય, નાની હોડીઓ માટે, બહારનાં યંત્રો માટે સહાય, ગીલનેટની ખરીદી પર સહાય), સલામત અને નફાકારક મત્સ્યોદ્યોગ (લાઈફ સેવિંગનાં સાધનો તથા જી.પી.એસ., ફિશફાઈન્ડર જેવાં આધુનિક સાધનો પર સહાય), આધુનિક સાધનો જેવાં કે ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટ, સોલાર લેન્ટર્ન, સી.એલ.એફ. વગેરે પર સહાય, પાકિસ્તાન કસ્ટડીમાં રહેલા માછીમારોનાં કુટુંબોને આર્થિક સહાય, માછીમારોને ડીઝલની ખરીદી ઉપર ચૂકવેલા વેટની રાહત આપવામાં આવે છે.

આ ઉપરાંત ઓ.બી.એમ. બોટધારક માછીમારોને કેરોસીન ખરીદી, મત્સ્યપાલન પ્રક્રિયા, જાળવણી અને ખરીદ વેચાણ, ખરીદ વધારાની યોજના, માછીમાર મહિલાને હાથલારીની ખરીદી, મત્સ્યોદ્યોગ સ્થાપવા પ્રોસેસિંગ યુનિટની ખરીદી, આઈસ પ્લાન્ટ, કોલ્ડસ્ટોરેજ અને ફિશ માર્કેટ સ્થાપવા, પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ રેફ્રીજરેટર વાન, ડીપફ્રિજર, ઈન્સ્યુલેટેડ વ્હીકલનો લાભ આપવામાં આવે છે. ઉપરાંત બોટ રજિસ્ટ્રેશન, મત્સ્યોદ્યોગ સ્થાપવા માટેનું લાઇસન્સ આપવાનું કાર્ય પણ કરવામાં આવે છે.

Most Popular

To Top