સુરત : 19 મેને વર્લ્ડ ફેમિલી ડોક્ટર ડે (World family doctor day) તરીકે ઉજવવામાં (Celebrate) આવે છે. ફેમિલી ફિઝિશિયન નાના બાળકોથી (Children) માંડીને ઘરના વૃદ્ધ લોકોની નાની-મોટી માંદગીના સમયે પરિવારના (Family) સભ્યની જેમ સારવાર કરે છે. વિશ્વ ફેમિલી ડોક્ટર દિવસ છે ત્યારે સુરતમાં (Surat) માત્ર 650 ફેમિલી ડોક્ટર છે. શહેરની વસ્તી અંદાજે 60 થી 65 લાખની છે તેની સામે ફેમિલી ડોક્ટરોની સંખ્યા ઓછી છે. જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે, એમબીબીએસ થયા પછી કોઇ જનરલ પ્રેક્ટિસમાં જોડાતું નથી. 90 થી 95 ટકા લોકો એમડી, એમએસ તેમજ સ્પેશિયાલિસ્ટ બનવા માટે આગળના અભ્યાસમાં જોડાઇ જાય છે.
માંદગીના સમયે સચોટ અને યોગ્ય માર્ગદર્શન આપવાનું કામ વર્ષોથી ફેમિલી ડોક્ટર (ફેમિલી ફિઝિશિયન) કરતાં આવ્યાં છે. જોકે હાલ સમય બદલાયો છે. ફેમિલી ડોક્ટર ખૂબ ઓછા રહ્યાં છે તેમ છતાં તેમણે તેમની કામગીરી ચાલુ રાખી છે. ખૂબ જ ઓછો ચાર્જ લઇને 40-45 વર્ષથી જનરલ પ્રેક્ટિસ કરતા ફેમિલી ડોક્ટરો ફિઝિશિયન ડો.જયેન્દ્ર કાપડીયાએ જણાવ્યું હતું કે, ફેમિલી ડોક્ટર તરીકે બે વસ્તુ ઘણી મહત્વની છે. નાડીની પરખ અને આરોગ્ય નીતિ વિષય ડોક્ટરનો કેટલો પ્રભાવ છે. એમબીબીએસ ડોક્ટરો ઓછા થતાં જઇ રહ્યા છે. વર્ષો જૂના ડોક્ટર્સ જનરલ પ્રેક્ટિસમાં સેટ થઇ ગયા છે જેની સામે એમબીબીએસ થયા બાદ નવા તબીબો જનરલ પ્રેક્ટિસમાં જોડાતા નથી. એમબીબીએસનો અભ્યાસ કર્યા બાદ ફેમિલી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરવી નવા તબીબોને અઘરી લાગે છે. ખૂબ જ ઓછા ખર્ચે ફેમિલી ડોક્ટર સામાન્યમાં સામાન્ય પરિવારને આર્થિક બોજારૂપ બન્યા વગર સારવાર કરે છે.
ફેમિલી ડોક્ટર સમાજની કરોડરજ્જુ છે : ડો. વિનોદ સી.શાહ
45 વર્ષથી વધારે સમયથી જનરલ પ્રેક્ટિસ કરતા ફેમિલી ફિઝિશિયન એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડો.વિનોદ સી.શાહે જણાવ્યું હતું કે, ફેમિલી ડોક્ટર સમાજની કરોડરજ્જુ છે. સુરતમાં આવેલા પ્લેગ, 2006ના પૂર તેમજ કોરોનાની મહામારીમાં પણ શહેરના જૂના ફેમિલી ડોક્ટર્સે જનરલ પ્રેક્ટિસ ચાલુ રાખી હતી. કેટલાય જૂના તબીબોએ કોવિડમાં જીવ ગુમાવ્યો હતો. જનરલ પ્રેક્ટિસનર તરીકે ઓળખાતા ફેમિલી ડોક્ટર અડધી રાત્રે પણ ઘરે જઇને વિઝિટ કરતા હોય છે. પરંતુ હાલ શહેરમાં જનરલ પ્રેક્ટિસ કરનારાઓની સંખ્યા ઓછી થઇ ગઇ છે. એમબીબીએસ બાદ વિદ્યાર્થીઓ સ્પેશિયાલિસ્ટ બનવાની દોડમાં લાગી જાય છે.
શહેરનાં મોટાભાગના પરિવારોની આરોગ્યલક્ષી જવાબદારી ફેમિલી ડોક્ટરો ઉપર : ડો. હરેશ ભાવસાર
ફેમિલી ફિઝિશિયન એસોસિએશન સુરતના પ્રમુખ ડો.હરેશ ભાવસારે જણાવ્યું હતું કે, શહેરના જૂના અને જાણીતા ફેમિલી ડોક્ટરો આજે પણ પ્રેક્ટિસ કરી રહ્યા છે. શહેરના મોટાભાગના પરિવારોની આરોગ્યલક્ષી બાબતોની ઝીણવટભરી તપાસ કરીને તેમને યોગ્ય દવા અને માર્ગદર્શન તેઓ આપી રહ્યાં છે. પરંતુ બદલાતા સમયની સાથે શહેરમાં ફેમિલી ડોક્ટરો ખૂબ ઓછા થઇ ગયા છે.