સુરત: કુપોષિત બાળકો અને મહિલાઓને પોષણક્ષમ આહાર દૂધ (Milk) મળી રહે એ માટે યુનાઇટેડ નેશન્સ દ્વારા 1 જૂન 2001 થી વિશ્વ ભરમાં ગરીબ બાળકો અને મહિલાઓને મદદરૂપ થવા 1 જૂન ના દિવસને વર્લ્ડ મિલ્ક ડે (World Milk Day) તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. જોકે ભારતમાં પશુઓની કુલ સંખ્યાના દૂધ આપવાના પ્રમાણ સામે દૂધ ઉત્પાદનના આંકડાઓ વધતા સિન્થેટિક દૂધના વેચાણનો મોટો પ્રશ્ન ઊભો થયો છે.
સસ્તા દૂધના નામે સુરતમાં મહારાષ્ટ્રથી મોટી માત્રામાં રોજ શહેરના ઉધના, લિંબાયત કતારગામ ઝોનની સ્લમ વસાહતોમાં સિન્થેટિક દૂધ ઠાલવવામાં આવે છે. આવા દૂધને ન્યુટ્રલાઈઝ કરવા પાણી નાંખવાથી પેથોજનનું પ્રમાણ વધે છે. આવું દૂધ ઉકાળીને પીવાથી શરીરને હાનિ પહોંચે છે. ટીબી, કેન્સર અને ચામડીના રોગો પણ આવા દૂધના વપરાશથી થાય છે. સિન્થેટિક દૂધ પકડવા માટે મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગ સજાગ છે, પણ એની પાસે પૂરતા સાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. દેગડાના દૂધને લઈને પણ ગુજરાત રાજ્ય મિલ્ક માર્કેટિંગ ફેડરેશને કેટલાક પ્રશ્નો ઊભા કર્યા છે. એ મુજબ ગાય, ભેંસ સમગ્ર વર્ષ દરમ્યાન એક સરખું દૂધ આપી શકતી નથી. ગાય કે ભેંસ વસુકી જાય ત્યારે દૂધનું ઓછું ઉત્પાદન થાય છે. એવી સ્થિતિમાં મહારાષ્ટ્રનું દૂધ ઉમેરીને આપે છે.
સિન્થિટિક દૂધથી કૂતરાઓના વાળ ઉતરી ગયા
સુરત મહાનગર પાલિકાના ફૂડ અધિકારી તરીકે કે.જી.પટેલ હતાં ત્યારે મહારાષ્ટ્રથી આવતા દૂધમાંથી યુરિયાનું પ્રમાણ શોધી કાઢવામાં આવ્યું હતું. તે સમયે સિન્થેટિક દૂધ પકડવા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રથી સિન્થેટિક દૂધ રેફ્રિજરેટેડ વાહનમાં આવે છે. આ દૂધ 36 થી 48 કલાકે પણ ફાટતું નથી. ડેરી ઉદ્યોગના નિષ્ણાતો કહે છે કે, યુરિયા મિક્સ આવા દૂધને ઘટ બનાવવા બ્લોટિંગ પેપર નાખવામાં આવે છે. દૂધની આવરદા કૃત્રિમ રીતે વધારવા તેમાં સોડિયમ હાઇડ્રોક્લોરાઇડ અને હાઇડ્રોજન પેરોકસાઈડની ભેળવવામાં આવે છે. દૂધ સાથે આ પ્રવાહી કેમિકલની ઘનતા એટલી વધે છે કે રેફ્રિજરેશનની બહાર કલાકો દૂધ રાખવા છતાં આ દૂધ ફાટતું નથી. 5 વર્ષ અગાઉ પાલિકા સાથે સુરતની સહકારી ડેરીએ સંશોધનમાં એક ચોંકાવનારું તારણ એ આવ્યું હતું કે ઉધના,કતારગામ લિંબાયતની સ્લમ વસાહતોમાં શેરીના કૂતરાઓના વાળ ઉતરી ગયા હતાં. એનું એક કારણ સિન્થેટિક દૂધનું સેવન પણ હતું. જો આ દૂધ માનવ શરીરમાં જાય તો પેટમાં ચાંદા અને અલસર જેવો રોગ આપી શકે છે.
દક્ષિણ ગુજરાતની 13 સુગર ફેકટરીઓ કરતાં વધુ રૂપિયા માત્ર સુમુલ ડેરીએ ચૂકવ્યા: જયેશ દેલાડ
સુમુલ ડેરીના સિનિયર ડિરેક્ટર જયેશ એન.પટેલ (દેલાડ) કહે છે કે,ખેત ઉત્પાદનમાં દક્ષિણ ગુજરાતની 13 સુગર ફેકટરીઓએ ખેડૂતોને શેરડીના વેચાણ પેટે 3000 કરોડ ચૂકવ્યા હતા એની સામે સુમુલે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને 3200 કરોડ ગત વર્ષે જ ચૂકવ્યા હતા.1995-96 થી અમેરિકા દૂધ ઉત્પાદક તરીકે નંબર વન દેશ હતો.હવે ભારત આ ક્ષેત્રે પ્રથમ ક્રમે છે.વિશ્વમાં ઉત્પાદિત 100 લિટરમાંથી 23 લીટર દુધનું ઉત્પાદન ભારતમાં થાય છે.